Thursday, March 18, 2010

વાસ્‍તુશાસ્‍ત્ર + વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

             વાસ્‍તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્‍પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્‍તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્‍કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્‍યક્તિ વાસ્‍તુને વધુમાં વધુ મહત્‍વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્‍યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ ખૂબ વધ્‍યું છે. જો કે, આપણી પાસે તો આપણા ઋષિકાળનું સંપૂર્ણ વાસ્‍તુશાસ્ત્ર ઉપલબ્ધ છે અને જે કોઈ શાસ્‍ત્રો હાલ ઉપલબ્ધ છે તે બધામાં મોટેભાગે સામ્‍ય જોવા મળે છે, જે દર્શવે છે કે પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્‍તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્‍તુશાસ્‍ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્‍પર્શી જાય તે ઉત્તમ વાસ્‍તુ છે. કોઈપણ વાસ્‍તુનો આ ટેસ્‍ટ અતિ મહત્‍વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્‍યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્‍યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્‍મે છે. દા. ત. કોઈ ઘરમાં પ્રવેશતાંની સાથે જ સુંદર ઘંટડીનો અવાજ સંભળાય, દિવાલો પર આંખને ગમી જાય તેવો રંગ જોવા મળે, સામે જ એકાદ સુંદર પ્રતિમા જોવા મળે કે આછેરી હવાની લ્‍હેર બાજુમાં પસાર થઈ જાય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્‍યારબાદ સુંદર રીતે ગોઠવાયેલ સોફા પર સ્‍થાન લેતાની સાથે જ આપણું મન હકારાત્‍મકતાથી ભરપૂર બની જાય ત્‍યારબાદ આપણે ધારવા છતાં પણ તે ઘરના માલિક સાથે નકારાત્‍મક અભિગમ નહીં દાખવી શકીએ, અને આ જ વાસ્‍તુની સર્વપ્રથમ સિદ્ધિ છે.

આટલી વાત સમજ્યા બાદ વાસ્‍તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્‍વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્‍વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્‍વ હોય છે.

હવે સામાન્‍યતઃ આ કિરણો તથા તેની અસરથી આપણે અજાણ હોઈએ છીએ, જો કોઈ ચોક્કસ વ્‍યવસ્‍થા દ્વારા યોગ્‍ય દિશા તથા જગ્‍યાને ઓળખીને આ કિરણોને તે જગ્‍યા માટે હકારાત્‍મક બનાવવામાં આવે તો તે જગ્‍યાએ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. અને તેથી ઉલટું જો કોઈ જગ્‍યા આ કિરણો અને દિશાથી વિરૂદ્ધ હશે તો તે જગ્‍યાએ શોક, હતાશા અને નિરાશા વ્‍યાપી જશે, આમ આપણા જીવનની ખુશહાલી અને સમૃદ્ધિનો ઘણો બધો આધાર વાસ્‍તુ પર છે. આથી જ આપણું ઘર, ઑફિસ, કારખાનું નોકરીનું સ્‍થળ, ક્લીનીક, ખેતીવાડી જેવી કોઈપણ જગ્યા વાસ્‍તુ મુજબ હોય એ જરૂરી છે.

આમ જોવા જઈએ તો વાસ્‍તુશાસ્ત્રના હજારો નિયમ છે, વળી બે અલગ-અલગ વિચારધારા મુજબ ક્યારેક વાસ્‍તુશાસ્ત્રમાં ગૂંચવણ પણ ઊભી થાય છે. આથી તમામ વિચારધારા પ્રમાણેનું વાસ્‍તુ લગભગ અશક્ય જેવી ઘટના બની જાય છે. પરંતુ વૈદિક વિચારધારા મુજબના વાસ્‍તુશાસ્ત્રનું યોગ્‍ય રીતે અનુસરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે તે નિર્વિવાદ છે.

હવે સૌ પ્રથમ આપણે દિશાભાન મેળવી લઈએ, આપણે દસ દિશામાં જીવીએ છીએ તેમ કહી શકાય, પૃથ્વી તરફ એટલે કે નીચે, આકાશ તરફ એટલે કે ઉપર અને ચાર દિશા તથા ચાર ખૂણા આવો સૌ પ્રથમ આપણે ચાર દિશા તથા ખૂણા નક્કી કરી લઈએ.

કોઈપણ જગ્‍યાએ ચોક્કસ દિશા તથા ખૂણા નક્કી કરવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરી શકાય, હોકા યંત્ર સરળતાથી માર્કેટમાંથી મેળવી શકાય છે. વળી થોડો અભ્‍યાસ થઈ ગયા બાદ સૂર્ય પરથી ચોક્કસ દિશાભાન તુર્ત જ મળી શકે છે. આમ છતાં જ્યારે ચોક્કસ ખૂણો તથા ડિગ્રીની વાત આવે ત્‍યારે હોકાયંત્રનો ઉપયોગ હિતાવહ છે.

વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

     રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.
 
     નાહીધોઈને ઘરની સ્‍ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.

     ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.

     ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.

     ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.

    પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.

     તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિ‍ણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.

     આવા તિજોરી/કબાટ ઉપર અન્‍ય કોઈ જ ચીજ વસ્‍તુ ન રાખો. તે ભાર કરશે.

     ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્‍યાં રાખી શકો.

     સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.

     મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્‍પોન્‍ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.

     સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.

     ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.

     ઘરમાં કેકટસ કે કાટાંળા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા કારણ તેનાથી ઘરમાં સભ્‍યો વચ્‍ચે શત્રૂતા વધશે.

     તમારા ઘરનું બારણું દક્ષિ‍ણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્‍તુદોષ દૂર થાય છે.

     ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા- દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપણા કોઈપણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો. આ બધી ખૂબ સૂક્ષ્‍મ બાબતો છે.

     પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલેચુકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વુક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળીયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી.

     ભોજન કરતી વખતે મુખ પુર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું.

     અભ્‍યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્‍યાસ કરવો.

     ઘરમાં આવવા જવા માટે મુખ્‍ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા/જવા માટે પાછલા કે અન્‍ય દરવાજાનો ઉપયોગ ન કરવો.

     નાસ્‍તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહિં.

     સંધ્‍યા સમય પછી ઝાડું કાઢશો નહિં. ઝાડું કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો.

     ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઉભુ રાખશો નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે.

     દાદરા નીચે બેસીને પૂજા ન કરો.

     ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્‍ય લઈ આવશે.

     ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળીયામાં ન વાવો. સંતતિનો નાશ થશે.

     પુરૂષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહિ.

     નવા વસ્‍ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા.

     દાતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા.

     પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો.

     સંધ્‍યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્‍નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્‍તુદેવતા કોપાયમાન થાય છે.

     હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી‘ઓય રે’ ‘ હાય રે’ અથવા તો ‘ હું આ ઘરથી થાકી ને કંટાળી ગઈ છું’વગેરે શબ્‍દો ન બોલો. નિયતિ (પ્રારબ્‍ધ) સુક્ષ્‍મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે.

     આખા વરસમાં બે વખત ભલે સત્‍યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો.

     સંધ્‍યા સમયે તથા સવારે નાહીંને ઘરમાં અવશ્‍ય દીવાબત્તી કરો.

     ઘરની સૌધાગ્‍યવતી સ્‍ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેંથો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું- આ તમારું સૌભાગ્‍ય વધારશે.

     ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં.

     ઘરની દિવાલોનો તથા બારી- બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો.

     ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.

     ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી.

     ઘરમાં તુલસીની પૂજા જરૂર થી રાખવી.

     પ્રવેશદ્રારની સામે તરત જ ઘરમાં જૂતા સ્‍ટેન્‍ડ ન રાખો.

     ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્‍યનું ચિત્ર સુખ શાંતિ આપે છે, ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફુલોનું ચિત્ર ઉત્‍સાહ પ્રેરે છે, ઈષ્‍ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃધ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે.

     જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્‍તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબા- ડુબલી જે કાંઈ રોજીંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્‍ડરો, રંગના સૂકાઈ ગયેલા ડબ્‍બા, તુટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટયુબ- ટાયર બધું નિકાલ કરી નાખો. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્‍તુ ન રાખો. જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે.


વાસ્તુમાં રંગનું મહત્વ
દરેક રંગને પોતાનો એક ગુણધર્મ હોય છે, તથા પોતાના તરંગોની એક માત્રા છે. જો આ રંગને યોગ્ય દિશામાં તેના ગુણધર્મને આધારે ચયન કરવામાં આવે તો વાસ્તુમાં આપણે સુંદર પરિણામ પ્રાપ્તા કરી શકીએ છીએ. અહીં આપણે દિશા, તેના અધિપતિ ગ્રહ તથા તેનો અનુકૂળ રંગ વિશે જાણીએ.


(૧) ઈશાન કોણ : ઈશાન કોણ અતિ પવિત્ર કોણ છે. આ કોણનો અધિપતિ ગ્રહ ગુરુ છે. આથી આ દિશામાં પીળો રંગ વધુ લાભદાયક રહે છે. આ ઉપરાંત ક્રીમ કલર, વાઈટ કલર, ગોલ્ડન કલર, ઓફ વ્હાઈટ કલર આ કોણ માટે શુભ રંગ બને છે.

(૨) ઉત્તર દિશા : ઉત્તર દિશા કુબેરની દિશા છે. તેનો મૂળ સ્વભાવ વ્યાપાર છે. અધિપતિ ગ્રહ બુધ હોવાથી લીલોરંગ શુભ બને છે. લીલા રંગ ઉપરાંત ડાર્ક, ગ્રીન રૂપેરી રંગ આસમાની રંગ પણ આ દિશા માટે શુભ છે.

(૩) વાયવ્ય કોણ : વાયુતત્વમાં ચંદ્ર અધિપતિ થતો હોઈ સફેદ રંગ શુભ બને છે. આ ઉપરાંત કોઈપણ સફેદને લગતો લાઈટ કલર ઉપયોગમાં લઈ શકાય ગુરુ મિત્ર રાશિ હોઈ પીળો કે સોનેરી કલર પણ લઈ શકાય.

(૪) પશ્ચિમ દિશા : પશ્ચિમ દિશાના અધિપતિ શનિ દેવ છે. તેથી વાદળી રંગ શુભ થાય છે. શનિને કાળાશ પસંદ હોઈ ડાર્ક કલર, મોરપીંછ કલર, રીંગણી કલર વગેરે. આ દિશામાં શુભ બને છે.


(૫) નૈઋત્ય દિશા: આ દિશાનો માલિક રાહુ બને છે તેથી કાળો રંગ તથા કોફી રંગ શુભ બને છે. આ ઉપરાંત શનિ અને બુધ મિત્ર હોઈ રીંગણી કલર, વાદળી કલર તથા લીલો કલર શુભ બને છે.

(૬) દક્ષિ‍ણ દિશા : આ દિશાનો માલિક મંગળ હોઈ ભડકા કલર પ્રિય બને છે, ખાસ કરીને લાલ રંગ શુભ બને છે. લાલ સાથે ગુલાબી કે નારંગી રંગ અથવા રતાશ પડતો રંગ પણ શુભ બને છે. આંખો ચોંટી જાય તેવો ભડકા કલર મંગળને પ્રિય છે.

(૭) અગ્નિ કોણ: આ કોણનો અધિપતિ શુક્ર છે. શુક્રને ફ્લોરોસન્ટ ટાઈપના ચળકતા રંગો ગમે છે. આ દિશામાં રૂપેરી રંગ, સફેદ રંગ કે લાલ રંગને ચળકતો રાખવામાં આવે તો શુભ છે.
 
(૮) પૂર્વ દિશા : આ દિશાનો સ્વામી સૂર્ય છે. વહેલી સવારના કિરણો જેવો સોનેરી રંગ તેને પ્રિય છે. સોનેરી, રૂપેરી, પીળો, સફેદ, ક્રિમ તેના શુભરંગ બને છે સાથે સાથે બુધ પરમ મિત્ર હોવાથી લીલો રંગ પણ અહીં સારો ગણાય. રાતો રંગ પણ લઈ શકાય.

(૯) બ્રહ્મસ્થાન : આ સ્થાન અવકાશનું સ્થાન હોઈ આસમાની રંગ, સફેદ, ક્રિમ કે પીળાશ પડતો રંગ શુભ ગણાય છે.

1 comment: