Monday, April 5, 2010

શિવ ચિન્હોનું તાત્પર્ય + ત્રિશૂળ + ડમરું + શિખર + નંદી + કાચબો

ત્રિશૂળ :-

   શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

   સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

ડમરું:-

     શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

શિખર:

            શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.


તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

  આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

નંદી:

          આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

            મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

       નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

       મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

કાચબો [કચ્છપ] :-

      નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દએક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

No comments:

Post a Comment