Sunday, April 4, 2010

ગાય માતા + ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાવો વિશ્વસ્ય માતરઃ

વેદોનો નિર્દેશક છે કે જો કોઇને આ સંસારમાં બધા જ પ્રકારના વૈભવો પ્રાપ્ત કરવા હોય તો તે ગૌમાતાની સેવા કરે. મહર્ષિ ચ્યવને રાજા નહુષને કહેલું કે ‘ગોભિસ્તુલ્યં ન પશ્યામિ ધનં કિંચીદા હાચ્યુત’ અર્થાત આ સંસારમાં હું ગાયો સમાન બીજું કોઇ ધન જોતો નથી.

ગાયોના સર્વ અંગો દેવમય છે. ગાયના શીંગડાનાં મુળમાં બ્રહ્માજી અને શીંગડાઓની મધ્યમાં ભગવાન નારાયણ વસે છે. શીંગડાના શીરોભાગમાં શિવજી વસે છે. પ્રજાપતિ અને બધા તીર્થો પણ ગાયના શીંગડામાં વસે છે. લલાટમાં ગૌરી અને અગ્નિ, ગળાની સંધિમાં યમ કે ધર્મરાજા, મસ્તિકમાં ચંદ્રમા, ઉપરના જડબામાં ઘુલોક અને નીચેના જડબામાં પૃથ્વીદેવી વસે છે. ગાયના દાંતમાં મરૂત દેવતા અને પીઠના હાડકાંમાં રૂદ્ર વસે છે ગાયની પીઠમાં દેવાંગનાઓ અને ખભામાં મિત્ર અને વરૂણ નામના દેવતાઓ વસે છે. ગાયની પૂંછમાં વાયુ દેવતા, પાછલા ભાગમાં ઇન્દ્ર પત્ની અને રૂંવાડામાં પવન દેવ વસે છે. ઘુંટણના હાડકાઓમાં વિધાતા અને સવિતા, પીંડીઓમાં ગંધર્વ અને ખરીમાં દેવમાતા અદિતિ વસે છે. આંતરડામાં સરસ્વતી, પેટમાં યક્ષ અને ગુદામાં દેવગણો વસે છે. ગાયના રૂધિરમાં રાક્ષસો વસે છે અને ગાયની મજ્જામાં મૃત્યુ વસે છે. ગાયના નાસિકાના અસ્થિભાગમાં કાર્તિકેય, બન્ને નકોરામાં કમ્બલ અને અશ્વરતર નામના બે નાગો વસે છે. બન્ને કાનોમાં અશ્વિનીકુમાર, નેત્રોમાં સુર્ય ચંદ્ર, દાંતોમાં આઠેય વસુગણ, કંઠમાં સરસ્વતી, ગંડસ્થળોમાં યમ અને યક્ષ, હોઠમાં બન્ને સંધ્યાઓ, ગ્રીવામાં ઇન્દ્ર અને ચારેય ચરણોમાં ધર્મ વસે છે. ખરીઓની મધ્યમાં ગંધર્વ, અગ્રભાગમાં સર્પ અને પશ્ચિમભાગમાં રાક્ષસગણ પ્રતિષ્ઠિત છે. ગાયના પૃષ્ઠ દેશમાં ૧૧ રૂદ્રો, બધા સાંધાઓમાં વરૂણ, કમરમાં પિતૃઓ, ગોમુત્રમાં સાક્ષાત ગંગા અને ગોબરમાં યમુનાજી તથા લક્ષ્મીજી વસે છે. ગાયના રોમ સમુહોમાં અન્ય સર્વ દેવો વસે છે. ગાયના જઠરમાં ગાર્હપત્ય અગ્નિ, હ્ય્દયમાં દક્ષિણાગ્નિ કંઠમાં સાહવનીયાગ્નિ અને તાલુપ્રદેશમાં સભ્યાગ્નિ સ્થિત છે. પદમ પુરાણ મુજબ ગાયના પગોના અગ્રભાગમાં આકાશચારી દેવતાઓ અને ભાંભરવાના અવાજમાં પ્રજાપતિ અને ગો મુત્રમાં પાર્વતીજી પણ વસે છે. ગાયના શીંગડાને સ્નાન કરાવવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્નાન કરાવ્યા બરાબર છે. ગાયની કમર ખજવાળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. મહાભારત મુજબ ગાયના શ્વાસોમાં છ અંગો પદ અને ક્રમ સહિત વેદોનો વાસ છે.

ગાય બેઠી હોય ત્યારે અગ્નિ રૂપ છે અને ઉઠતી વખતે અશ્વિનીકુમારોનું રૂપ છે. ગાય પૂર્વ બાજુ મોઢું રાખીને ઉભી હોય ત્યારે ઇન્દ્ર છે અને દક્ષિણ બાજુ મોં રાખીને ઉભી હોય ત્યારે યમરાજનું સ્વરૂપ છે. સામે જોતી વખતે ગાય મિત્ર દેવતા છે અને પીઠ ફેરવતી વખતે આનંદરૂપ પરમાત્મા છે.

ગાયનું દાન શાસ્ત્રોમાં અતિપુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. તેની સેવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગાયને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. આથી તેની સેવા કરવાથી દેવતાઓ આપણી પર પ્રસન્ન થાય છે. ગાયને ઘાસ ખવડાવનારાની હંમેશા ઉન્નતિ થાય છે. ગાયમાં ભગવતી સરસ્વતીનો નિવાસ છે. આથી તેની પૂજા કરવાથી કષ્ટો દૂર થાય છે. આયુર્વેદમાં પણ ગાયનાં દૂધ અને ઘીને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાયના દૂધમાંથી બનાવેલું દહીં અમૃત સમાન છે. સવારે ઊઠીને ગાયના ઘીમાં પોતાનું મોં જોવામાં આવે તો દુઃખ – દરિદ્રતાનો નાશ થાય છે. ગાયનાં દર્શન માત્રથી આપણને પુણ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે પણ કોઈ સારા કામે જતાં હોઈએ છીએ ત્યારે ગાયના શુકનને ફળદાયી માનીએ છીએ. શુભકાર્યોમાં ગાયનું હંમેશા પૂજન કરવામાં આવે છે.

No comments:

Post a Comment