રામ નામનો મહિમા અનન્ય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.
આ કળિયુગમાં નામ-સ્મરણનો મહિમા વિશેષ છે. ‘રામનામ’ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે ! શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમનાં નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમનાં નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ કર્યો, રામનામ જીભ પર રાખો તો હ્રદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપૂંજ ઝળહળી ઊઠશે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઇએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું જોઇએ નહિ.
રામ રામેતિ, રામ રામે મનો રામે | સહસ્ત્ર નામ તતુંભ્યમ્ રામનામ વરાનને ||
સ્વયં ભગવાન શિવે મહાભારતમાં રામ નામની ભવ્ય પ્રશંસા કરી છે. મહાભારતમાં શિવ અને પાર્વતીનો વિષ્ણુસહસ્ત્ર નામના સંદર્ભમાં એક સંવાદ મુકવામાં આવ્યો છે. શિવ અહીં સમજ આપતાં કહે છે કે શ્રી ભિષ્મે વિષ્ણુના સહસ્ત્ર (હજાર) નામો ૧૦૭ પદોમાં વર્ણવ્યાં છે. તેથી પાર્વતી શિવને પ્રશ્ન પુછે છે કે આ સહસ્ત્ર નામરૂપી માળાનું કોઇ એક રૂપ અસ્તિત્વમાં છે કે જેનો પ્રભાવ હજાર નામ બરાબર હોય. શિવ જવાબમાં કહે છે કે માત્ર રામના નામનો પ્રભાવ જ વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે.
‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી. રામનામનો મહિમા કરતાં તેઓ કહે છે કે, ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે.
No comments:
Post a Comment