Sunday, April 4, 2010

ચૈત્રી નવરાત્રી

માતા શક્તિનું મહાપર્વ નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો ચૈત્રી નવરાત્રી માર્ચ-એપ્રિલમાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી વિક્રમ સંવતના આરંભમાં મનાવવામાં આવે છે. જ્યારે આસો માસની નવરાત્રી શારદીય નવરાત્રી અથવા દુર્ગાપૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ ચૈત્ર મહિનાના નવરાત્રમાં આઠમના દિવસે શક્તિ સ્વરૃપા માં ભવાનીનું પ્રાગટય થયું હોવાથી ચૈત્ર નવરાત્રનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૃર કરવી જોઈએ.

ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું. ચૈત્ર નવરાત્ર વસન્ત ઋતુમાં આવતી હોવાથી આ નવરાત્રીને ‘‘વાસન્તી નવરાત્ર’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય. તેમજ નવમીએ શ્રી રામચંન્દ્રનો પ્રાગટય થયું હોવાથી આ નવરાત્રને ‘‘રામ નવરાત્ર’’ પણ કહેવામાં આવે છે.

શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી. નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૃપોની આરાધના કરવામાં આવે છે. રૃપ ગમે તે હોય પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. જે જગતજનની છે. પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૃપ લઇને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ મેળવી, સતકાર્ય માટે શક્તિ વાપરીએ તેવી માઁ જગદંબા દૂર્ગાને પ્રાર્થના કરીએ.

આપણે ત્યાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૃ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઇ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન વગેરે કરે છે. કોઇ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઇ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઇને કોઇ રૃપમાં પૂજા તો દેવીની જ થાય છે.

નવ દુર્ગા

પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી
તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય
સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ
નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના

આ દેવીના નવ રૃપ અને તેમના પૂજનથી શું ફળ મળે છે તે જાણીએ, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ જાતના ફળની ઇચ્છા વગર દેવીની ઉપાસના કરવી જોઇએ.

શૈલપુત્રી

આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૃપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાને કારણે તેમને શૈલ પુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશાં ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે.

બ્રહ્મચારિણી

મા દુર્ગાનું બીજું રૃપ બ્રહ્મચારિણી છે. મા દુર્ગાનું આ રૃપ ભક્તો અને સાધકોને અનંત કોટિ ફળ પ્રદાન કરનારું છે. તેમની ઉપાસના કરવાથી, તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે.

ચંદ્રઘંટા

ચંદ્રઘંટા એ મા દુર્ગાનું ત્રીજું સ્વરૃપ છે. તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે તથા આકર્ષણમાં વધારો થાય છે.

કુષ્માંડા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિધિઓને પ્રાપ્ત કરીને સમસ્ત રોગ-શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે.

સ્કંદમાતા

પાંચમા દિવસ સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષનાં દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયિની છે. મા પોતાના ભક્તોની સમસ્ત ઇચ્છાઓની ર્પૂતિ કરે છે, શત્રુઓનું શમન થાય છે.

કાત્યાયની

માતાનું છઠ્ઠુ રૃપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમના પૂજનથી શક્તિનો સંચાર થાય છે તથા દુશ્મનોનો સંહાર કરવામાં સક્ષમ બનાવે છે.

કાલરાત્રી

નવરાત્રીનો છઠ્ઠો દિવસે માતા કાલરાત્રિની આરાધના કરવાનું વિધાન છે. તેમની પૂજા-અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે તથા દુશ્મનોનો નાશ થાય છે. તેજમાં વૃદ્ધિ થાય છે.

મહાગૌરી

દેવીનું આઠમું રૃપ મા ગૌરીનું છે. આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા સમસ્ત સંસાર કરે છે. પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.

સિદ્ધિદાત્રી

મા સિદ્ધિદાત્રીની આરાધના નવરાત્રીના નવમા દિવસે કરવામાં આવે છે. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવ નિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઇ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શક્તુ નથી, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ, તપ, પૂજા-અર્ચના કરીને માની કૃપા મેળવી શકાય છે.

    * નવરાત્રીમાં નીચે પ્રમાણેની પૂજા કે અનુષ્ઠાન કરી શકાય છે. ૐ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ|
   
    * ૐ દું દુર્ગાયૈ નમ:|
 
    * વિધ્યાવન્તમ્ યશસ્વન્તમ્ લક્ષ્મીવન્તમ્ જનમકુરુ|
      રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગવતી દેહી મે||
 
    * દુર્ગા સપ્તશતી પાઠ
 
    * ચંડીપાઠ
 
    * શ્રી સૂક્ત
 
    * કુળદેવીની પૂજા
 
    * કુમારિકાઓની પૂજા
 
    * અખંડ દીપ

No comments:

Post a Comment