સર્વ દેવતાઓ ઋષિઓ કે મનુષ્ય કોઈ કાર્યનો આરંભ કરે તેમાં વિધ્ન ન આવતું કામમાં સિઘ્ધિ મળતી કાર્ય સંપૂર્ણ થતું. સમય જતાં તેમાં વિધ્ન જણાવા લાગ્યાં. પૂણ્યનાં યજ્ઞનાં કે કોઈ માંગલિક કાર્ય હોય તેમાં કોઈને કોઈ વિધ્ન તો પડે. વિધ્નનો સામનો કરવામાં હતાશા છેડો ન છોડે.
આથી દેવતા, મનુષ્ય, પિતૃઓ સર્વનાં મનમાં ચિંતા થવા લાગી. કલયુગનું રાજ ન હોય, સત્યયુગમાં પણ સારા કામમાં વિધ્નો કેમ આવે છે? તે પરસ્પર સવાલ થવા લાગ્યા. ઘણો સમય ગયો પણ તેનો જવાબ મળ્યો નહિ. સર્વને પોતાનાં આયોજનમાં કંઈક ખામી હશે તેવું જણાવા લાગ્યું. સર્વએ સાથે મળી શિવજીને વાત પૂછવા નિર્ણય લીધો.
સર્વ દેવતાઓ કૈલાસ પર્વત ઉપર શિવજી જ્યાં તપ કરે છે ત્યાં આવ્યાં. પ્રણામ કરી વિનય પુર્વક પ્રાર્થના કરી.
હે મહાદેવ, અસુરો કંઈ ખરાબ કામ કરતા હોય તેમાં આપ કંઈ વિધ્ન નાખી કામ થાવા ન દૈયો તે તો સમજાય તેવી વાત પણ અમારા શુભ કાર્યોમાં વિધ્ન પડે તે ઠીક નથી. અમો યજ્ઞ અથવા માંગલિક કાર્યો જ્યારે જ્યારે કરીએ ત્યારે વિધ્ન પડે છે. મનુષ્ય દાન, પૂણ્ય વ્રત વગેરે કરે હરિ સ્મરણ કરે છાતાં વિધ્ન પડે છે તો વિધ્ન ન પડે તેવો ઉપાય કહો.
શિવજી પ્રાર્થનાથી ખુશ થયાં. પાર્વતી સામે ખુશ વદને ત્રાસી દ્રષ્ટિથી જોવા લાગ્યાં. દેવતાઓ મનોમન વિચાર કરવા લાગ્યાં.
તે સમયે શિવજી રૂદ્ર રૂપ બની કહેવા લાગ્યા. અને આકાશનું સ્વરૂપ કેમ દેખાતું નથી? પૃથ્વી, જળ, તેજ, વાયુની મૂર્તિ આંખોમાં દેખાય છે. આકાશની મૂર્તિ કેમ દેખાતી નથી?
જ્ઞાન શક્તિના ભંડાર સમા પરમ પુરૂષ ભગવાન રુદ્ર આટલો વિચાર કરી હંસવા લાગ્યાં. હંસવુ એવું મનમોહક ને મઘુર હતું કે મુખમાંથી પુષ્પો વેરાઈ રહ્યાં હતાં. ત્યાં તો રૂદ્રના મુખમાંથી તેજસ્વી એક બાળક સરી પડ્યું. મુખમાંથી પ્રકટ થયેલ બાળકનું મુખારવિંદ પ્રચંડ તેજથી પ્રકાશી રહ્યું હતું. તેનાં પ્રકાશથી દિશાઓ પ્રકાશી રહી હતી. શિવજીના સર્વ ગુણો તે બાળકમાં દેખાતા હતાં. તુરંત કુમાર અવસ્થામાં આવી જતા તેની અદ્ભૂત ક્રાન્તિથી તેની સ્મિત વર્ષાવતી દ્રષ્ટિથી અને તેજસ્વી રૂપનાં કારણે દેવતાઓનું મન મોહિત થઈ ગયું. રૂપ આકર્ષક હતું. ઉમાદેવી, બાળકનાં તેજનાં પ્રભાવે તેના સામે ન જોય શક્યાં. નીચી નજર કરી ગયાં. બાળકને ટગર ટગર આંખોથી જોતા રૂદ્રના મનમાં ક્રોધ આવ્યો. બાળકની આવી વક્ર દ્રષ્ટિ રૂદ્રને યોગ્ય ન લાગી. વક્રમુખના વર્તનથી ક્રોધ આવ્યો શાપ આપતા બોલ્યાં.
બાળક, તમે હાથીની સુંઢની જેમ નાક વક્ર કરી ગયાં તેથી તારું મુખ હાથીના મુખ જેવું થાશે. ‘‘પેટ બહુ જ મોટું થાશે સર્પ તમારું યજ્ઞોપવિત થઈને રહેશે. પૂજ્ય, સાથે અયોગ્ય વર્તનની આ સજા છે.’’
બાળકને આટલો મોટો શાપ આપ્યો છતાં રૂદ્રનો ક્રોધ શાંત થયો નહિ. ક્રોધનાં કારણે શરીર કંપવા લાગ્યું. તે આસન ઉપરથી ઊભા થઈ ગયાં. ત્રિશુળધારી રૂદ્રનું શરીર કંપતુ હતું તેમ તેમ તેની છાતીમાંથી રોમ રોમમાંથી તેજોમય જળ નીકળી બહાર પડવા લાગ્યું. તેમાંથી અનેક વિનાયકો ઉત્પન્ન થવા લાગ્યાં. તે સર્વ વિનાયકોનાં મુખ હાથીનાં મુખ જેવા હતાં. તેના શરીરની ચામડી કાળા ખેરનાં વૃક્ષ જેવી હતી. સર્વના હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતાં. આવા ઘણા વિનાયકો જોય દેવતાઓની ચિંતા વધી ગઈ. પૃથ્વીમાં ચારે તરફ ક્ષોભ ઉત્પન્ન થયો. આ જોવા ચતુરમુખ બ્રહ્માજી હંસ ઉપર સ્વાર થઈ આકાશમાં આવ્યાં. સામે ઉભા રહી કહેવા લાગ્યાં.
દેવતાઓ તમે ધન્ય છો તમે ત્રિનેત્રધારી અદ્ભૂત, રૂપધારી રૂદ્રનાં કૃપા પાત્ર છો. તેથી તમારે બધાએ હવેથી આ અસુરોના કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર શ્રીગણેશજીને પ્રણામ કરવાનાં તેને પ્રણામ કરવાથી તમારા દરેક વિધ્નનો દૂર થાશે. દેવતાઓ તો શું? મનુષ્યોએ પણ હાથીની સુંઢ જેવા મસ્તકવાળા આ બાળકનું સમરણ પૂજા કરશે તો તેની ઉપર કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહીં. રૂદ્રનાં મુખમાંથી આ બાળક પ્રકટ થયું તેથી બાળકનું નામ ‘શ્રીગણેશ’ રાખું છું, કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર અને વિધ્નનો નાશ કરનાર એટલે ‘વિનાયક’ કહેવાશે. તેથી તેને વિનાયકોનાં સ્વામી બનાવો.
બ્રહ્માજી કહે પ્રભુ, મારી એ પણ પ્રાર્થના છે. આપનાં વરદાનનાં પ્રભાવથી. આકાશ અનેક પ્રકારથી વ્યવસ્થિત થઈ શકે છે.
બ્રહ્માજી કહે રૂદ્રદેવ, આપનાં હાથમા અનેક પ્રકારનાં સમુચિત અસ્ત્ર-શસ્ત્ર છે. આપ શ્રીગણેશને વરદાન અને અસ્ત્ર-શસ્ત્ર આપો. આ મારી પ્રાર્થના છે, તેમ કહી બ્રહ્માજી ત્યાંથી ચાલ્યાં ગયાં. રૂદ્રએ સુપુત્ર શ્રીગણેશને કહ્યું પુત્ર! તું યુગાંતરમાં ક્યારેક વિનાયક કોઈ યુગમાં વિધ્નહર તો ગજાનન તો કોઈ યુગમાં ભવપુત્ર. આ નામોથી જગતમાં પ્રસિઘ્ધ થાય. વિનાયક ક્રૂર દ્રષ્ટિવાળાં હોવા છતાં ઉગ્ર સ્વભાવના હોવા છતાં દેવતાઓના સુખનાં કાર્યો કરશે. શ્રીગણેશજી નામથી ભજવાથી વિધ્નો દૂર કરશે. યજ્ઞ, દાન, વગેરે શુભ કાર્યો કરી શક્તિ બનશો. તમારા દરેક કાર્યમાં સિઘ્ધિ આપશે. જો મનુષ્યો પણ પ્રથમ પૂજન દરેક કાર્યમાં ગણેશજીનું કરશે તો તેનાં સર્વ વિધ્નો દૂર થાશે.
રૂદ્રએ, પ્રથમ પૂજનનો ગણેશજીને અધિકાર આપતા ગણેશજીને કહ્યું દેવતા તથા મનુષ્ય જે કોઈ શુભ કાર્યો જેવા કે યજ્ઞ, દાન, તપ, માંગલિક કાર્ય કરે તેમાં પ્રથમ તમારું પૂજન કરે તો તે કાર્યમાં કોઈ વિધ્ન ન આવે તે સંપૂર્ણ જવાબદારી તમારી છે. તેનો અધિકાર તમોને પ્રાપ્ત છે. અને જે પ્રથમ તમારું પૂજન ન કરે તેનાં કાર્યમાં વિધ્ન નાંખવાનો તમને જ અધિકાર છે.
ત્યાર પછી રૂદ્ર તથા સઘળા દેવતાઓએ સાથે મળી સર્વ તીર્થોનાં જુદાં જુદાં જળથી સુવર્ણ કળશ ભરી તે જળ દ્વારા શ્રીગણેશજીને અભિષેક કર્યો. તીર્થોનાં જળથી અભિષેક થવાથી વિનાયકોનાં સ્વામી શ્રીગણેશજીની અદ્ભૂત શોભા વધી ગઈ. અભિષેક જોઈને સઘળા દેવતાઓ શંકરની સામેજ ગણેશની સ્તુતિ કરવા લાગ્યાં. સંસ્કૃતમાં કરેલ સ્તુતિનો અર્થ છે.
હે ગજાનન, આપને નમસ્કાર છે ચંડવિક્રમ આપને નમસ્કાર છે. આપ વિધ્નોનો નાશ કરો છો આપને પ્રણામ છે. સર્પનાં યજ્ઞોપવિતથી શોભતા ભગવાન, આપને અભિવાદંન છે. આપ રૂદ્રનાં મુખમાંથી ઉત્પન્ન થયાં છો, આપને નમસ્કાર છે. લાંબા ઉદરથી સુશોભિત છો આપને નમસ્કાર છે. અમે સર્વ દેવ અભિવાદન કરીએ આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમારા સર્વદા વિધ્નો શાંત કરો આપને નમસ્કાર છે.
દેવતાઓએ આ રીતે શ્રીગણેશજીની સ્તુતિ કરી રૂદ્રએ મહાપુરૂષ શ્રીગણેશજીનો અભિષેક કર્યો, ત્યાંર પછી સહુ ગણેશજીને મહાસતિ પાર્વતીનાં પુત્ર કહેવા લાગ્યાં. ગણોનાં અઘ્યક્ષ એવા શ્રીગણેશજીનો જન્મ અને અભિષેકની સર્વ ક્રીયા ચોથનાં દિવસે પુરી થઈ તેથી ચોથની તિથિ સર્વ તિથિમાં પરમ શ્રેષ્ઠ તિથિનાં રૂપમાં માન્યતા પામી. જે અક્ષય તિથિ સાથે હતી તેથી ઘણા લોકો વૈશાખ માસની ચોથને ‘ગણેશ ચોથ’ કહે છે.
ગણેશ ચોથનો મહિમાં કહેતા લખ્યું છે જે કોઈ ભાગ્યશાળી મનુષ્ય ચોથનાં દિવસે તલનો આહાર કરે, પ્રેમ ભક્તિથી શ્રીગણેશજીની આરાધના કરશે તેવા ભક્તો ઉપર ગણેશજી તુરંત પ્રસન્ન થાય છે. વિધ્નો રૂપી પરીબળો તથા તેને નાખનાર પરીબળોનો નાશ થાય છે. ગણેશજીનું અગ્રપૂજન કરવું. વિધ્ન નહિ જાય તે સંશય કરવો નહિ.
ઋષિઓ ખાત્રી આપતા કહે છે, શ્રીગણેશજીની આ કથા શ્રવણ કરે અથવા વાંચન કરે તેને કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહી. આવા મહાન શક્તિશાળી શ્રીગણેશનો મહિમાં અદ્ભૂત છે.
No comments:
Post a Comment