Monday, April 5, 2010

મહાશિવરાત્રિ વ્રતનું મહત્વ

નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે - (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) - વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા વગેરે સોળ તિથિઓના અગ્નિ વગેરે દેવતા સ્વામી હોય છે તેથી જે તિથિના જે દેવતા સ્વામી હોય છે, તે દેવતાનું એ તિથિમાં વ્રત અને પૂજન કરવાથી તે દેવતાની વિશેષ કૃપા ઉપાસકને પ્રાપ્ત થાય છે. ચૌદશની તિથિના સ્વામી શિવ છે અથવા શિવની તિથિ ચૌદશ છે તેથી આ તિથિની રાત્રિએ વ્રત કરવાના કારણે આ વ્રતનું નામ 'શિવરાત્રિ' હોવું એ એટલું જ ઉચિત છે. એટલા માટે દરેક માસની વદ પક્ષની ચૌદશે શિવરાત્રિનું વ્રત થાય છે. જેને માસશિવરાત્રિ વ્રત કહે છે. શિવભક્ત તો દરેક વદ ચૌદશની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદશની અર્ધરાત્રિમાં 'શિવલિંગતયોદ્ભૂતઃ કોટિસૂર્ય સમપ્રભઃ ' - ઈશાન સંહિતાના આ વચન અનુસાર જ્યોર્તિલિંગનો પ્રાદુર્ભાવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને પુરુષ તેમજ  આબાલવૃદ્ધ વગેરે સઘળા કરી શકે છે. જે રીતે શ્રીરામ, શ્રીકૃષ્ણ, વામન અને નૃસિંહજયંતી તથા દરેક એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ, એવી જ રીતે મહાશિવરાત્રિનું વ્રત પણ દરેકે કરવું જોઈએ. તે ન કરવાથી દોષ લાગે છે.

વ્રતનું મહત્ત્વ : 
       
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓ એ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે.

રાત્રિ જ શા માટે ?

અન્ય દેવતાઓનું પૂજન, વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને રાત્રિ જ શાને પ્રિય થઈ અને તે પણ મહા વદ પક્ષની ચૌદશ જ શાને ? આ બાબતે વિદ્વાનોએ બતાવ્યું છે કે 'ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ એ સંહારકાળની પ્રતિનિધિ છે, તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર, જીવોના દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિદ્રા દ્વારા ચેતનતાનો સંહાર થઈ સંપૂર્ણ વિશ્વ સંહારિણી રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે. આવી દશામાં પ્રાકૃતિક દૃષ્ટિએ શિવનું રાત્રિપ્રિય હોવું એ એક સાહજિક બાબત છે. આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય) ના સમયમાં જ કરવામાં આવે છે.'

સુદ પક્ષમાં ચંદ્ર પૂર્ણ (સબળ) હોય છે અને વદ પક્ષમાં તે ક્ષીણ હોય છે. તેની વૃદ્ધિની સાથોસાથ સંસારનાં સંપૂર્ણ રસવાન પદાર્થોમાં વૃદ્ધિ અને ક્ષયની સાથોસાથ તેમાં ક્ષીણતા હોવી તે એક સ્વાભાવિક અને પ્રત્યક્ષ છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં તે ચંદ્ર અમાસે બિલકુલ ક્ષીણ થઈ જાય છે. મરામર જગતના યાવન્માત્ર મનના અધિષ્ઠાતા તે ચંદ્ર ક્ષીણ થઈ જવાથી તેનો પ્રભાવ અંડ - પિંડવાદ અનુસાર સંપૂર્ણ ભૂમંડળનાં પ્રાણીઓ પર પણ પડે છે અને  જીવોના અંતઃકરણમાં તામસી શક્તિઓ પ્રબુદ્ધ થઈ અનેક પ્રકારનાં નૈતિક અને સામાજિક અપરાધોનાં કારણ બની જાય છે. આ શક્તિઓનું અમર નામ આધ્યાત્મિક ભાષામાં ભૂત પ્રેતાદિ છે અને શિવને તેમના નિયામક (નિયંત્રક) માનવામાં આવ્યા છે. દિવસમાં જોકે જગદાત્મા સૂર્યની સ્થિતિથી આત્મતત્ત્વની જાગરુકતાના કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ તેના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના ઉપશમનાર્થે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન આશુતોષની આરાધના કરવાનું એક વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદશની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું એક રહસ્ય છુપાયેલું રહેલું છે.

મહા વદ ચૌદશનું રહસ્ય :

જ્યાં સુધી દરેક માસની વદ પક્ષની ચૌદશને શિવરાત્રી કહેવડાવવાની વાત છે તે સઘળી શિવરાત્રિ જ કહેવાય છે અને પંચાગોમાં પણ એ જ નામથી લખવામાં આવે છે, પરંતુ મહા વદ પક્ષની શિવરાત્રિ એ મહાશિવરાત્રિના નામથી ઓળખાય છે. જે રીતે અમાસના ખરાબ પ્રભાવથી બચવાને માટે બરાબર એક દિવસ પહેલાં ચૌદશના દિવસે આ ઉપાસના કરવામાં આવે છે. એ જ રીતે ક્ષય થતો વર્ષનો અંતિમ માસ ચૈત્રથી બરાબર બે માસ પહેલાં મહા માસમાં જ તેનું વિધાન શાસ્ત્રોમાં મળે છે. અલબત્ત આ એક યુક્તિસંગત જ છે. તે સાથે જ રુદ્રોની એકાદશ સંખ્યાત્મક હોવાના કારણે પણ પર્વનો માસ (મહા)માં સંપન્ન થવો તે આ વ્રતોત્સવના રહસ્ય પર પ્રકાશ પાડે છે.

ઉપવાસ અને રાત્રિ જાગરણ શાને ?

ઋષિ-મર્હિષઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યું છે. ગીતા (૨/૫૯)ની આ ઉક્તિ 'વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ' અનુસાર ઉપવાસ એ વિષયની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતા (ર) ૬૯)નું આ કથન ખૂબ જ જાણીતું છે. 'યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી ' આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઈન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ઉપરાંત કયું અન્ય સાધન યોગ્ય હોઈ શકે છે ? રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે ? આ સઘળાં કારણોને લક્ષમાં લઈ આ મહા વ્રતમાં વ્રતીજન ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરી શિવની પૂજા કરે છે.

પૂજાવિધિ :

શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે. રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે.

મહાશિવરાત્રિ પર્વનો સંદેશ : 

ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ - સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે,

ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે, તેથી માનવમાત્રએ ઉપર દર્શાવેલ શિક્ષણને સ્વીકારી આ મહાન મહાશિવરાત્રિ - મહોત્સવની ઉજવણી બરાબર રીતે કરવી જોઈએ.

No comments:

Post a Comment