Monday, April 5, 2010

શિવાલયમાં ગણેશજી અને હનુમાનજી બિરાજે છે.

      ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થાયો અને હાથેનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.

 આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.

     પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં?  કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે.તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.
 
ગણેશજીનું આધ્યાત્મિક રૂપ

                     શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ – જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.

     પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.

    ગણેશ [બુદ્ધિ]નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?

    મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,

આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે.  “વાદે વાદે જાયતે તત્વબોધઃ”

નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.

 હનુમાનજી

શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?

હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સોચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.

                                     
  ૐ નમઃ શિવાય
 ૐ નમઃ શિવાય 
 ૐ નમઃ શિવાય 

No comments:

Post a Comment