Monday, April 5, 2010

શ્રી ગણેશ કથા શિવમહાપુરાણ

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક  સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના  નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું  હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા  નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય  તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક  છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં  કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને  તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક  લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ  તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ  ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે  ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે  પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ  એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ  ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

No comments:

Post a Comment