Monday, April 5, 2010

શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય

" મનની એકાગ્રતા પામવા પ્રભુનું મૂર્તિ સ્વરૂપ આવશ્યક છે."

          શાલિગ્રામ અને લિંગ આ બન્ને વિષ્ણુ અને શિવજીનાં પ્રતિક છે. શિલ્પકલાનો વિકાસ થતાં કરચરણાદિ આકારવાળા માનવીય પ્રતીકો વિકસ્યાં હોય. જે હોય તે આપણે ભગવાન શિવજીના દૈહિક સ્વરૂપનો વિચાર કરવાનો.

          વિશાળ જટાઓ, જટામાં ગંગાજી, માથા પર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની જેમ અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ, ભસ્માંગદાગ, વાઘાંબર, ત્રીજું નેત્ર, ડમરું, ત્રિશૂળધારી: આવું ભવ્ય સ્વરોપ શિવજીનું સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે.

         શ્રીકૃષ્ણ જેમ ‘પ્રેમ’ ગુણોનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે દેવાધિ દેવ મહાદેવની જ હોઈ શકે.

             આપણે ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા શિવજી છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ {મહાદેવનું એક નામ છે] વ્યાકરણ, સંગીત, મૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાં શાસ્ત્રોના આદિ ગુરુ મહાદેવ છે. કારણ તેઓ જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક મનાયા છે.

ગંગાજી:-

      કહેવાય છે કે રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગ પરથી ભૂસકો મારી આવવા તૈયાર થઈ ગયાં. પણ સ્વર્ગમાંથી ભૂસકો મારવાથી તે રસતાળમાં [પાતાળમાં] પહોંચી જશે એટલે તેનો વેગ સહન કરી શકે તેવી વ્યક્તિ લાવવા ભગીરથને કહ્યું. ભગીરથે વિષ્ણુ ભગવાનનો આશરો લીધો પણ તેમણે કહ્યું કે આ કામ મારું નથી તેથી મહાદેવ પાસે જા એ મદદ કરશે. ભગીરથ મહાદેવ પાસે આવ્યા. તેમની વિનંતી શિવજીએ તરત સ્વીકારી લીધી, તેઓ હિમાલય પર જી ઊભા રહીને ગંગાજીને આહવાન આપ્યું. ગંગાજીને અભિમાન આવી ગયું કે મારા વગને કોઈ સહન નહી કરી શકે. તેમણે શિવજીની જટા પર ભૂસકો માર્યો. શિવજી તો તણાયા તો નહી પણ ગંગાજી તેમની વિશાળ જટાઓમાં વર્ષો સુધી અટવાતાં રહ્યાં. ગંગાજીનો અહંકાર ઓગળ્યો અને સામાન્ય દેખાતી વ્યક્તિ મહાશક્તિશાળી છે તેથી ગંગાજી શિવજીના શરણે આવ્યા અને બહાર નીકળવાનો રસ્તો માંગ્યો અને ભગીરથનાં પૂર્વજોનો ઉદ્ધાર કર્વા માર્ગ માંગ્યો. આથી શિવજી તેમની જટાની એક લટ ઢીલી કરી અને ગંગાજી ગૌમુખ દ્વારા બહાર આવી ગંગાસાગર થઈ સાગરમાં મળી ગયા. કથાનો સાર એ છે કે વૈરાગ્યના ટેકા વિના જ્ઞાનનો ટકી શકતું નથી. બીજી રીતે કહેવાય કે એકનો હેતુ ઉદરભરણ અને બીજાનો હેતુ આત્મકલ્યાન છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે. તેનો આધાર વૈરાગ્યથી ભરપૂર જટાઓ છે.

ચંદ્રશેખર :-

   શિવજીના મસ્તક પર બીજનો ચન્દ્ર શોભિત છે જે ચન્દ્રશેખર તરીકે ઓળખાય છે. દ્વિતીયાનો ચન્દ્ર હંમેશા ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે તે વધતો હોય છે. બીજું તે પ્રુરુષાર્થનું પ્રતિક છે. ચન્દ્રદર્શન બાદ હંમેશા પોતાની હથેળીઓ જોવાથી તેમાં રહેલી ચન્દ્રાકાર રેખાઓ હમેશા પ્રગતિનો માર્ગ દેખાડશે. બીજનો ચન્દ્ર ભલે નાનો દેખાતો હોય પન તેમાં પૂર્ણિમાના ચન્દ્રની સોળે કળા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

     શિવજીના મસ્તક પર જટારૂપી અપાર જ્ઞાનગંગા ભરી પડી છે જે ચન્દ્રની માફક વર્ધમાન છે, શીતળ પ્રકાશમાન છે. તેના પ્રતિક રૂપે ચન્દ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. વ્યક્તિ પોતાનો પુરૂષાર્થ તેમજ પ્રકાશ એટલે આદર્શ, ઉત્તમ આચારવિચારવાળું જીવન, ન છોડે તો તે જરૂર પૂર્ણિમાનો ચન્દ્ર બનશે.

ત્રિનેત્ર:-

      શિવજીની જેમ આપણને પણ ત્રણ નેત્ર છે, જે આપણે ખોલવા અસમર્થ છીએ. પણ આ તો દેવોના દેવ મહાદેવ છે જેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું તેથી તો તેઓ ‘સ્મરહર. કામારિ’ વગેરે નામોથી ઓળખાય છે. કામદેવની હરકતોથી કંટાળી મહાદેવે ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો. કામમાં બાળનારો કામદેવ ખૂદ બળીને ભસ્મ થયો. જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં ‘આજ્ઞાચક્ર’ને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામક્લેશથી પર થઈ જાય છે અને તેનું જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. આ બતાવવા શિવજીનાં કપાળ પર ત્રીજુ નેત્ર બતાવવામાં આવ્યું છે.

સર્પ:-

     સર્પ સાક્ષાત કાળનું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ. મૃત્યુનું મુખ્ય સ્થાન ગળું છે. તેથી જ તો મહાદેવે મૃત્યુને પોતાનું આભુષણ બનાવ્યું છે. મૃત્યુની બેપરવાહી અથવાતો મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતુ. શિવજી એટલે તો મૃત્યુંજય કહેવાય છે જેમની નજીક મૃત્યુ આવતું નથી. તેથી સર્પ તેમનું ગળાનું આભૂષણ છે.

નીલકંઠ:-

શિવજીનો કંઠ નીલા રંગનો છે એટલે તેઓ નીલકંઠ કહેવાય છે.

      અનાદિકાળથી ચાલતા આવતા દેવ દાનવો વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે. બન્ને તરફની અનુમતિથી સમુદ્રમંથન કરવામાં આવ્યું અને પ્રથમ હળાહળ ઝ્રેર નીકળ્યું. વિષ્ણુના ઈનકારથી દેવ દાનવો દેવાધિદેવ મહાદેવ પાસે ગયા અને હળાહળ ઝેર સ્વીકારવાની વિનંતી કરી. મહાદેવ સમજી ગયા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા ખાતર હસતા હસતા આ હળાહળ ઝેર નિર્લેપભાવે ગટગટાવી ગયા. ત્યારથી શિવજી ‘મહાદેવ’ કહેવાયા. મહાદેવે ઝેર તો પીધું પણ એમણે પેટમાં ન ઉતારતા કંઠમાં રાખ્યુ. તેની પાછળ પણ અકારણ છે કે જો ઝેરને થૂંકી કાઢત તો ઝેર વધુ ફેલાત અને જો પેટમાં ઉતારત તો તેમની નસેનસમાં ઉતરી જતે અને મોતને નોતરત પણ એમ ન કરતાં તેમણે એ ઝેર કંઠે જ રહેવા દીધું. આમ તેઓ ‘નીલકંઠ મહાદેવ’ કહેવાયા.

No comments:

Post a Comment