Tuesday, October 5, 2010

માતા-પિતાની છત્ર છાયા


હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી…
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો.

માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો.

હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો.

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો.

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.

No comments:

Post a Comment