માતાની મહાનતા
કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે, ચિત્રકાર કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે, પણ ઈશ્વર? ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી. એ માનવને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો. અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે. પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
- બરકત વિરાણી
માની સેવામાં ડૂબી જજો! –
મારું માનો તો બધું કોરે મેલીને માની સેવામાં જ ડૂબી જજો. બીજી બધી સેવા ઈન્દ્રજાળ કે અફીણગોળી (dope) છે એમ ગણજો. પેગમ્બરે કહ્યું કે તારું સ્વર્ગ તારી માના પગની પાની હેઠળ છુપાયું છે અને આપણા લોકોએ કહ્યું કે મા-બાપની સેવા એ અડસથ તીરથની જાત્રા છે એ અમસ્તું નથી કહ્યું એ તમને જિંદગીને પાછલે પહોરે સમજાશે. પણ તે દિવસે એ સમજણ અલેખે ઠરશે. કારણ તક નહીં રહી હોય. શંકરાચાર્ય જેવા જ્ઞાની અને સંન્યાસીએ સંન્યાસધર્મને નેવે મૂકી માની સેવા કરી તેથી નાતીલાઓએ નિંદા કરી. શંકરાચાર્યે તેમને સંભળાવ્યું કે ‘તમે જખ મારો છો, હું ધર્મ વધારે સમજું કે તમે?’
- સ્વામી આનંદ
મારી મા !
એકવાર એક મિત્રે મને સરસ પ્રસંગ કહ્યો હતો. એમના કુટુંબમાં મા તરફ સૌને લાગણી. પણ બધા ભાઈઓ વ્યવસાયમાં પડી ગયેલા. કોઈને મા પાસે જવાનો સમય ન મળે. એકવાર એક ભાઈને તુક્કો સૂઝ્યો. તેણે માનો જન્મદિવસ ક્યારે આવે છે તે શોધવા કોશિષ કરી. માને તો યાદ હતો જ નહિ. બીજા કોઈ ને પણ ખબર નહિ. પણ તેણે એક યુક્તિ કરી. એક જૂની નોટબુક શોધી કાઢી. તેમાં કંઈક જૂના હિસાબો લખ્યા. અને એક પાના પર લખ્યું – ‘ચિ. કાશીનો જન્મ ચૈત્ર વદ… વગેરે વગેરે’ અને પછી સૌને લખ્યું – ‘મેં આપણા કુટુંબના જૂના કાગળોમાં સંશોધન કરી માનો જન્મદિન શોધી કાઢ્યો છે. આ વખતે આપણે સૌ એ દિવસ ઉજવીએ.’
માના ત્રણ દીકરા ને બે દીકરીઓ, ત્રણ પુત્રવધૂઓ અને બે જમાઈઓ તથા સંખ્યાબંધ પૌત્રો એકઠા થયા. બધા એક પછી એક માને પગે લાગ્યા. એક દીકરાએ પોતાનું ડૉક્ટરી સર્ટિફિકેટ માના ચરણમાં મૂકીને કહ્યું – “મા, તે મારી સંભાળ લીધી તો હું આટલો મોટો થયો!”. એ દીકરાની વહુએ પણ કહ્યું – ‘મા, તમે ન હોત તો આવો સરસ વર મને ક્યાંથી મળત? એક દીકરીએ કહ્યું – ‘મા, મને સાસરિયામાં કોઈ આંગળી ચીંધી શક્યું નથી. એ તારી કેળવણીને કારણે જ બન્યું છે.’ એક દીકરાએ કહ્યું – ‘હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી કશો જ ઉમેરો કરી શકી નથી!’ મા બધાની વાત સાંભળી રહી. બધાએ માને હાર પહેરાવ્યા. જાતજાતની ભેટ સોગાદો આપી. ‘હૅપી બર્થડે ટુ યૂ’ નું ગીત ગાઈ માને હાથે કેક કપાવી. તાળીઓ પાડી. છેલ્લે કોઈએ કહ્યું – ‘હવે મા કૈંક બોલે !’
માના ગળે ડૂમો બાઝી ગયો હતો. તેણે કહ્યું – ‘દીકરાઓ, મને તો મે આ બધું કર્યું એની ખબર જ નથી. દેવે દીધેલા છોકરા-છોકરીઓને હસતાં-રમતાં મોટાં કર્યા એ ખરું, પણ એ તો દરેક મા કરે છે !’
જે છોકરાને માનો જન્મદિન ઉજવવાનો વિચાર આવ્યો હતો, તેણે કહ્યું – ‘પણ મા, એ જ માને એના ઘડપણમાં હસતાં-રમતાં હથેળીમાં રાખીએ તે અમારે સૌએ કરવાનું કામ છે અને અમારામાંથી કેટલા કરે છે?’
બધાં જ સંતાનોની આંખો એ ક્ષણે ભીની થઈ. આ દિવસને કે આવા કોઈ પણ દિવસને હું માતૃદિન કહું.
માનો ગુણ
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.
No comments:
Post a Comment