Friday, October 1, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ - 6




સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર :

199. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.

200. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા.

201. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ.

202. જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી.

203. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો.)

204. માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં.

205. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યએ પાંચ દેવને આદરપૂર્વક માનવા.

206. ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદભાગવત, શ્રીવિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્દભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રીવાસુદેવમાહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ – એ આઠ સતશાસ્ત્ર અમને ઇષ્ટ (પ્રિય) છે. એ આઠ સતશાસ્ત્ર સાંભળવાં, વિદ્વાનોએ એ સતશાસ્ત્ર ભણવાં, ભણાવવાં તથા કથા કરવી.

207. આચાર,વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું.

208. સતશાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજાં વચન કરતાં મુખ્યપણે માનવાં.

તત્વજ્ઞાન અને એકાંતિક ધર્મ :

209. શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.

210. માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.

211. ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.

212. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન જાણવું.

213. જીવ હ્રદયને વિષે રહ્યો છે, તે અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે, અને પોતાની જ્ઞાનશક્તિ વડે નખથી 
શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભદ્ય, અજર, અમર ઇત્યાદિક જીવનાં લક્ષણ છે.

214. ઈશ્વર(અહીં ઈશ્વર શબ્દ પરબ્રહ્મ પરમાત્માવાચક છે.) સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મફળના આપનારા છે.

215. માયા ત્રિગુણાત્મિકા છે. તે જીવને દેહ તથા દેહના સંબંધીમાં અહં-મમત્વ કરાવે છે.

216. પરબ્રહ્મ, પુરુષોત્તમ એવા ભગવાન તે પરમેશ્વર છે, તે આપણા ઇષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના 
 કારણ છે.

217. જેમ હ્રદયમાં જીવ રહ્યો છે તેમ તે જીવમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે.

218. ભગવાનની ભક્તિ સર્વે મનુષ્યે કરવી; તે ભક્તિ કરતાં વિશેષ બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી.

219. ભક્તિ ને સત્સંગ – એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે.

220. ભગવાનને વિષે ભક્તિ અને સત્સંગ એ જ વિદ્યાદિક ગુણવાળી વ્યક્તિના ગુણવાનપણાનું પરમ ફળ જાણવું.

221. ભગવાન સિવાય, મનુષ્ય તથા દેવાદિક જીવ તો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી.

222. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને, પરબ્રહ્મની ભક્તિ સદા કરવી.

223. વિશિસ્ટાદ્વૈત મત અમને ગમે છે.

224. ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે.

શિક્ષાપત્રી મહિમા

આ શિક્ષાપત્રી -

- સંસારરૂપી કાદવને દૂર કરી નિર્મળ બનાવનાર છે.
- અવિદ્યારૂપી ગાઢ અંધકારને દૂર કરનાર છે.
- અંતરના અજ્ઞાનને દૂર કરનાર અંજનશલાકા છે.
- સંસારથી નિવૃત્ત કરનાર માતા છે.
- સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીર-સાગરમાંથી દોહન કરી મેળવેલું અપૂર્વ અમૃત છે.
- સંસારરૂપી રોગને દૂર કરવામાં મુખ્ય ઔષધરૂપ છે.
- ભગવાનનું બીજું સ્વરૂપ છે.
- સર્વે ફળને આપનારી છે.

No comments:

Post a Comment