36. રામ રાવણનું યુદ્ધ
રાવણે વિરાટ રાક્ષસસેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમના શંખ-મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.
રાક્ષસસેના અને વાનરસેના વચ્ચે સતત તેરતેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસવીરો હણાઈ ગયા. તેથી રાવણ મૂંઝાઈ ગયો.
હવે રામ-લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દિવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાપાછા થઈ ગયા. લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં. પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.
રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.
પછી રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાંમોટાં તેજવલયો નીકળતાં હતાં. રામે એના ટુકડેટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.
રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો. એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.
ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણવર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહીલુહાણ થઈ ગયેલો જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.
37. રાવણનો વધ
રાવણ નવા રથ અને સારથિને લઈને રણભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો.
રામ ઇન્દ્રના રથની પ્રદક્ષિણા કરીને તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો. રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. એમણે વરસાવેલાં બાણો વડે આકાશ ઢંકાઈ ગયું. રાક્ષસો અને વાનરો યુદ્ધ કરવાનું છોડીને આ બે મહારથીઓનું યુદ્ધકૌશલ જોવા લાગ્યા. રાવણ એનાં ધારદાર બાણો વડે રામને ઘાયલ કરવામાં સફળ થયો.
રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.
વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય યાદ આવ્યું. તેણે રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની દ્રવ્ય છુપાયેલું છે. આપ તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."
આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.
લંકામાં રાવણવધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. મંદોદરી રાવણને ઉદ્દેશીને બોલી, "હે નાથ ! મેં સીતાજીને શ્રીરામ પાસે પાછાં મોકલી આપવા અનેક વાર આપને સમજાવ્યા હતાં. પણ આપે મારી વાત માની નહીં. આપ જે માર્ગે ગયા છો ત્યાં મને પણ આપની સાથે લઈ જાઓ."
વિભીષણ પણ તેના ભાઈના પ્રેમને યાદ કરીને વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમક્રિયા કરવાનું સૂચન કર્યું.
વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. રામે પોતાના વચન મુજબ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો.
લાંબા સમયના વિયોગ બાદ રામ અને સીતાનું સુખદ મિલન થયું. પછી રામ, લક્ષ્મણ અને સીતા વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી પડાવી લીધું હતું.
38. રામનો રાજ્યાભિષેક
રામે સીતાને લંકાથી પંચવટી સુધીનાં વિવિધ સ્થળો બતાવ્યાં જ્યાં એ લક્ષ્મણની સાથે સીતાને શોધવા માટે ફર્યા હતા. એમણે એ સ્થળોની સાથે જોડાયેલી યાદગાર ઘટનાઓ તેમજ પોતાના અનુભવોની વાતો કરી.
રામે વિમાનને ભરદ્વાજ મુનિના આશ્રમ પાસે ઉતાર્યું. એમણે નિષાદરાજ ગુહ તથા ભરતને પોતાના આગમનના સમાચાર આપવા માટે હનુમાનને આગળ મોકલી દેધા. હનુમાને પહેલાં ગુહને પછી ભરતને મળીને રામના આગમનના સમાચાર આપ્યાં.
રામના આગમનના સમાચાર સાંભળી ભરતની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એણ હનુમાનનો સત્કાર કરી તેમને રામ, સીતા અને લક્ષ્મણના કુશળક્ષેમની પૂછપરછ કરી. હનુમાને ભરતને બધી ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.
ભરત અને શત્રુઘ્ને નંદિગ્રામમાં રામના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. નંદિગ્રામથી અયોધ્યા સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો.
ધૃષ્ટ, જયંત, વિજય, સિદ્ધાર્થ, અર્થસાધક, અશોક, મંત્રપાલ અને સુમંત્ર - એ આઠ મંત્રીઓ, અનેક અશ્વારોહી મહારથીઓ, શસ્ત્રસજ્જ સૈનિકો, દશરથની ત્રણે રાણીઓ અને અયોધ્યાના નગરજનો રામને આવકારવા નંદિગ્રામ આવી પહોંચ્યાં. ભરતે રામને દંડવત પ્રણામ કર્યા. પછી ભરત અને શત્રુધ્ન લક્ષ્મણ, સીતા, સુગ્રીવ તથા વિભીષણને મળ્યા.
રામે ભરત-શત્રુધ્નને સુગ્રીવ, વિભીષણ, હનુમાન વગેરેનો પરિચય આપી એમણે લંકાના યુદ્ધમાં પોતાને કરેલી મદદનો વિગતવાર ખ્યાલ આપ્યો.
બીજે દિવસે અયોધ્યામાં એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એમાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
હનુમાન, જાંબવાન, સુગ્રીવ, વિભીષણ વગેરે થોડા દિવસ અયોધ્યામાં રોકાઈને પછી રામની વિદાય લઈ પોતપોતાના દેશમાં પાછા ફર્યા.
રામે વર્ષો સુધી અયોધ્યાના રાજ્યનો વહીવટ કર્યો. એમણે અનેક યજ્ઞો કર્યા અને રાજ્યની પ્રજાને ખૂબ સુખી તથા સમૃદ્ધ બનાવી. એમના શાસનમાં દુઃખ, દર્દ કે અભાવનું ક્યાંય નામોનિશાન નહોતું. રામનું રાજ્ય આદર્શ કલ્યાણરાજ્ય હતું. તેથી આજે પણ શ્રેષ્ઠ રાજ્ય-વ્યવસ્થા માટે રામરાજ્યનો આદર્શ રજૂ કરવામાં આવે છે.
બોલો શ્રી રામચંદ્ર કી જય
No comments:
Post a Comment