Friday, June 25, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૬





૨૬. હનુમાન અને સીતાની મુલાકાત


અશોકવનમાં એક અશોકવૃક્ષની ટોચે બેઠેલા હનુમાન સીતાજીની સાથે વાત કરવાની કોઈ તક શોધી રહ્યા હતા. એવામાં રાવણ અશોકવનમાં આવતો દેખાયો. એટલે હનુમાન પાંદડાંની વચ્ચે છુપાઈ ગયા.
રાવણ સીતાની સામે જઈને ઊભો રહ્યો. એને જોઈને સીતાજી ધ્રુજવા લાગ્યાં. રાવણે સીતાને જાતજાતના લોભ-લાલચ અને ભય બતાવી પોતાને તાબે થઈ જવા જણાવ્યું. સીતાએ એનો ર્દઢતાથી ઇન્કાર કર્યો.
સીતાઆવા વર્તનથી રાવણ ઉશ્કેરાઈ ગયો. એણે સીતાને કહ્યું, "હે સુંદરી ! જો તું મારે તાબે નહીં થાય તો હું મારી તલવાર વડે તારા શરીરના ટુકડેટુકડા કરી નાખીશ."
રાવણની એક રાણીએ એને શાંત પાડ્યો. પછી રાવણ એના મહેલ તરફ પાછો ફર્યો. રાક્ષસીઓ સીતાની પાસે આવીને તેને વીંટળાઈ વળી તેમણે સીતાને રાવણની વાત માની લેવા ખૂબ દબાણ કર્યું. સીતાએ એમની વાતો પર બિલકુલ ધ્યાન ન આપ્‍યું.
રાક્ષસીઓ સીતાથી થોડે દૂર બેસીને અંદરોઅંદર વાતચીત કરવા લાગી. એ વખતે સીતા ભયથી ધ્રુજી રહ્યાં હતાં અને મોટે અવાજે રામનું નામ લઈ રહ્યાં હતાં. એમના મુખેથી રામનું નામ સાંભળી હનુમાનને ખાતરી થઈ ગઈ કે એ જ સીતાજી છે.
ત્રિજટા નામની એક રાક્ષસીને સીતા તરફ પ્રેમભાવ હતો. એણે બધી રાક્ષસીઓને ધમકાવીને ચૂપ કરી.
અશોકવૃક્ષ પર પાંદડાંના ઝુંડમાં છુપાઈને બેઠેલા હનુમાને વિચાર્યું કે? ‘જો પોતે એકદમ સીતાની સામે જઈને ઊભા રહેશે તો સીતા તેમને કોઈ માયાવી રાક્ષસ સમજી બેસશે,‘ માટે હનુમાને ખૂબ ધીમા અવાજે રામનો વૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
હનુમાને માત્ર સીતા સાંભળી શકે એવી રીતે અયોધ્યાનો મહિમા, દશરથનો વૈભવ, રામનો જન્મ, રામવિવાહ, કૈકેયીનાં બે વરદાન, રામનો વનવાસ, સીતાહરણ, રામ અને સુગ્રીવની મૈત્રી, વાલિનો વધ અને પછી વાનરોએ આદરેલી સીતાની શોધનું સંક્ષિ‍પ્‍ત વર્ણન કર્યું.
સીતાને ખૂબ લાંબા સમય બાદ પોતીકાં સ્વજનો અને બનાવો વિશે સાંભળવા મળ્યું હતું. તેથી એમના હૈયાને ટાઢક વળી.

હનુમાન અશોકવૃક્ષ પરથી નીચે ઊતર્યા. એમણે સીતાને રામની મુદ્રિકા (વીંટી) બતાવીને રામદૂત તરીકે પોતાનો પરિચય આપ્‍યો. સીતાને તેમની ઉપર બરાબર વિશ્વાસ બેઠો. પછી હનુમાને એમને રામની વ્યથા વિશે કહ્યું અને સીતાના ખબર-અંતર પૂછી લીધા. ત્યાર બાદ એમણે સીતાને ધીરજ આપતાં કહ્યું, "માતાજી ! હું અહીંથી પાછો રામની પાસે જઈ એમને આપના સમાચાર આપીશ. "
સીતાએ એમની સાડીના છેડે બાંધી રાખેલું રત્ન હનુમાનને આપીને કહ્યું : "તમે રામને મારી નિશાની તરીકે આ રત્ન આપજો અને લક્ષ્‍મણને મારાં આશિષ કહેજો. તેમને કહેજો કે હવે તે બંને વિના વિલંબે અહીં આવીને દુષ્‍ટ રાક્ષસના હાથમા;થી મને છોડાવે."
હનુમાને એમને દિલાસો આપ્‍યો અને પછી તેમની વિદાય લીધી.








૨૭. લંકાદહન


સીતાને મળી લીધા પછી હનુમાને દુશ્મનોને પોતાની શક્તિનો પરચો બતાવી એમની શક્તિનું પારખું કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ તેમણે અશોકવનનાં કેટલાંય વૃક્ષો ઉખેડી નાખ્યાં. પછી એ વખતે ત્રિજટા વગેરે રાક્ષસીઓ થાકીને ઊંઘી ગઈ હતી. તોતિંગ વૃક્ષો તૂટી પડવાના અવાજો થતાં એ સફાળી જાગી ઊઠી. એ રાક્ષસીઓએ રાવણને અશોકવનની દુર્દશાના સમાચાર આપી હનુમાનની ફરિયાદ કરી.
એક વાનરે અશોકવનને ઉજ્જડ કરી નાખ્યું છે, એ જાણીને રાવણ ક્રોધે ભરાયો. એણે સેવકોને બોલાવી એ તોફાની વાનરને પકડી લાવવાનો હુકમ કર્યો.
હનુમાને રામ, લક્ષ્‍મણ અને સુગ્રીવનો જયઘોષ કરતાં કરતાં રાવણના સેવકોને હણી નાખ્યા.
ત્યાર પછી રાવણે તેના મંત્રી પ્રહસ્તના પુત્ર જાંબુમાલિને અશોકવનમાં મોકલ્યો. હનુમાને જાંબુમાલિને પણ ઘાયલ કરી નાખ્યો. આ સમાચાર મળતાં રાવણ સમજી ગયો કે આ કોઈ મામૂલી વાનર નથી. એટલે તેણે આ વાનરને સજા કરવા માટે પોતાના પુત્ર અક્ષને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. અક્ષ એક ગદા લઈ હનુમાન સાથે દ્વંદ્વયુદ્ધ કરવા આવ્યો. હનુમાને અક્ષ ઉપર વૃક્ષનો પ્રહાર કરતાં અક્ષ મૃત્યુ પામ્યો.
અક્ષના મૃત્યુથી રાવણ આઘાત અને આશ્ચર્યથી દિડ્મૂઢ થઈ ગયો. હવે તેને આ વાનરનો ભય પણ લાગ્યો હતો.
રાવણનો પુત્ર મેઘનાદ મહાપરાક્રમી હતો. તેણે ઇન્દ્ર્ની સાથે યુદ્ધ કરીને તેની ઉપર વિજય મેળવ્યો હતો. એટલે તેનું નામ 'ઇન્દ્રજિત' પડ્યું હતું. રાવણે ઇન્દ્રજિતને બોલાવી તોફાની વાનરને પકડી લાવવાની સૂચના આપી.
બન્ને વચ્ચે યુદ્ધ થયું છેવટે ઇન્દ્રજિતે કંટાળીને હનુમાન પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. હનુમાને બ્રહ્માસ્ત્રનું માન રાખ્યું. તે બ્રહ્માસ્ત્ર વડે બંધાઈ ગયા.


ઇન્દ્રજિતના સૈનિકોએ હનુમાનને જાડાં દોરડાંઓ વડે બાંધીને રાવણના દરબારમાં રજૂ કર્યો. સુવર્ણના રત્નજડિત સિંહાસન પર સૂર્ય જેવો તેજસ્વી લંકાપતિ રાવણ બેઠેલો હતો. સેનાપતિ પ્રહસ્તે હનુમાનને પૂછ્યું, "તમે ક્યા દેવના દૂત છો ? તમે અહીં કેમ આવ્યા છો ? તમે શા માટે અશોકવનને નુકશાન પહોંચાડ્યું છે ? તમે અમારા માણસોને કેમ મારી નાખ્યા ? "
હનુમાને સેનાપતિ પ્રહસ્તને બદલે સીધો રાવણને જવાબ આપ્યો, "મારું નામ હનુમાન છે. હું કિષ્કિન્ધાના વાનરરાજ સુગ્રીવનો મંત્રી છું. સુગ્રીવ રામના મિત્ર હોવાથી એમણે મને સીતાજીની તપાસ કરવા માટે અહીં મોકલ્યો છે. મારે મહારાજ રાવણના દર્શન કરવાં હતાં. એટલે મેં અશોકવનમાં તોફાન કર્યું હતું. તમારા માણસોએ મારા પર હુમલો કર્યો તેથી મેં મારો બચાવ કરવા પ્રયત્ન કર્યો. એમાં તેઓ મારા હાથે હણાઈ ગયા. તેમાં મારો કશો જ વાંક નથી.
વાનરરાજ સુગ્રીવે કહેવડાવ્યું છે કે તમે સીતાજીને માનભેર રામની પાસે મોકલી આપશો તો શ્રીરામ તમને ક્ષમા આપશે. "
રાવણે ગુસ્સો પ્રગટ કરીને સેનાપતિ પ્રહસ્તને, હનુમાનનો વધ કરી દેવાની સૂચના આપી; પણ રાવણને તેના ભાઈ વિભીષણે દૂતનો વધ નહીં કરવા સમજાવ્યો. એટલે રાવણે પ્રહસ્ત્ને કહ્યું, "આ દુષ્ટ વાનરની પૂંછડીમાં આગ લગાડી અને આખા નગરમાં ફેરવો. આથી એની સાન ઠેકાણે આવશે."


રાવણના સૈનિકોએ હનુમાનની પૂંછડીના છેડે આગ ચાંપી દીધી. પછી તેઓ હનુમાનને બાંધીને નગરના રસ્તાઓ પર ફરવા લઈ ચાલ્યાં. હનુમાનને આ સજાને બહાને લંકાના રસ્તાઓને બરોબર જોઈ લેવાની તક મળી ગઈ. અશોકવનની રાક્ષસીઓએ સીતાને હનુમાનની આ દુર્ગતિના સમાચાર આપ્યા. સીતાને હનુમાનની ચિંતા થવા લાગી. તેથી એમણે અગ્નિદેવને પ્રાર્થના કરી, "હે અગ્નિદેવતા ! જો હું મન-વચન અને કર્મથી પવિત્ર હોઉં તો મારા સ્વામીના દૂત હનુમાનની તમે રક્ષા કરજો."
હનુમાનને લંકાના રસ્તાઓ ઉપર ફરતાં ફરતાં કંટાળો આવ્યો ત્યારે એમણે એમનું કદ સંકોચી લીધું. તેથી એ દોરડાના બંધનમાંથી છૂટી ગયા. ત્યાર પછી તે એક છલાંગ મારીને એક મોટી ઇમારત ઉપર ચઢી ગયા. એમના સળગતા પૂંછડાથી એ ઇમારતમાં આગ લાગી ગઈ. પછી તો હનુમાન લંકાની ઘણી ઇમારતો પર ફરી વળ્યા. એથી લંકામાં ચોતરફ આગ ફાટી નીકળી.


લંકાદહનનું કામ પૂરું કરીને હનુમાને સમુદ્રના પાણીમાં એક ડૂબકી લગાવીને તેમની પૂંછડીની આગ બુઝાવી દીધી. તેમની પૂંછડીને અગ્નિનો સ્પર્શ પણ થયો નહીં એ જોઈ તેમને ભારે આશ્ચર્ય થયું. પછી તેમને સીતાજીની ચિંતા થવા લાગી. હનુમાન સીતાજીને જોવા અશોકવનમાં દોડી આવ્યા. આખી લંકા સળગી રહી હતી પણ અશોકવનને આગનો સ્પર્શ પણ થયો નહોતો. એમણે સીતાને મળી તેમની રજા માંગી.
તેમણે હનુમાનને આશીર્વાદ આપ્યા. હનુમાને એમને ધીરજ રાખવાનું કહી ત્યાંથી વિદાય લીધી.






૨૮. વિજયકૂચનું પ્રથમ પગલું


સીતાની વિદાય લઈ હનુમાન અરિષ્ટ પર્વત પર આવ્યા. એમણે પ્રચંડ સિંહનાદ વડે એમનો આનંદ પ્રગટ કર્યો. એનો અવાજ દસેય દિશાઓમાં ફેલાય ગયો. હનુમાન એક છલાંગ મારીને આકાશમાર્ગે ઊડવા લાગ્યા. દૂરથી મહેન્દ્ર પર્વતનું શિખર નજરે પડતાં હનુમાને હર્ષનાદ કર્યો.
અંગદ, તાર, જાંબવાન, નલ,નીલ વગેરે આતુરતાથી હનુમાનની રાહ જોઈ રહ્યા હતા. એમણે હનુમાનના અવાજને ઓળખી લીધો. એ બધા પર્વતો અને વૃક્ષો પર ચઢીને અવાજની દિશામાં જોવા લાગ્યા.?
થોડી વારમા રામ-લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ પોકારીને હનુમાન મહેન્દ્ર પર્વત ઉપર ઉતર્યા. અંગદ અને જાંબવાન હનુમાનને ભેટી પડ્યા.
હનુમાને એક શિલા ઉપર બેસીને તેમના સાથીઓને પોતાની સમુદ્રયાત્રા અને લંકાની સઘળી વાતો કહી સંભળાવી. અંગદ ખુશીના આ સમાચાર રામ અને સુગ્રીવને પહોંચાડવા ખૂબ આતુર થઈ ગયો. એણે સૌને એકઠા કરીને કિષ્કિન્ધા તરફ કૂચ કરી. તાર અને અંગદે રસ્તામાં હનુમાનને પ્રશ્નો પૂછી પૂછીને એમની લંકાયાત્રાની રજેરજ વિગત મેળવી લીધી. હનુમાને તેમને જણાવ્યું, "રાવણ કોઈ સામાન્ય રાજા નથી. એની સુરક્ષાની વ્યવસ્થા અને વ્યુહરચના અજોડ છે. એના મંત્રીઓ પણ કાબેલ અને પોતાના રાજાને વફાદાર છે. તેથી રાવણને હરાવવા માટે આપણે પુષ્કળ બળ અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે."
તાર અને અંગદના નેતૃત્વમાં વાનરસેના પ્રસ્રવણ પર્વત પર જઈ પહોંચ્યાં. એમણે સુગ્રીવ અને રામનો જયનાદ કર્યો. અંગદ અને જાંબવાને રામ અને સુગ્રીવને હનુમાનનાં પરાક્રમો અને સીતાજી વિષે વિગતવાર સમાચાર આપ્યા.
સીતાજીએ આપેલું રત્ન રામના હાથમાં મૂકીને હનુમાને રામને સીતાનો સંદેશો કહ્યો. હનુમાને રામને કહ્યું, "સીતામૈયાએ કહ્યું છે કે રાવણ તેમને ઉઠાવીને લઈ ગયો એ દિવસથી એ? આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે. એમણે ભાઈ લક્ષ્મણને આશિષ કહ્યાં છે. વળી એમણે જેમ બને તેમ જલદી રાવણની કેદમાંથી પોતાને મુક્તિ અપાવવા આપને વિનંતી કરી છે."
અંગદ અને જાંબવાને લંકામાં હનુમાને કરેલાં પરાક્રમોની વિસ્તારપૂર્વક વાત કરી. તેથી રામ અને સુગ્રીવને હનુમાન પ્રત્યે ખૂબ માન ઊપજ્યું.
રામે સુગ્રીવને કહ્યું, "મિત્ર ! હું હવે ધીરજ રાખી શકીશ નહીં. તમે સૈન્યને લંકા તરફ કૂચ કરવાની આજ્ઞા આપો."




૨૯. સમુદ્ર પર સેતુની રચના


વાનરરાજ સુગ્રીવે તેના સૈન્યને કૂચ કરવા માટે સજ્જ થવાનો આદેશ આપ્યો. રામ અને સુગ્રીવનો જયનાદ કરી વાનર સેનાએ લંકા તરફ કૂચ કરી.
સૈનિકો દિવસ-રાત કૂચ કરીને મહેન્દ્ર પર્વત પર આવી પહોંચ્યા અને તેમણે ત્યાં પડાવ નાખ્યો.
લંકામાં રાવણે મંત્રીઓ અને સેનાપતિઓની સભા ભરીને તેમને કહ્યું, "થોડા વખતમાં રામ સુગ્રીવની સેના સાથે સમુદ્ર ઓળંગીને લંકામાં આવે એવો સંભવ છે. એમનો સામનો કરવા માટે તમારાં કોઈ સૂચનો હોય, તો તે મને જણાવો."
સભાજનોએ રાવણ અને ઇન્દ્રજિતનાં બળ તથા પરાક્રમની પ્રશંસા કરીને વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાવણના સૌથી નાના ભાઈ વિભીષણે કહ્યું, "વડીલ બંધુ ! રામની સાથે સમાધાન કરી લો. એથી આપણે મોટા વિનાશમાંથી ઊગરી જઈશું."
પણ રાવણ માન્યો નહીં. રાવણે વિભીષણનો તિરસ્કાર કરીને કહ્યું, "તારા જેવા રાજદ્રોહી માટે મારા રાજ્યમાં કોઈ સ્થાન નથી."
રાવણ દ્વારા અપમાનિત થયેલો વિભીષણ રામના પડાવ પાસે આવ્યો. સુગ્રીવે રામને રાવણના ભાઈ વિભીષણના આગમનના સમાચાર આપ્યા. રામે જણાવ્યું, "મારે શરણે આવેલાને નિરાશ ન કરવા , એવો મારો નિયમ છે. વિભીષણને માનપૂર્વક અહીં લઈ આવો."
હનુમાને વિભીષણને રામ સમક્ષ હાજર કર્યો. વિભીષણે રામના ચરણોમાં ભક્તિપૂર્વક વંદન કર્યાં. ત્યાર બાદ તેણે પોતાની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરીને આશ્રયની માગણી કરી. રામે એનો સ્વીકાર કરી તેને લંકાના યોદ્ધાઓ વિશે પૂછપરછ કરી. વિભીષણે રામને રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજિત, વગેરે યોદ્ધાઓનાં બળ-બુદ્ધિ અને સામર્થ્યનો ખ્યાલ આપ્યો, તેમજ રાવણે બ્રહ્મા અને શંકર પાસેથી મેળવેલાં વરદાનોની પણ વાત કરી. પછી રામે કહ્યું, "હું લંકાનું રાજ્ય તમારા હાથમાં સોંપીશ. આ તમને રઘુવંશી રામનું વચન છે."
વિભીષણે પણ રામને વચન આપતાં કહ્યું, "મહારાજ ! હું આપને યુદ્ધમાં બધી રીતે મદદ કરીશ.."
હવે રામે સમુદ્રને પાર કરવાની સમસ્યા વિશે વિચાર કર્યો. તે સમુદ્રની બેસી ગયા. સમુદ્ર માર્ગ આપે એ માટે એમણે આ જ સ્થિતિમાં ત્રણ દિવસ સુધી પ્રતીક્ષા કરી. ચોથા દિવસે રામે રોષપૂર્વક એમના ધનુષ્ય પર બાણ ચડાવી સમુદ્ર તરફ લક્ષ્ય તાક્યું. સમુદ્રદેવ તરત જ રામની સામે પ્રગટ થયા. એમણે રામને પ્રણામ કરીને કહ્યું, "તમારા સૈન્યમાં નલ નામનો વાનર છે. તે તેના પિતા વિશ્વકર્મા પાસેથી સેતુ (પુલ) બનાવવાની વિદ્યા શીખ્યો છે. એ તમને મારી ઉપર સેતુ બનાવી આપશે. હવે તમે તમારું બાણ મારા ઉત્તર તટે વસેલા દુષ્ટો ઉપર ચલાવી તેમનો સંહાર કરો."
આમ કહી સમુદ્રદેવતા અર્દશ્ય થઈ ગયા. પછી રામે સમુદ્રના ઉત્તર કિનારા બાણ છોડી દુષ્ટોનો સંહાર કર્યો.
બીજા દિવસે સવારથી જ સમુદ્ર પર સેતુ બાંધવાનું કામ શરૂ થઈ ગયું વાનરો મોટી શીલાઓ અને વૃક્ષો ઊંચકી લાવીને નલને આપતા હતા. નલ એને સમુદ્રના પાણીમાં? ગોઠવીને સેતુનું બાંધકામ કરતો હતો. પ્રથમ દિવસે ચૌદ યોજન, બીજા દિવસે વીસ યોજન, ત્રીજા દિવસે? એકવીસ યોજન, ચોથા દિવસે બાવીસ યોજન અને પાંચમાં દિવસે ત્રેવીસ યોજન વિસ્તારમાં સેતુનું બાંધકામ કરવામાં આવ્યું. આમ સમુદ્રના આ તરફના છેડેથી સામા કિનારે આવેલા સુવેલ પર્વત સુધી સો યોજન લાંબા સેતુનું નિર્માણ કરવામાં આવ્યું.
સેતુ તૈયાર થઈ જતાં સુગ્રીવ થોડા સૈનિકો સાથે સુવેલ પર્વત પાસે ઊભા રહીને સેતુની રક્ષા કરવા લાગ્યો.
હનુમાને રામને અને અંગદે લક્ષ્મણને ઊંચકી લીધા. પછી રામ, લક્ષ્મણ અને વાનરસેનાએ સેતુ પર થઈ સમુદ્ર ઓળંગી સુવેલ પર્વત ઉપર પડાવ નાખી દીધો. ત્યાર બાદ રામે સુગ્રીવ, વિભીષણ, જાંબવાન, અંગદ, નલ, નીલ, તાર વગેરેની સાથે બેસીને યુદ્ધની વ્યુહરચના વિશે ચર્ચા શરૂ કરી.








30. યુદ્ધની વ્યુહરચના


રામની સેના એ સેતુ પર થઈને લંકાના કિનારે આવી પહોંચી. સો યોજન જેટલા લાંબા સમુદ્ર પર પુલ પણ બની શકે છે એવું રાવણે સપનામાં પણ વિચાર્યું ન હતું. એટલે રાવણ આશ્ચર્ય અને ભય પામ્યો. એણે શુક અને સારણ નામના તેના બે ચતુર મંત્રીઓને રામની સેનાનું સંખ્યાબળ અને એમની વ્યુહરચનાની તપાસ કરવા માટે મોકલ્યા.
શુક અને સારણ વાનરનું રૂપ લઈ વાનરસેનામાં ભળી ગયા અને સાવધાનીપૂર્વક ચોમેર નિરીક્ષણ કરવા લાગ્યા. વિભીષણે એમને જોતાંની સાથે જ ઓળખી લીધા. તેણે એમને પકડીને રામ સમક્ષ રજૂ કર્યા. રામે તેમને કહ્યું, " તમે રાવણ પાસે જઈને કહેજો કે કાલે સવારે જ રાવણ તેની લંકા અને એની સેનાને મારાં બાણો વડે ધ્વસ્ત થતી જોશે."
શુક અને સારણે લંકામાં જઈ રાવણને રામનો સંદેશો જણાવ્યો અને રાવણને કહ્યું કે, "વિભીષણ રામની સાથે મળી જતાં હવે તમારો કોઈ ભેદ રામથી છૂપો નથી રહ્યો. રામ અને એમની સેના અજેય છે."?
રાવણે શુક અને સારણને સાથે રાખીને કિલ્લાની અટારી પરથી રામની છાવણીનું નિરીક્ષણ કર્યું. શુકે રાવણને મુખ્ય વાનરવીરોનો પરિચય આપ્યો. તેથી રાવણ મનોમન બેચેન થઈ ગયો.
એટલામાં એના માતામહ (નાનાજી) માલ્યરાજ આવીને તેને મળ્યા. એમણે રાવણને સલાહ આપતાં કહ્યું, "ઓ? રાજા ! તમને બ્રહ્મા અને શંકર પાસેથી મળેલા વરદાનને ભરોસે ન રહેશો. મને તો રામ વિષ્ણુ ભગવાનનો અવતાર હોય એમ લાગે છે. એમના સૈનિકોએ કેટલી ઝડપથી સમુદ્ર પર સેતુ બનાવી લીધો ? આટલા વિરાટ અને સમર્થ સૈન્ય સામે લડવાનું તમારા સૈનિકોનું ગજું નથી. તમે રામની સાથે સમાધાન કરી લો."
રાવણને આવી સલાહ સાંભળવાની ટેવ નહોતી. એણે માતામહ માલ્યરાજને ઉદ્ધતાઈ-પૂર્વક ધમકાવતાં કહ્યું, " રામથી મારે શા માટે? બીવું જોઈએ ? એ વાંદરા અને રીંછ જેવાં તુચ્છ પ્રાણીઓની મદદ લઈ મારું શું બગાડી શકશે ? તમે એ યાદ રાખજો કે મારે મરવું પડશે તો હું મરવા તૈયાર થઈશ પણ રામની સાથે સમાધાન તો નહીં જ કરું."
રામ અને રાવણે યુદ્ધ માટે પોતપોતાની વ્યુહરચના ગોઠવી દીધી હતી.
રાવણે પૂર્વંના પ્રવેશદ્વાર પર પ્રહસ્તને, દક્ષિણ છેડે મહાપાર્શ્વ અને મહોદરને તથા પશ્ચિમના છેડે ઇન્દ્રજિતને ગોઠવી દીધા. પોતે ઉત્તર દિશાનો મોરચો સંભાળી લીધો અને વિરૂપાક્ષને નગરરક્ષક દળનું નેતૃત્વ સોંપ્યું.
વિભીષણે રામને જણાવ્યું, "કુબેર સામેના યુદ્ધમાં રાવણની પાસે જે સૈન્ય હતું તેના કરતાં અત્યારે તેનું સૈન્ય સૈનિકોની સંખ્યા, બળ અને પરાક્રમમાં ઘણું ચડિયાતું છે. તેમ છતાં વિજય તો આપણો જ થવાનો છે."
રામના સૈન્યની વ્યુહરચના આ પ્રમાણે ગોઠવવામાં આવી : દક્ષિણ છેડે અંગદે મહાપાર્શ્વ તથા મહોદરને અને પશ્ચિમ મોરચે હનુમાને ઇન્દ્રજિતનો સામનો કરવો. રામ અને લક્ષ્મણે રાવણનો સામનો કરવો અને સુગ્રીવ, જાંબવાન તથા વિભીષણે મુખ્ય સૈન્યની પાછળ રહીને યુદ્ધ કરવું. સુગ્રીવ અને એના ચાર સાથીદારોને ગમે તે રૂપ ધારણ કરવાની છૂટ હતી. જ્યારે અન્ય વાનર અને રીંછ યોદ્ધાઓને તેમના અસલ સ્વરૂપમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી, જેથી યુદ્ધ દરમ્યાન દુશ્મનોને ઓળખવામાં સરળતા રહે.
બોલો શ્રી રામચંદ્ર કી જય







1 comment:

  1. હરણ ને કારણે સીતાનું હરણ થયુ,
    એજ હરણ ને કારણે રાવણ નુ મરણ થયુ,
    અને અજ હરણ ને કારણે આખુંય જગત રામને શરણ થયુ...

    ReplyDelete