Friday, June 25, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૭





31. અંગદનું દૂતકાર્ય

સુગ્રીવ અને વિભીષણે એમના સૈન્યની વ્યુહરચના ગોઠવી દીધી. પછી રામે એમના તમામ સલાહકારોને એકઠા કરીને તેમની સાથે ચર્ચાવિચારણા કરી. ત્યારે જાંબવાને રામને કહ્યું, "મારી સૂઝ અનુસાર હું આપને એક નમ્ર સૂચન કરું છું કે જો બની શકે તો આપણે અંગદને દૂત તરીકે રાવણની પાસે મોકલીને સમાધાનનો એક છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ."
બધા તેની સાથે સંમત હતા. તેથી રામે અંગદને બોલાવીને કહ્યું, "વાલિપુત્ર અંગદ, તું બળ, બુદ્ધિ અને ગુણોનો ભંડાર છે. એટલે શત્રુ સાથે એવી રીતે વાતચીત કરજે જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય અને શત્રુનું પણ કંઈક કલ્યાણ થાય."
રામની આજ્ઞા માથે ચડાવીને અંગદ આનંદપૂર્વક લંકા તરફ ઊપડ્યો. લંકામાં પ્રવેશ કરી તે રાવણના દરબારમાં પ્રવેશ્યો. રાવણે તોછડાઈથી તેને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે.?"
અંગદે કહ્યું, "હે દશાનન, હું શ્રીરામનો દૂત છું. મારા પિતા વાલિ તમારા મિત્ર હતા. એટલે હું તમારી ભલાઇને માટે અહીં આવ્યો છું. શ્રીરામના શરણે આવો. તેનાથી તમારા પર પ્રભુની કૃપા ઊતરશે અને ભગવાન શ્રીરામ તમને અભયવચન આપશે."
રાવણે તુચ્છકારપૂર્વક અંગદને કહ્યું, "અરે મૂર્ખ વાનર, જરા સંભાળીને બોલ. તને જ્ઞાન
નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે. વાલિ મારો મિત્ર હતો તેથી મેં તારી વાતો સાંભળી લીધી છે, તું જેનાં ગુણગાન ગાઈ રહ્યો છે તેનામાં, બળ, બુદ્ધિ, પ્રતાપ કે તેજ કશું જ નથી. એને નગુણો સમજીને જ તેના પિતાએ તેને વનમાં મોકલી આપ્યો છે. વળી એ તો એની પત્નીના વિરહમાં નબળો પડી ગયેલો છે અને તેને રાતદિવસ મારો ભય સતાવ્યા કરે છે. અરે મૂર્ખ, તું તારી જીદ છોડ અને અહીંથી રવાના થા."
રાવણે રામની નિંદા કરી તેથી અંગદનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે તેના બે હાથથી પૃથ્વી પર એવા મુક્કા લગાવ્યા કે આખી ધરતી ધુજી ઊઠી. રાવણ પણ જમીન પર ગબડી પડ્યો.
રાવણ અંગદની હરકતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. એણે તેના સૈનિકોને આજ્ઞા કરી, "આ ઉદ્ધત વાનરને પકડીને મારી નાખો."
પાંચ-સાત સૈનિકો અંગદને પકડવા દોડ્યા. અંગદે એમને ધૂળચાટતા કરી દીધા. પછી તેણે રાવણના મહેલ પર ચઢીને તેના ઘુમ્મટ અને મિનારા તોડી નાખ્યા. ત્યાર બાદ તે એક છલાંગ લગાવીને રામની પાસે પાછો આવી પહોંચ્યો. અંગદની સાથે વાતચીત કરીને રામે તેમના સૈન્યને લંકા પર આક્રમણ કરવાની સૂચના આપી.
રાવણે સીતાને ભોળવવા માટે એક છેલ્લો પાસો અજમાવ્યો. તે મેલીવિદ્યાના સાધક વિદ્યુજ્જિહ્વને લઈને અશોકવનમાં ગયો. એણે સીતાને કહ્યું, "મારા સૈનિકોએ રામને હણી નાખ્યા છે. તેઓ રામનું મસ્તક એમની સાથે લઈ આવ્યા છે. હવે તારે કોઈ આધાર રહ્યો નથી. માટે તું મારી પટરાણી બની જા."
પછી વિદ્યુજ્જિહ્વે એની માયાથી રામનું કપાયેલું મસ્તક રચીને સીતા પાસે મૂક્યું. એ જોઈ સીતાનું હ્રદય કકળી ઊઠ્યુ અને એણે હ્રદયદ્રાવક વિલાપ કર્યો.
એટલામાં રામનું સૈન્ય લંકાના કિલ્લા પાસે આવી પહોંચ્યું. સેનાપતિ પ્રહસ્તનો સંદેશો મળતાં રાવણે તરત ત્યાંથી પાછા ફરવું પડ્યું. રાવણ ગયો એટલે રાક્ષસની માયાનો પણ લોપ થઈ ગયો. રામનું બનાવટી મુખ અર્દશ્ય થઈ ગયું.
સરમા નામની રાક્ષસીએ સીતાને રામના મુખ વિશે સાચી વાત જણાવી દીધી. એટલામાં વાનર સેન્યનાં અવાજો સંભળાવા લાગ્યા. તેથી સીતાને ખાતરી થઈ ગઈ કે હવે રાવણનો અંત અને રામનું મિલન હાથવેંતમાં છે.





32. સર્પબાણનો પ્રયોગ

સુગ્રીવનું સૈન્ય રામ, લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ કરતું લંકાના કિલ્લા તરફ ધસી ગયું. વાનરોએ વિશાળ વૃક્ષોના પ્રહારો વડે કિલ્લાના પ્રવેશદ્વારોને તોડી નાખ્યા.
વૃક્ષો, ખડકો, શિલાઓ, નખ અને મુક્કા-એ વાનરોનાં શસ્ત્રો હતાં. જ્યારે રાક્ષસો પાસે જાતજાતનાં આયુધો હતાં. જોતજોતામાં બંને પક્ષે હજારો સૈનિકોની ખુવારી થઈ ગઈ.
અંગદે ઇન્દ્રજિતની સાથે, વિભીષણના મંત્રી સંપાતિએ પ્રજંઘ સાથે, હનુમાને જાંબમાલિ સાથે, નીલે નિકુંભ સાથે અને લક્ષ્મણે વિરૂપાક્ષની સાથે યુદ્ધ કર્યું. રામે એમનાં બાણો વડે હજારો રાક્ષસોને વીંધી નાખ્યા. સુગ્રીવે પ્રઘસને અને લક્ષ્મણે વિરૂપાક્ષને હણી નાખ્યા.
અંગદે ઇન્દ્રજિતના રથને તોડી નાખી તેના અશ્વોને મારી નાખ્યા. તેથી ઇન્દ્રજિત ઉશ્કેરાઈને અર્દશ્ય થઈ ગયો. તેણે અર્દશ્ય રહીને રામ અને લક્ષ્મણની ઉપર અસંખ્ય તીરો વરસાવવા માંડ્યા. તેનાથી રામ અને લક્ષ્મણ ગૂંચવાઈ ગયા. ઇન્દ્રજિતે તેમની એ મૂંઝવણનો લાભ ઉઠાવી તેમની ઉપર સર્પબાણનો પ્રયોગ કર્યો. રામ અને લક્ષ્મણ સર્પોના બંધનમાં જકડાઈ ગયા અને તરત જ મૂર્છિત થઈ ગયા.
વિભીષણે હિંમત આપતાં કહ્યું, "હિંમત હારશો નહીં. રામ અને લક્ષ્મણ જીવિત છે. તેઓ થોડી વારમાં ભાનમાં આવી જશે અને પાછા યુદ્ધ કરવામાં જોડાઈ જશે."

રાવણે સીતાને રામ-લક્ષ્મણના મૃત્યુના સમાચાર કહેવડાવ્યા. સીતા દુઃખી થઈને વિલાપ કરવા માંડ્યાં. ત્યારે ત્રિજટા નામની એક રાક્ષસીએ એમને સાંત્વન આપતાં કહ્યું, "રામ અને લક્ષ્મણ ફક્ત મૂર્છિત થઈ ગયા છે."
થોડી વારમાં રામની મૂર્છા દૂર થઈ ગઈ. તે લક્ષ્મણને મૃત સમજીને વિલાપ કરવા લાગ્યા. એ જોઈને વિભીષણ પણ રડવા લાગ્યા. વાનર સરદાર સુષેણે હનુમાન પાસે હિમાલય પરથી સંજીવની ઔષધિ મંગાવવાની તજવીજ શરૂ કરી. એટલામાં પક્ષીરાજ ગરુડ ત્યાં આવી ચડ્યા.
ગરુડનું આગમન થતાં જ રામ-લક્ષ્મણને વીંટળાઈને રહેલા સર્પ નાસી ગયા. ગરુડે બંને ભાઈઓના દેહને પંપાળ્યા. એથી રામ અને લક્ષ્મણના બધા ઘા રુઝાઈ ગયા.
ત્યાર પછી ગરુડરાજ આકાશમાં ઊડી ગયા. રામ અને લક્ષ્મણ સ્વસ્થ થઈ જતાં વાનરો ઉત્સાહમાં આવી ગયા. એમણે લંકા પર બમણા વેગે આક્રમણ કર્યું.





33. યુદ્ધમાં રામનું પલ્લું નમી ગયું

રામ અમે લક્ષ્મણ મૃત્યું પામ્યા છે એવું સમજી હવે રાવણ નિશ્ચિંત થઈ ગયો હતો. એટલામાં સૈનિકોએ આવી રાવણને કહ્યું, "રામ અને લક્ષ્મણ સર્પબાણના બંધનમાંથી મુક્ત થઈ પાછા યુદ્ધ કરવા લાગ્યા છે."
આ સાંભળીને રાવણે વિચાર્યું, "સર્પબાણના બંધનમાંથી હજુ સુધી તો કોઈ મુક્ત થઈ શક્યું નથી. જ્યારે આ બે માનવો એના બંધનમાંથી મુક્ત થઈ શક્યા છે. એટલે તે મારા માટે ચોક્કસ ભયજનક પુરવાર થશે."
રાવણે ધૂમ્રાક્ષને રણભૂમિ પર મોકલ્યો. ધૂમ્રાક્ષ અને હનુમાન વચ્ચે જંગ ખેલાયો. એમાં હનુમાને ધૂમ્રાક્ષ અને તેની સાથેના તમામ રાક્ષસોને ભોંય ભેગા કરી દીધા.
પછી રાવણે વજ્રદંષ્ટને બળવાન રાક્ષસોની સેના સાથે રણભૂમિ પર મોકલ્યો. અંગદે તેનો વીરતાથી સામનો કર્યો, છતાં બંને પક્ષે સારી એવી ખુવારી થઈ ગઈ. વજ્રદંષ્ટે યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય બતાવ્યું. આખરે અંગદે દ્વંદ્વયુદ્ધમાં તેને હણી નાખ્યો. એથી રાક્ષસોની સેનામાં ભંગાણ પડી ગયું.

એ પછી રાવણના પુત્ર અકંપને રણભૂમિ પર આવીને વાનરસેનામાં હાહાકાર વરતાવી દીધો. છેવટે હનુમાને અકંપનને મારી નાખ્યો ત્યારે રાવણની હિંમત તૂટી ગઈ. હવે એણે એનો વ્યુહ બદલીને મહાયુદ્ધનું આયોજન કર્યું.
રાવણનો સેનાપતિ પ્રહસ્ત યુદ્ધમાં દેવોને પણ ભારે પડે એવો યોદ્ધો હતો. તેના મૃત્યુથી રાવણને આઘાત અને આશ્ચર્ય થયાં. એ ગુસ્સે થઈને પોતાના પુત્ર ઇન્દ્રજિતને સાથે લઈને શત્રુઓ પર ત્રાટકવા નીકળી પડ્યો.
દૂરથી નવી રાક્ષસસેનાને આવતી જોઈ વાનરો લડવા માટે સજ્જ થઈ ગયા. વિભીષણે રામને રાવણ, ઇન્દ્રજિત અને અન્ય રાક્ષસયોદ્ધાઓનો પરિચય આપ્યો. રામ રાવણનું ભવ્ય અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ પ્રભાવિત થયા. રામને વિચાર આવ્યો, "રાવણ ખરેખર પ્રભાવશાળી અને પ્રતાપી રાજા છે. પણ એની દુષ્ટતાને લીધે મારે તેને હણવો પડશે."
રાવણે યુદ્ધભૂમિમાં આવતાંની સાથે અનેક વાનર વીરોને પરાસ્ત કર્યા. લક્ષ્મણ રાવણ સાથે લડતાં લડતાં ઘવાયો હતો. તેથી હનુમાન તેને ઊંચકીને રામની પાસે મૂકી આવ્યા. રામે હનુમાનના ખભે બેસીને રાવણ સાથે ભયાનક યુદ્ધ કર્યું. એમાં રામે રાવણનાં મુગટ, રથ અને શસ્ત્રોનો નાશ કરી નાખ્યો. રાવણ રણભૂમિ પર શસ્ત્રહીન, ઘાયલ અને અસહાય દશામાં મુકાઈ ગયો.




34. કુંભકર્ણનો વધ

રામને હાથે જીવતદાન પામીને રાવણ શરમનો માર્યો તેના મહેલમાં જતો રહ્યો.તે ઘણી વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. એણે એના મંત્રીઓને બોલાવી કુંભકર્ણને જગાડી લાવવા કહ્યું.
કુંભકર્ણને એવો શાપ મળેલો હતો કે તે એક વાર ઊંઘી જાય તો છ મહિના સુધી જાગી ન શકે. રાવણના મંત્રીઓએ કુંભકર્ણના ભોજનનો પ્રબંધ કરીને તેને જગાડવા ભારે પુરુષાર્થ શરૂ કર્યો. પરંતુ કંભકર્ણ પર તેની કંઈ અસર થઈ નહીં. એના દેહ પરથી હાથી ચલાવવામાં આવ્યા, એને ડંડાના પ્રહારો કરવામાં આવ્યા. અંતે મહામુશ્કેલીએ કુંભકર્ણ જાગ્યો. એણે જાગીને તરત જ ઢગલાબંધ આહાર કર્યો.
કુંભકર્ણ રાવણના મહેલ તરફ ચાલ્યો. રાવણ દોડીને તેને ભેટી પડ્યો. એણે કુંભકર્ણને શરૂઆતથી અંત સુધીની ઘટના કહીને તેને કહ્યું, "રામ, લક્ષ્મણ તથા વાનરો મારે માટે ત્રાસરૂપ બની ગયા છે. તું એમને હણીને લંકાને તથા આપણી રાક્ષસ જાતિને વિનાશમાંથી ઉગારી લે."

કુંભકર્ણએ રાવણને કહ્યું, "લંકેશ ! તમે બધી ચિંતા છોડી દો. હું હમણાં જ યુદ્ધભૂમિ પર જઉં છું. હું રામ અને લક્ષ્મણનાં માથાં કાપી લાવીને તમારા ચરણોમાં મૂકીશ. હું જીવિત હોઈશ ત્યાં સુધી રામ તમારા સુધી પહોંચી શકશે નહીં તેની ખાતરી રાખજો."
આ સાંભળી રાવણના મનમાં નવી આશા જન્મી. એણે કુંભકર્ણને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યાં. જ્યારે કુંભકર્ણ એનો ભાલો ઉઠાવીને યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યો ત્યારે રાવણે એક બળવાન સૈન્યને પણ તેની સાથે રવાના કર્યું.
નગરજનોની શુભેચ્છાઓ અને પુષ્પવૃષ્ટિ ઝીલતો કુંભકર્ણ આંધીની જેમ વાનરસેના તરફ ધસી ગયો. એની તોફાની ગતિથી વાનરસૈન્ય ભયથી ખળભળી ઊઠ્યું. વાનરો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા. અંગદે એમને મહામુશ્કેલીએ સંગઠિત કરી કુંભકર્ણનો વીરતાપૂર્વક સામનો કરવાનો આદેશ આપ્યો.
અંગદે કુંભકર્ણ પર ફેંકેલાં મોટાં વૃક્ષો અને શિલાઓની તેના પર કશી અસર થતી ન હતી. વાનરો રાક્ષસ સૈનિકો સાથે આસાનીથી લડતા હતા પણ તે કુંભકર્ણથી દૂર ભાગતા હતા. હનુમાને એને એક મોટી શિલા વડે થોડોક ઘાયલ કર્યો, તો કુંભકર્ણે હનુમાનની છાતીમાં ત્રિશૂળ મારી દીધું. એ પછી પણ એણે અનેક વાનર યોદ્ધાઓને શસ્ત્રાસ્ત્રના પ્રહારો વડે મૂર્છિત કરી દીધા. અંગદ અને સુગ્રીવ પણ મૂર્છિત થઈ ગયા. કુંભકર્ણ સુગ્રીવને ઉઠાવીને લંકા તરફ જવા લાગ્યો. રસ્તામાં સુગ્રીવને ભાન આવતાં એણે કુંભકર્ણના મોં પર પોતાના નખ વડે
હુમલો કર્યો. કુંભકર્ણે એ ત્રાસથી બચવા સુગ્રીવને છોડી મૂક્યો. સુગ્રીવ તરત જ પોતાના સૈન્યમાં પાછો ફર્યો.
કુંભકર્ણ ફરીથી વાનરસેના પર તૂટી પડ્યો ત્યારે લક્ષ્મણે એનો વીરતાપૂર્વક સામનો કર્યો અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડી. કુંભકર્ણે લક્ષ્મણની પ્રશંસા કરતાં કહ્યું, "હે ધનુર્ધારી ! તું ખરેખરે યુદ્ધકલામાં પારંગત છે. હું તારા કૌશલથી ખુશ થઈ ગયો છું. મારું
મુખ્ય લક્ષ્ય રામ છે. તું મને એની પાસે જવા દે." ત્યાર બાદ કુંભકર્ણ અને રામ વચ્ચે ભારે જંગ ખેલાયો. રામે એક બાણ વડે કુંભકર્ણનો જમણો હાથ કાપી નાખ્યો. એ હાથ રણભૂમિમાં પડતાં તેની નીચે અનેક વાનરો ચગદાઈ ગયા. કુંભકર્ણ એના ડાબા હાથમાં એક વૃક્ષ લઈને રામ પર હુમલો કર્યો. રામે તેનો એ હાથ પણ કાપી નાખ્યો. કુંભકર્ણ રોષપૂર્વક પોતાનું મોં ફાડીને રામ તરફ દોડ્યો. ત્યારે રામે તેના બંને પગ પણ કાપી નાખ્યા. આમ છતાં તે હુમલો
કરવા થનગની રહ્યો હતો. તેથી રામે એક બાણ વડે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. વાનરસેનાએ ખુશખુશાલ થઈ રામનો જયજયકાર કર્યો. બચી ગયેલા રાક્ષસો લંકા તરફ નાસી ગયા.







35. ઇન્દ્રજિત હણાયો

કુંભકર્ણના મૃત્યુના સમાચાર જાણીને રાવણને પ્રચંડ આઘાત લાગ્યો. એ પોતાના મૃત ભાઈને યાદ કરી વારંવાર વિલાપ કરવા લાગ્યો. એના પુત્રો દેવાંતક, નરાંતક, ત્રિશીર્ષ અને અતિકાય તેની પાસે આવ્યા. તેમણે રાવણને આશ્વાસન આપી યુદ્ધ કરવા જવાની ઇચ્છા પ્રગટ કરી. રાવણે તેના ભાઈઓ મહોદર અને મહાપાર્શ્વની સાથે તેમને યુદ્ધભૂમિ પર જવા સંમતિ આપી.
રાવણના ભાઇઓ અને પુત્રોએ રણભૂમિ પર જઈ વાનરસૈન્ય સામે અપૂર્વ શૌર્ય બતાવ્યું. નરાંતકે સુગ્રીવ પર હુમલો કર્યો ત્યારે અંગદે વચ્ચે આવી જઈને તેને હણી નાખ્યો. હનુમાને દેવાંતક અને ત્રિશીર્ષને હણી નાખ્યા. મહોદર નીલને હાથે વીરગતિ પામ્યો. ઋષભે મહાપાર્શ્વનો વધ કર્યો અને લક્ષ્મણનાં બાણોથી અતિકાયનો અંત આવી ગયો. આમ રાવણના આ અજેય યોદ્ધાઓ પણ યુદ્ધભૂમિ પર ચિર નિદ્રામાં પોઢી ગયા.
હવે રાવણ હિંમત હારી બેઠો હતો. એને મોડે મોડે પણ રામની દૈવી શક્તિનો અહેસાસ થયો. તેનો પુત્ર ઇન્દ્રજિત એને સાંત્વન આપી યુદ્ધભૂમિ પર ગયો.
ઇન્દ્રજિતે હજારો વાનરોને હણી નાખ્યા. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો જેથી લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા.
જાંબવાને હનુમાનને કહ્યું, "તું ઝડપથી હિમાલય પર જા, ત્યાં કૈલાસ અને ઋષભ પર્વત વચ્ચે દ્રોણાચલ નામે એક ટેકરી આવેલી છે. તેના પરથી મૃતસંજીવની, વિશલ્યકરણી, સાવર્ણકરણી અને સંધાનકરણી ઔષધિઓ લઈ આવ."
હનુમાન ઊડીને હિમાલય પર આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલ ટેકરી શોધી કાઢી. પણ જાંબવાને સૂચવીલી વનસ્પતિને તે ઓળખી શક્યા નહીં એટલે તે આખી ઔષધટેકરીને ઊંચકીને જાંબવાનની પાસે લઈ આવ્યા.
સંજીવની ઔષધ વડે લક્ષ્મણની મૂર્છા દૂર થઈ ગઈ.. તેઓ નવી શક્તિ મેળવીને લડવા માટે પાછા સક્રિય થઈ ગયા.

રાવણે ઇન્દ્રજિતને ફરીથી યુદ્ધ કરવા મોકલ્યો. ઇન્દ્રજિતે નિકુંભલા દેવીના મંદિરમાં જઈને ત્યાં આસુરી યજ્ઞ શરૂ કર્યો. વિભીષણે લક્ષ્મણને ઇન્દ્રજિતનો યજ્ઞ ભંગ કરવા સૂચવ્યું.
ઇન્દ્રજિત યજ્ઞમાં બલિ આપી રહ્યો હતો એ જ સમયે લક્ષ્મણે એના યજ્ઞમાં ભંગાણ પાડ્યું. તેથી ઇન્દ્રજિતે લક્ષ્મણ સાથે ફરજિયાત યુદ્ધ કરવું પડ્યું. બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો. લક્ષ્મણે રામનું સ્મરણ કરીને ઇન્દ્રજિત પર ઇન્દ્રાસ્ત્ર છોડી દીધું. તેનાથી ઇન્દ્રજિતનું મસ્તક છેદાઈ ગયું અને તે ધરતી પર ઢળી પડ્યો..
કોઈ મનુષ્ય ઇન્દ્રજિતને હણી શકે એ વાત માનવા રાવણ તૈયાર જ ન હતો. એને થયું કે એના પરિવારના આ વિનાશના મૂળમાં સીતા રહેલી છે. તેથી તે તલવાર લઈને સીતાની હત્યા કરવા દોડ્યો. એના પ્રધાન સુપાર્શ્વે એને સમજાવીને રોકી લેતાં કહ્યું, "મહારજ, આપના જેવા ધર્માત્માને સ્ત્રીવધનું કુકર્મ કરવું શોભાસ્પદ નથી. આપનો ક્રોધ રામની ઉપર ઉતારો એ જ ઉચિત છે."
રાવણે સુપાર્શ્વની વાત સ્વીકારી લીધી. તેણે તેના સેનાનાયકોને કહ્યું, "હવે તમે યુદ્ધભૂમિમાં જઈને રામ અને લક્ષ્મણનો ગમે તે ભોગે વધ કરો. આ કાર્ય તમારાથી નહીં થઈ શકે તો કાલે સવારે હું પોતે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હણી નાખીશ."

બોલો શ્રી રામચંદ્ર કી જય

No comments:

Post a Comment