Thursday, June 24, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૩







૧૧. નિષાદરાજની મુલાકાત

સુમંત્રનો રથ તમસા નદીની દક્ષિ‍ણે ગોમતી નદીના કિનારે થઈ સઈ નદીને કિનારે આવી પહોંચ્યો. અહીં કૌશલ દેશની હદ પૂરી થઈ રહી હતી. રામ માતૃભૂમિનું છેલ્લી વાર દર્શન કરી લેવા માટે ત્યાં ઊભા રહ્યા.
રામ બે હાથ જોડીને કૌશલ દેશ તરફ મોં રાખીને બોલ્યા, "હે વત્સલ માતૃભૂમિ ! હું ચૌદ વરસ માટે તારાથી દૂર જઈ રહ્યો છું. મારા બધા અપરાધોનો તું ઉદારભાવે ક્ષમા કરજે. "
સાંજના સમયે તેમનો રથ ગંગાને કિનારે શૃંગવેરપુર પાસે આવી પહોંચ્યો. રામે એક વૃ્ક્ષની નીચે વિશ્રામ કરવાની તૈયારી કરી. શૃંગવેરપુરનો રાજા નિષાદરાજ ગુહ તેના સેવકો સાથે રામનું સ્વાગત કરવા આવ્યો. રામ નિષાદરાજને પ્રેમપૂર્વક ભેટી પડ્યા ત્યારે નિષાદરાજે ગળગળા થઈ જતાં કહ્યું, "આપ અહીં પધાર્યા એ મારું અહોભાગ્ય છે. હવે નગરમાં પધારીને મારું આંગણું પણ પાવન કરો. હું મારું રાજ્ય આપને અર્પણ કરું છું. આપ મારા પર કૃપા કરી અહીં સુખેથી રાજ કરજો અને હું આપની સેવા કરીશ."
રામે નિષાદરાજની સહ્રદયતા બદલ તેનો આભાર માન્યો પણ એ પોતાની પ્રતિજ્ઞામાં અટલ રહ્યા. રામે રાત્રે વિશ્રામ કર્યો. સવારે રામે સુમંત્રને કહ્યું, "તાત સુમંત્ર ! અહીંથી આપ અયોધ્યા પાછા ફરો."

સુમંત્ર એમનો રથ લઈ અયોધ્યા જવા રવાના થયા. હવે તેમને ગંગા નદી પાર કરીને સામે કિનારે જવાનું હતું. તેથી નિષાદરાજે પોતાની નાવ અને કેવટ નામના નાવિકને રામની સેવામાં હાજર કરી દીધાં. પછી તેઓ એ નાવમાં બેસી, ગંગા નદી પાર કરીને વત્સદેશમાં આવ્યા. સૌથી આગળ રામ, એમની પાછળ સીતા અને છેલ્લે લક્ષ્‍મણ એવી રીતે તેઓ દુર્ગમ માર્ગો પર સતત ચાલતાં રહ્યાં. રસ્તામાં સાંજ થઈ જતાં તેમણે કંદમૂળનો આહાર લીધો અને એક વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. લક્ષ્‍મણે આખી રાત જાગીને એમની ચોકી કરી.
તેઓ બીજે દિવસે ગંગા-યમુનાના સંગમ પર આવેલા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં એક રાતનું રોકાણ કરી, યમુના નદી પાર કરીને બે દિવસની યાત્રા બાદ તેઓ ચિત્રકૂટમાં આવી પહોંચ્યાં. ચિત્રકૂટમાં ભવ્ય પર્વતો અને હરિયાળી વનરાજિ પથરાયેલી જોઈને રામે લક્ષ્‍મણને કહ્યું, "આ સ્થળ રમણીય છે. તેથી આપણે થોડો સમય અહીં જ રહીશું."
લક્ષ્‍મણે મંદાકિની નદીના કિનારે એક સુંદર પર્ણકુટિ બનાવી દીધી. પછી એ ત્રણેય જણાં એમાં રહેવા લાગ્યાં





૧૨. દશરથ રાજાનો સ્વર્ગવાસ

રામ અયોધ્યામાંથી ગયા એ વાતને છ દિવસ થઈ ગયા હતા. હજુ દશરથ પથારીવશ હતા. એમને અચાનક કોઈ શાપ યાદી આવી જતાં તેમણે કૌશલ્યાને કહ્યું, "મને રામનો વિયોગ થયો તેનું કારણ આપણાં લગ્ન પૂર્વે મારા જીવનમાં બનેલી એક ઘટના છે. તે મને હવે યાદ આવે છે :"
એક સાંજે હું શિકાર કરવા માટે સરયૂને કિનારે ગયો હતો. હું શબ્દવેધી બાણ ચલાવી શકતો હતો. દૂરથી મને કોઈ પ્રાણી નદીમાં પાણી પી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. મેં અવાજની દિશામાં બાણ છોડ્યું. તરત જ કોઈ માણસે જોરથી ચીસ પાડી.મેં જઈને જોયું તો મારું બાણ એક યુવકની છાતીમાં ખૂંપી ગયેલું ! એ યુવક લોહીલુહાણ થઈને ધરતી પર ઢળી પડ્યો હતો અને તેની નજીક એક ઘડો પડેલો.
યુવકે મને કહ્યું : મારું નામ શ્રવણ છે. મારાં માબાપ વૃદ્ધ અને અંધ છે. હું એમને જાત્રા કરાવવા માટે નીકળ્યો હતો. એમને તરસ લાગી હોવાથી હું એમને પાસેના એક ઝાડ નીચે બેસાડીને પાણી ભરવા અહીં આવ્યો હતો. તેઓ મારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં હશે. તમે કૃપા કરી આ ઘડામાં એમને માટે જલ્દી પાણી લઈ જાઓ.
આટલા શબ્દો બોલીને એ યુવકે પ્રાણ છોડી દીધા. હું ઘડામાં પાણી ભરીને તેના માબાપની પાસે ગયો. મારાં પગલાંનો અવાજ સાંભળીને શ્રવણના પિતા બોલી ઊઠ્યા, બેટા શ્રવણ, તું આવી ગયો ?

મેં ડરતાં ડરતાં તેમને કહ્યું, હું શ્રવણ નથી, અયોધ્યાનો રાજા દશરથ છું. શ્રવણ સરયૂ નદીમાંથી પાણી ભરી રહ્યો હતો તે વખતે મેં ગેરસમજથી છોડેલું એક શબ્દવેધી બાણ તેની છાતીમાં વાગી ગયું. તેથી તે મૃત્યુ પામ્યો.
આ સાંભળીને તેમણે પુત્રના વિરહમાં ઝૂરી ઝૂરીને એમના પ્રાણનો ત્યાગ કરી દીધો. શ્રવણના પિતાએ મૃત્યુ પામતાં પૂર્વે મને શાપ આપતાં કહ્યું હતું : હે અવિચારી રાજા ! જેવી રીતે આજે અમે અમારા પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી રહ્યાં છીએ, તેવી જ રીતે એક દિવસ તું પણ તારા પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરણ પામીશ.
મને લાગે છે કે શ્રવણના પિતાએ મને આપેલો શાપ હવે સાચો ઠરી રહ્યો છે. મારા શરીરમાંથી જાણે કોઈ મારા પ્રાણ ખેંચીને લઈ જઈ રહ્યું હોય એવો મને અનુભવ થાય છે. મારાથી અજાણતાં પણ એક નિર્દોષ યુવકની હત્યા થઈ હતી. તેનું જ આ ફળ છે. ખરેખર હું ખૂબ દુર્ભાગી છું. હે રામ ! હે લક્ષ્‍મણ ! હે સીતે ! કૌશલ્યા.....સુમિત્રા......!‘‘ એવું બોલતાં બોલતાં દશરથ રાજા ઢળી પડ્યા.

રાણીઓને રાજાના મૃત્યુનો પ્રચંડ આઘાત લાગ્યો. સૂર્યોદય થતાં માર્કણ્ડેય ઋષિ અને અન્ય મંત્રીઓએ મહર્ષિ‍ વસિષ્‍ઠને એવું સૂચવ્યું કે, "રાજગાદી લાંબો સમય ખાલી ન રહેવી જોઈએ. તેની ઉપર અનુગામી રાજાની તાત્કાલિક નિયુક્તિ કરવી જોઈએ."
મહર્ષિ‍ વસિષ્‍ઠે ભરત અને શત્રુધ્નને અયોધ્યામાં લઈ આવવા માટે પાંચ દૂતોને તાત્કાલિક કૈકય દેશ તરફ રવાના કર્યા.





૧૩. ભરતનો સંતાપ

મહર્ષિ‍ વ‍સિષ્‍ઠેના દૂતોને કૈકય દેશ આવીને ભરતના નાના અને મામાને કહ્યું, "મહર્ષિ‍ વસિષ્‍ઠે કહેવડાવ્યું છે કે આપ ભરત અને શત્રુધ્નને અમારી સાથે અયોધ્યા મોકલી આપો અને પછીથી આપ પણ બનતી ઝડપે ત્યાં આવી પહોંચજો."
આમ ભરત અને શત્રુધ્ન વસિષ્‍ઠના દૂતોની સાથે રવાના થઈને અયોધ્યા આવી પહોંચ્યા. એ વખતે આખી નગરી સૂની અને ઉજ્જડ લાગતી હતી.
ભરતે દુઃખી હૈયે પિતાના મહેલમાં ગયો. ત્યાં એને કોઈ જોવા મળ્યું નહીં. એટલે તે કૈકેયીના મહેલમાં દોડી ગયો.
કૈકેયીએ ભરતને ઉમળકાભેર આવકાર આપ્‍યો. ભરતે તેને મોસાળના સમાચાર આપીને પિતા અને ભાઈ રામ વિશે પૂછ્યું. કૈકેયીએ તેનાં બે વરદાન, દશરથ રાજાનું મૃત્યુ તેમજ રામ-સીતા અને લક્ષ્‍મણના વનવાસ વિશે ભરતને માહિતી આપી. એ બધું સાંભળીને ભરતની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. કૈકેયીએ તેને સમજાવતાં કહ્યું, "તારે દુઃખી થવાની જરૂર નથી. તું બધી ચિંતા છોડીને અયોધ્યાનું રાજ્ય સંભાળી લે. મેં તારા હિતને ખાતર જ આ બધું કર્યું છે."
પોતાની માતા પાસેથી આવી વાતો સાંભળવા મળશે એવું ભરતે કદી વિચાર્યું નહોતું. એ ઝડપથી રાજ્યની અને રાજપરિવારની આખી સ્થિતિ સમજી ગયો. તેના ક્રોધનો પાર ન રહ્યો. એણે રાડ પાડીને કૈકેયીને કહ્યું, "ઓ પાપિ‍ણી ! તેં આ બધું શું કરી નાખ્યું ? તેં એવું કેમ માની લીધું કે પિતાના મૃત્યુ અને ભાઈ-ભાભીના વનવાસનું કલંક મારે માથે રાખીને પણ હું અયોધ્યાનો રાજા બનવા તૈયાર થઈ જઈશ.
ભરત કૈકેયીનો મહેલ છોડીને કૌશલ્યાની પાસે દોડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એણે માતા કૌશલ્યાને કહ્યું, "મારી માતાએ જે કૃત્ય કર્યું એ વિષે મને કશી ખબર નહોતી.
મારી માતાની મહત્વાકાંક્ષામાં મારી સહેજ પણ સંમતિ નથી." ભરતને દુઃખી જોઈને કૌશલ્યાને ભારે આઘાત લાગ્યો. એ ભરતને આશ્વાસન આપવા લાગ્યાં; પણ ભરત પિતાને અને ભાઈ રામને યાદ કરી કરીને ક્યાંય સુધી રડતો જ રહ્યો.
બીજા દિવસની સવારે ચંદનની ચિતા પર દશરથ રાજાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી ભરતે મંત્રીઓ, પુરોહિતો અને નગરજનોની એક સભા બોલાવીને એમાં જાહેરાત કરી, "મારી ગેરહાજરીમાં અયોધ્યામાં જે કંઈ બની ગયું એનું મને ભારે દુઃખ છે. આપ સૌ જાણો છો કે મારા પિતાજી પછી એમની રાજગાદી પર બેસવાનો હક ફક્ત શ્રીરામનો છે.
હું આવતી કાલે રામને લેવા ચિત્રકુટ જઈશ. મને શ્રદ્ધા છે કે હું રામને જરૂર અયોધ્યામાં પાછા લાવી શકીશ."





૧૪. ચિત્રકૂટમાં ભરતનું આગમન

ભરત મંત્રીઓ, માતાઓ અને સેના સાથે ચિત્રકૂટ જવા નીકળ્યો. ઘણા નગરજનો પણ તેની સાથે જોડાયા હતા. આ રસાલો સાંજ સુધીમાં શૃંગવેપુર આવી પહોંચ્યો. એમણે ગંગા નદીને કિનારે પડાવ નાખ્યો.
દૂરથી અયોધ્યાની ધજાઓ અને ચતુરંગિણી સેનાને જોઈને નિષાદરાજના મનમાં જાતજાતની શંકાઓ ઊઠવા લાગી. તેણે તેના સૈનિકોને સાબદા કરીને કહ્યું, "સાથીઓ ! ભરતને મળીને એના આગમનનો હેતુ જાણી લાવું છું. જો એ રામને મળવાના ઈરાદાથી આવ્યો હશે તો આપણે તેને મદદ કરીશું. પણ જો તેના મનમાં કોઈ પાપ હશે તો હું તમને ઇશારો કરીશ. એટલે તમે એની સેના ઉપર તૂટી પડજો. તેનું પરિણામ તો વિધાતાએ જે ધાર્યું હશે તે જ થશે."
નિષાદરાજ પોતાના ભરતને મળવા ઊપડ્યો. ભરત નિષાદરાજને ભેટી પડ્યો. ભરતની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે વ્યાકુળતાથી નિષાદરાજને રામ, સીતા અને લક્ષ્‍મણના સમાચાર પૂછ્યા. નિષાદરાજ તરત જ ભરતના મનની વાત સમજી ગયો. એણે ભરતને પેલું ઇંગુદીનું વૃક્ષ બતાવ્યું, જ્યાં રામે એક રાત ગાળી હતી. ભરત રડતો રડતો એ વૃક્ષ નીચે બેસી ગયો. એણે રામનાં પગલાંથી પાવન થયેલી ઘરતીને વંદન કરીને ત્યાંની ધૂળને માથે ચડાવી.
નિષાદરાજે ભરત અને એના રસાલાના ભોજન તથા વિશ્રામની ઉત્તમ વ્યવસ્થા કરી. ભરતે તેના માથા પરથી મુગટ દૂર કરીને જટા બાંધી લીધી અને વલ્કલ પહેરી સંન્યાસીનો વેશ ધારણ કર્યો.
બીજા દિવસે સવારે ભરત અને નિષાદરાજ એમના રસાલા સાથે પાંચસો નૌકાઓમાં સવાર થઈને ગંગાના સામે કિનારે પહોંચ્યા.
ભરતને સેના સાથે આવેલો જોઈને ભરદ્વાજ ઋષિના મનમાં પણ સંશય થયો. પરંતુ ભરત એમને મળ્યો પછી એમની શંકા દૂર થઈ. તેમના આશ્રમમાં એક રાત્રિ પસાર કરી, તેમનું માર્ગદર્શન લઈ ભરત અને તેનો રસાલો ચિત્રકૂટ તરફ ચાલી નીકળ્યો.

કુટિરના આંગણામાં બેઠેલા રામ ભરતના રસાલાનો કોલાહલ સાંભળીને સજાગ થઈ ગયા. એમણે લક્ષ્‍મણને એ અવાજની તપાસ કરી આવવા કહ્યું.
લક્ષ્‍મણે વૃક્ષ પર ચડીને અયોધ્યાની ચતુરંગિણી સેના અને ભરતને જોયાં. એણે વૃક્ષ પરથી નીચે ઊતરીને તેનાં ધનુષ્‍યબાણ હાથમાં લેતાં રામને કહ્યું, "વડીલ બંધુ ! ભરત અયોધ્યાની ચતુરંગિણી સેના સાથે આ તરફ આવી રહ્યો છે. મને લાગે છે કે એ આપણને વનમાં પણ શાંતિથી રહેવા દેવા ઇચ્છતો નથી. હું એ પાપીને હણીને કૈકેયી અને મંથરાને યમધામ પહોંચાડી દઈશ ત્યારે મારા જીવને ટાઢક વળશે."
રામે લક્ષ્‍મણને શાં પાડતાં કહ્યું, "ભાઈ લક્ષ્‍મણ ! વીર અને શાણા પુરુષોએ હંમેશાં ધીરજથી વર્તવું જોઈએ. ભરત એક સાધુપુરુષ છે. એ યુદ્ધ કરવા નહીં પણ મને મળવા માટે જ અહીં આવી રહ્યો છે."




૧૫. રામ-ભરતનું મિલન

નિષાદરાજ સાથે ભરતનો રસાલો રામની પર્ણકુટિ પાસે આવી પહોંચ્યો. રામ એક મોટી શિલા પર બેઠેલા હતા. તેમની એક તરફ સીતા અને બીજી તરફ લક્ષ્‍મણ બેઠેલાં હતાં. ભરત દોડતો જઈને રામના ચરણોને વીંટળાઈ વળ્યો. રામ ભરતને ઊઠાડીને એને ભેટી પડ્યા. ભરતે સીતાનાં ચરણોનો સ્પર્શ કરીતાં સીતાએ તેને આશીર્વાદ આપ્‍યા. ત્યાર પછી તે લક્ષ્‍મણને ભેટી પડ્યો. શત્રુધ્ને પણ એ ત્રણેયને પ્રણામ કર્યા.
રામ અને લક્ષ્‍મણ ભરતની સાથે આવેલી માતાઓ તથા નગરવાસીઓને મળ્યા. કૈકેયીને હવે મનોમન પસ્તાવો થઈ રહ્યો હતો. પિતાના મૃત્યુના સમાચાર મળતાં રામને ભારે આઘાત લાગ્યો. એમણે મંદાકિનીના કિનારે જઈ પિતાને અંજલિ આપી.
ઇંગુદીનાં ફૂલોનો અર્ધ્ય આપતાં તે બોલ્યા, "પરમ પૂજનીય પિતાજી ! આપને અર્ધ્ય આપવા અત્યારે મારી પાસે ફક્ત આ ફૂલો છે. મારો અર્ધ્ય સ્વીકારી મને કૃતાર્થ કરજો."
એ રાત્રે ચિત્રકૂટમાં વિશ્રામ કરીને બીજા દિવસની સવારે અયોધ્યાવાસીઓ રામની પાસે આવ્યા. ભરતે માતા કૈકેયીની ભૂલ બદલ રામની માફી માગી અને એમને અયોધ્યામાં પાછા ફરવા આગ્રહ કર્યો. રામે ભરતને કહ્યું, "જે કંઈ બની ગયું છે તેમાં તારો કે માતા કૈકેયીનો કોઈ દોષ નથી. આ બધી વિધિની લીલા છે. પૂજ્ય પિતાજીએ જે વચન પાળવા માટે એમના પ્રિય પુત્રને વનમાં મોકલ્યો અને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી તેનો હું કે તું અનાદર કરી શકીએ નહીં. હું હવે ચૌદ વર્ષ બાદ જ અયોધ્યામાં પાછો ફરીશ. ત્યાં સુધી તારે જ અયોધ્યાનું રાજ્ય સંભાળવાનું છે."
ભરતે રામને કહ્યું, "મેં સંન્યાસ લઈ લીધો છે. પિતાજીના વચનનું પાલન કરવા માટે હું વનમાં રહીશ. આપ અયોધ્યાનું રાજ્ય સંભાળો."

ત્રણેય માતાઓ, ઋષિમુનિઓ, મંત્રીઓ તથા અયોધ્યાના નગરજનોએ રામને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ રામ એમના નિર્ણયમાં અટલ રહ્યા. આખરે ભરતે રામની ચરણપાદુકાઓ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રજૂ કરી. રામે પ્રેમથી પોતાની ચરણપાદુકાઓ કાઢી આપી. પછી એ ચરણપાદુકાને માથે મૂકીને ભરતે રામને કહ્યું, "અયોધ્યાની રાજગાદી પર હું આપની આ ચરણપાદુકાઓની સ્થાપના કરીશ અને ચૌદ વર્ષ સુધી આપના પ્રતિનિધિ તરીકે અયોધ્યાના રાજ્યનો વહીવટ સંભાળીશ."
રામે ભરતને કહ્યું, "તું નીતિપૂર્વક રાજ્ય ચલાવી પ્રજાને સુખી કરજે. ત્રણેય માતાઓની સાથે સમાન વ્યવહાર કરજે. માતા કૈકેયીને દૂભવતો નહીં."
ભરતને ભાવભીની વિદાય આપી રામ, સીતા અને લક્ષ્‍મણ પર્ણકુટિમાં પાછાં ફર્યાં.
અયોધ્યા પહોંચીને ભરતે શ્રીરામની પાદુકાઓને રાજસિંહાસન પર સ્થાપિત કરીને મંત્રીઓને સૂચના આપી, "આજથી અયોધ્યામાં શ્રીરામની પાદુકાઓનું શાસન રહેશે."
ત્યાર બાદ શત્રુધ્નને માતાઓની સંભાળ રાખવાનું કહી ભરત અયોધ્યાની પાસેના નંદિગ્રામમાં પર્ણકુટિ બનાવી એમાં રહેવા ચાલ્યો ગયો. તે સંયમી જીવન અપનાવી રાજ્યના વહીવટ પર દેખરેખ રાખવા લાગ્યો.

બોલો શ્રી રામચંદ્ર કી જય 

No comments:

Post a Comment