Friday, June 25, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૫





૨૧. વાલિનો વધ

રામના પરાક્રમનાં પ્રત્યક્ષ ઉદાહરણો જોયા પછી સુગ્રીવના મનમાંથી વાલિનો ભય સંપૂર્ણપણે દૂર થઈ ગયો. ત્યાર બાદ રામ અને સુગ્રીવ કિષ્કિન્ધા નગરીમાં ગયા. રામ એક વૃક્ષની ઓથે છુપાઈ ગયા. સુગ્રીવે વાલિને યુદ્ધનો પડકાર ફેંક્યો. વાલિ ક્રોધથી ધૂંવાંપૂંવાં થતો મહેલમાંથી બહાર આવ્યો. સુગ્રીવ અને વાલિ વચ્ચે ખૂનખાર ગદાયુદ્ધ થયું.
રામ વાલિનો વધ કરવા માટે ધનુષ્‍ય પર બાણ ચડાવીને ઊભા હતા. પરંતુ સુગ્રીવ અને વાલિ રૂપરંગ તેમજ દેખાવમાં એકસરખા જ લાગતા. આથી એ બંનેમાંથી કોણ વાલિ હશે તે રામ નક્કી કરી શક્યા નહીં. આમ ગૂંચવાડો ઊભો થવાને લીધે રામે બાણ છોડ્યું નહીં.
સુગ્રીવ વાલિની સાથે લડતાં લડતાં થાકી ગયો. સુગ્રીવ વાલિની પક્કડમાંથી છટકીને ઋષ્‍યમૂક પર્વત પર નાસી ગયો. વાલિ તો સુગ્રીવને ફક્ત ડરાવવા જ ઇચ્છતો હતો. આથી તે એના મહેલમાં પાછો જતો રહ્યો.
રામે વાલિનો વધ ન કર્યો. તેથી સુગ્રીવે ગુસ્સે ભરાઈને રામને કહ્યું, "આપ મને મદદ કરવા ઇચ્છતા નહોતા તો આપે મને એવું પહેલેથી જણાવી દેવું હતું. હું તેના હાથમાંથી છૂટીને પાછો આવ્યો તેનું મને ભારે આશ્ચર્ય થાય છે."
રામે સુગ્રીવને જણાવ્યું : "મિત્ર સુગ્રીવ ! ક્રોધ ન કરશો. વચન આપ્‍યા પછી તેને નિભાવવાની અમારા રઘુકુલની રીત છે. પણ તમારા બંનેનાં દેખાવ, વસ્ત્રો, અલંકારો અને શસ્ત્રો એકસરખાં હોવાથી હું એ જ નક્કી કરી શક્યો નહીં કે બેમાંથી વાલિ કોણ હશે. મેં છોડેલું બાણ તમને જ વાગી ગયું હોત તો કેટલો બધો અનર્થ થઈ જાત ?"
એવું કહી રામે સુગ્રીવની પીઠ પર હાથ ફેરવ્યો. રામના સ્પર્શથી સુગ્રીવની વેદના દૂર થઈ ગઈ. એનું શરીર વજ્ર જેવું મજબૂત બની ગયું. ત્યાર પછી રામે પુષ્‍પોની માળા એના ગળામાં પહેરાવીને કહ્યું, "હવે વાલિને હણવામાં મને સહેજ પણ વાર નહીં લાગે."
સુગ્રીવે ફરીથી વાલિના મહેલ આગળ જઈ તેને યુદ્ધ માટે પડકાર્યો.
સાંજનો સમય હોવાથી વાલિ આરામ કરી રહ્યો હતો. સુગ્રીવને ફરીથી લડવા આવેલો જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેમ છતાં વાલિ એની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો.
એની રાણી તારામતીએ તેને રોકવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "નાથ ! તમે ક્રોધનો ત્યાગ કરો. મેં સાંભળ્યું છે કે અયોધ્યાના બે રાજકુમારો રામ અને લક્ષ્‍મણ સુગ્રીવને મળ્યા હતા. એમણે સુગ્રીવ સાથે દોસ્તી બાંધી છે અને તેને મદદ કરવાનું વચન આપ્‍યું છે. સુગ્રીવ તમારો એકનો એક ભાઈ છે. તેની સાથે સમાધાન કરી લો. એમાં જ તમારા બંનેનું હિત સમાયેલું છે."
વાલિએ તારામતીને કહ્યું, "સુગ્રીવ મને યુદ્ધ કરવા માટે પડકારે અને હું શાંતિથી બેસી રહું તો મારી અપકીર્તિ થાય. એવી અપકીર્તિ સહન કરીને જીવવાનો શો અર્થ ?
તું રામનો ભય ન રાખીશ. રામ ધર્માત્મા છે. એ સુગ્રીવને કોઈ પ્રપંચમાં સાથ નહીં આપે. સુગ્રીવ મારો ભાઈ છે. તેથી હું કંઈ એને હણવાનો નથી. મારે તો ફક્ત એને એવો પાઠ ભણાવવો છે કે તે ફરીથી અહીં આવીને મને છેડવાની હિંમત ન કરે. તું મને રોકીશ નહીં. હું સુગ્રીવને હરાવીને તરત પાછો ફરીશ." વાલિ આવેશપૂર્વક સુગ્રીવની સામે ધસી ગયો. સુગ્રીવ વાલિથી ડર્યા વિના અડગ ઊભો હતો.
વાલિએ કૂદકો મારીને સુગ્રીવની ઉપર હુમલો કર્યો. સુગ્રીવે વીરતાથી તેનો સામનો કર્યો. વાલિએ સુગ્રીવને એનો જીવ બચાવી ભાગી જવાનું કહ્યું. સુગ્રીવે વાલિની ચેતવણી પર ધ્યાન ન આપ્‍યું. હવે તેને રામની સહાયતાનો પાકો વિશ્વાસ હોવાથી એણે વાલિ સામે જોરદાર ટક્કર લીધી.
સુગ્રીવ લડતાં લડતાં ઘાયલ થઈ ગયો. એની શક્તિ ક્રમશઃ ક્ષીણ થઈ રહી હતી. રામે સુગ્રીવની સ્થિતિ પારખી અને વાલિનું લક્ષ્‍ય સાધી પૂરી તાકાતથી એક બાણ છોડ્યું. વાલિની છાતી વીંધાઈ ગઈ. તે તોતિંગ વૃક્ષની જેમ ઢળી પડ્યો.
હાથમાં ધનુષ્‍ય લઈને ઊભેલા રામને વાલિએ ઓળખી લીધા. વાલિએ એમના પર રીસ ઠાલવતાં કહ્યું, "હે રામ ! આપ ઉત્તમ કુળમાં જન્મ્યા છો. આપને આમ કાયરની જેમ અધર્મનું આચરણ કરવાનું કેમ સૂઝ્યું ? છતાં આપે વૃક્ષની ઓથે છુપાઈને મને શા માટે બાણ માર્યું ? આપે જે અધમ કૃત્ય આચર્યું છે, તેનો તમે જગતને શો જવાબ આપશો ?"
વાલિના આક્ષેપો સાંભળી રામે કહ્યું, "પિતા જીવિત ન હોય ત્યારે મોટા ભાઈએ નાના ભાઈનું પુત્રની જેમ પાલનપોષણ કરવું જોઈએ. જ્યારે તેં એની પત્ની રુમાને એની પાસેથી છીનવી લઈ એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તારાં કર્મો હિંસક પ્રાણીને છાજે તેવાં છે. પ્રાણીને છુપાઈને હણવામાં કોઈ અધર્મ થતો નથી. સુગ્રીવ મારો મિત્ર છે. મેં તને હણીને મારા મિત્રધર્મનું પાલન કર્યું છે."
રામના વચનોથી વાલિના મનનું સમાધાન થઈ ગયું. વાલિએ પોતાને ઇન્દ્ર પાસેથી ભેટમાં મળેલી દિવ્ય માળા સુગ્રીવને પહેરાવી દીધી. પછી એણે હંમેશને માટે તેની આંખો મીંચી દીધી. સુગ્રીવે વિધિપૂર્વક વાલિની અંતિમક્રિયા કરી.
રામે સુગ્રીવને સૂચના આપી. "વાનરરાજ સુગ્રીવ ! હવે તમે કિષ્કિન્ધામાં પ્રવેશ કરો. હું અને લક્ષ્‍મણ પ્રસ્રવણ પર્વત પર રહીને ચોમાસાના આ ચાર મહિના પસાર કરીશું. ચોમાસું પૂરું થશે પછી આપણે સીતાની શોધ શરૂ કરીશું."
રામ અને લક્ષ્‍મણ ચાતુર્માસ ગાળવા માટે પ્રસ્રવણ પર્વત પર ગયા. ત્યાં એક સરસ ગુફામાં એમણે નિવાસ કર્યો.




૨૨. વાલિનો પ્રમાદ

રામ અને લક્ષ્‍મણ પ્રસ્રવણ પર્વત પર જઈને એક ગુફામાં રહેવા લાગ્યા, ધીમે ધીમે ચોમાસાના દિવસો વીતી રહ્યા હતા.
વાલિની પત્ની તારામતી રૂપરૂપનો અંબાર હતી. સુગ્રીવે રાજા બન્યા પછી તેની સાથે લગ્ન કરી લીધા. હવે એને માટે સુખના દિવસો શરૂ થયા. તે ભોગવિલાસમાં એવો ડૂબી ગયો કે રામને આપેલું વચન પણ તેને યાદ ન રહ્યું.
ચોમાસું પૂરું થઈ જતાં હનુમાને સુગ્રીવને તેના મિત્રધર્મની યાદ અપાવી. સુગ્રીવે નીલને બોલાવીને સીતાને શોધવાની કામગીરી શરૂ કરવાનું કહી દીધું. પછી તે પાછો એના ભોગ-વિલાસમાં ગુલતાન થઈ ગયો.
વર્ષાઋતુ ક્યારની પૂરી થઈ ચૂકી હતી. રામનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એમણે લક્ષ્‍મણને કહ્યું, "લક્ષ્‍મણ ! મને લાગે છે કે સુગ્રીવે રાજમદમાં છકી જઈને મારા કામની ઉપેક્ષા કરી છે. તું હમણાં ને હમણાં સુગ્રીવની પાસે જા. એને કહેજે કે વાલિ જે રસ્તે ગયો છે એ રસ્તો હજુ બંધ થયો નથી. તું તારો ધર્મ ચૂકી જઈશ તો રામ તને પણ એ માર્ગે મોકલી આપશે. માટે જો તારે રામના ક્રોધથી બચવું હોય તો હવે સહેજ પણ વિલંબ કર્યા વિના પ્રસ્રવણ પર્વત પર આવી જા."

રામને વ્યથિત થયેલા જોઈને લક્ષ્‍મણ આવેશમાં આવી ગયો હતો. તે હાથમાં ધનુષ્‍ય-બાણ લઈ કિષ્કિન્ધા નગરી તરફ જવા નીકળ્યો.
લક્ષ્‍મણ ઉશ્કેરાટમાં કોઈ અવિચારી પગલું ન ભરી બેસે એ માટે રામે તેને પાછો બોલાવીને સમજાવ્યો : "તું સુગ્રીવને શાંતિથી એનો દોષ બતાવજે. જે આપણો મિત્ર છે તેથીકોઈ ઉતાવળું પગલું ભરીશ નહીં."
રામે સૂચવ્યું એમ જ વર્તવાની લક્ષ્‍મણે ખાતરી આપી પણ એ પોતાના ક્રોધ ઉપર કાબૂ રાખી શકતો નહોતો. એ કિષ્કિન્ધા નગરીના દરવાજે આવ્યો. અને સીધો
અંતઃપુરની બહાર ઊભા રહી એણે ધનુષ્‍યનો ટંકાર કર્યો. એના ધ્વનિથી આખી નગરી ધ્રુજી ઊઠી. હવે સુગ્રીવ ભયથી થથરી ગયો. લક્ષ્‍મણને સમજાવવા માટે એણે તારામતીને તેની પાસે મોકલી. તારામતીએ લક્ષ્‍મણની માફી માગી અને તેને શાંત કર્યો. ત્યાર પછી એ લક્ષ્‍મણને સુગ્રીવ પાસે લઈ ગઈ. લક્ષ્‍મણનો ક્રોધ ઓછો થઈ ગયો હતો.

સુગ્રીવે તેને કહ્યું, "હે લક્ષ્‍મણ ! હું જાણું છું કે મારા પ્રમાદને લીધે સીતાજીની શોધ શરૂ કરવામાં વિલંબ થયો છે. આપ મારા આ દોષને ઉદારતાથી માફ કરો. હું આ ક્ષણથી જ મારી કામગીરી શરૂ કરી દઉં છું."
સુગ્રીવે રાજ્યના ખૂણે ખૂણેથી વાનરોને બોલાવી લેવા હનુમાનને સૂચના આપી. હનુમાને તરત જ રાજાની આજ્ઞાનો અમલ કર્યો.
સુગ્રીવે લક્ષ્‍મણની સાથે પ્રસ્રવણ પર્વત પર જઈ રામની મુલાકાત કરી અને ક્ષમા માગી.
લક્ષ્‍મણે રામને જણાવ્યું કે સુગ્રીવે સીતાને શોધવાની કામગીરી આરંભી દીધી છે. તેથી રામ પ્રસન્‍ન થઈને સુગ્રીવને ભેટી પડ્યા.





૨૩. વાનરો દક્ષિ‍ણ દિશામાં

રામ અને સુગ્રીવ અરસપરસ વિચારવિમર્શ કરી રહ્યા હતા. એ દરમ્યાન સુગ્રીવે સૈનિકોને એકઠા કરીને તેમને સીતાની શોધ વિશેની કામગીરીની સમજ આપી. એણે સમગ્ર સૈન્યના ચાર ભાગ પાડી દીધા. તેણે એ દરેક ભાગ પર એક-એક નાયકની નિમણૂક કરી.
રામે હનુમાનને બાજુ પર બોલાવી તેમને પોતાની મુદ્રિકા (વીંટી) આપીને કહ્યું, "મારું મન કહે છે કે તમે સીતાને શોધવામાં સફળ થશો. તમે સીતાને આ મુદ્રિકા (વીંટી) બતાવશો એટલે તે સમજી જશે કે મેં જ તમને મોકલ્યા છે. તમે એને મારી વ્યથા વિશે પણ કહેજો."
સુગ્રીવે ચારેય ટુકડીઓને વિદાય આપતાં પહેલાં કહ્યું : "મારા વીરો ! સીતાજીને શોધીને તેમના સમાચાર લઈ આવવા માટે હું તમને એક મહિનાનો સમય આપું છું."
પોતપોતાની ટુકડીઓને લઈને શતબલિ ઉત્તર દિશામાં, વિનત પૂર્વ દિશામાં, સુષેણ પશ્ચિમ દિશામાં અને તાર દ‍ક્ષિ‍ણ દિશામાં ગયા. હનુમાન, અંગદ, જાંબવન, નલ અને નીલ જેવા સુગ્રીવના અંગત સાથીદારો તારની સાથે હતા.
હનુમાન, અંગદ, તાર, નલ, નીલ, જાંબવાન વગેરે વિંધ્યાચલનાં વન, ગુફાઓ અને વિશાળ ભૂવિસ્તાર વટાવીને દક્ષિ‍ણ દિશામાં ખૂબ દૂર નીકળી ગયા.

એક વખત આ દળ તપસ્વિની સ્વયંપ્રભાની ગુફામાં પહોંચી ગયું. સ્વયંપ્રભાએ એમને પોતાના તપોબળ વડે એક સમુદ્રના કિનારે પહોંચાડી દીધા. પોતાના માર્ગમાં અફાટ સમુદ્ર પથરાયેલો જોઈ વાનરો નિરાશ થઈ ગયા. હવે અહીંથી આગળ વધવાનો કોઈ રસ્તો જ નહોતો.
ત્યાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો. એની પાંખો કપાઈ ગઈ હોવાથી એ પોતાની મેળે ક્યાંય જઈ શકતો ન હતો. તેને ઘણા દિવસોના ઉપવાસ થયા હતા. એકસાથે આટલા બધા વાનરોને મરવા માટે ઉત્સુક થયેલા જોઈ તે ભોજન મળવાની આશાથી વાનરોની નજીક જઈને બેસી ગયો.
પોતાની આ સ્થિતિ થઈ તેને માટે વાનરો રામનો વનવાસ, સીતાનું અપહરણ અને જટાયુના મૃત્યુને જવાબદાર ગણાવી કલ્પાંત કરી રહ્યા હતા. વાનરોના મુખે પોતાના ભાઈ જટાયુના
મૃત્યુની વાત સાંભળીને સંપાતિને આશ્ચર્ય થયું. એણે વાનરોને કહ્યું,"ભાઈઓ ! હું જટાયુનો ભાઈ સંપાતિ છું. તમે મહેરબાની કરીને મને જટાયુના મૃત્યુ વિશે વિગતવાર વાત કરો."
અંગદે રામના વનવાસથી શરૂ કરીને અત્યાર સુધીની વિગતો સંપાતિને કહી સંભળાવી. સંપાતિની આંખો આંસુભીની બની ગઈ.
સંપાતિની ર્દષ્ટિ ખૂબ સતેજ હતી. એણે લંકા તરફ નજર કરીને સીતાજીને અશોકવનમાં નજરકેદની સ્થિતિમાં બેઠેલાં જોયાં. પછી તેણે આ બધી માહિતી વાનરોને આપી.
એ જ વખતે સંપાતિને તરત જ એની કપાઈ ગયેલી પાંખો પાછી મળી ગઈ અને તે પાછો શક્તિશાળી બની ગયો.
સંપાતિને એવું વરદાન મળેલું હતું કે જ્યારે તે રામના કામમાં મદદ કરશે ત્યારે તેને તેની પાંખો પાછી મળી જશે અને એની શક્તિ પણ પાછી આવી જશે. સંપાતિને નવું જીવન મળ્યું હોવાથી એ ખુશખુશાલ થઈ ગયો. સંપાતિએ જટાયુનું શ્રાદ્ધ કરી એને અંજલિ આપી.





૨૪. હનુમાનનું પરાક્રમ

વાનરો સંપાતિની સૂચના પ્રમાણે સમુદ્રકિનારે ચાલતાં ચાલતાં દક્ષિ‍ણ દિશામાં ગયા. અહીંથી લંકા સો યોજન દૂર હતી. લંકા પહોંચવા માટે સમુદ્ર ઓળંગવો પડે એમ હતું. વાનરો સો યોજન સુધી વિસ્તરેલો સમુદ્ર જોઈ ભય અને ચિંતાથી ઘેરાઈ ગયા.
અંગદે હનુમાન પાસે જઈ તેને કહ્યું, "હે અંજનીપુત્ર ! તારાં બળ, બુદ્ધિ અને ચતુરાઈ અજોડ છે. તારામાં પણ તારા પિતા વાયુદેવ જેવું જ સામર્થ્ય છે.
તું નાનો હતો ત્યારે તેં સૂર્યને ફળ સમજીને એના તરફ કૂદકો માર્યો હતો. એ વખતે ઇન્દ્રે તારા પર વજ્રનો પ્રહાર કરતાં તારી હનુ(=દાઢી) ખંડિત થઈ ગઈ હતી. એટલે તારું નામ હનુમાન પડ્યું છે. તારા પિતાએ રોષે ભરાઈને પવનની ગતિ રોકી લીધી ત્યારે બ્રહ્મા અને ઇન્દ્રે તને વરદાન આપ્‍યાં હતાં કે તને કોઈ પણ શસ્ત્ર હણી શકશી નહીં અને તું ઇચ્છશે ત્યારે જ તારું મૃત્યુ થશે.
આ સમુદ્ર ઓળંગી જવો એ તો તારા માટે રમતવાત છે. રામનું કાર્ય તું જ કરી શકે છે. હે વાયુપુત્ર ! તું તારી એ અજ્ઞાત શકિતને જાગ્રત કરી અને સમગ્ર વાનરજાતિને જગતમાં યશસ્વી બનાવ." જાંબવાનની પ્રેરણાથી હનુમાનની સુષુપ્‍ત શક્તિઓ જાગ્રત થઈ ગઈ. તે એક ઠેકડો મારીને મહેન્દ્ર પર્વત પર પહોંચી ગયા.
હનુમાને એમની યોગશક્તિ વડે લંકા પર ર્દષ્ટિ સ્થિર કરી. પછી સૂર્ય, ઇન્દ્ર, વાયુ, બ્રહ્મા વગેરે દેવોને પ્રાર્થના કરીને પોતાના જમણા પગને જમીન પર દબાવ્યો.
પછી તેમણે તેમના શરીરના સ્નાયુઓ તાણીને જય શ્રીરામ એવી ગગનભેદી ત્રાડ પાડીને પોતાના શરીરને હવામાં ફંગોળી દીધું. હનુમાન અતિ વેગથી લંકાની દિશામાં ઊડવા લાગ્યા.
થોડે દૂર નાગકન્યા સુરસા વિકરાળ રૂપ ધારણ કરી એમનો માર્ગ રોકીને ઊભી હતી. હનુમાને એને રસ્તામાંથી ખસી જવા વિનંતી કરી પણ તે માની નહીં. હનુમાન એક અંગૂઠા જેટલું કદ ધારણ કરી, તેના મુખમાં પ્રવેશી, તરત જ બહાર નીકળી ગયા. સુરસાએ પોતાનું અસલ નાગકન્યાનું રૂપ પ્રગટ કરી હનુમાનને તેમના કાર્યમાં સફળ થવાના આશીર્વાદ આપ્‍યા.
હનુમાન થોડેક આગળ ગયા ત્યાં સિંહિકા નામની રાક્ષસીએ સમુદ્રના પાણીમાં પડતા તેમના પડછાયાને પકડી લીધો. તેનાથી હનુમાનની ગતિ થંભી ગઈ અને તે સમુદ્ર તરફ ખેંચાવા લાગ્યા. હનુમાને તેનું પેટ ચીરીને તેનો અંત આણ્યો અને આગળની યાત્રા કરી. હનુમાન થોડી વાર પછી લંકાના કિનારે પહોંચી ગયા. હનુમાને કોઈની નજરે ન પડી જવાય એ માટે સામાન્ય વાનરનું રૂપ લીધું. એક પર્વતની ટોચે ઊભા રહી એમણે લંકાની રચનાનો અભ્યાસ કર્યો.
ત્રિકૂટ પર્વત પર વસેલી લંકા નગરીની ફરતે મજબૂત કિલ્લો હતો.
સોનાથી મઢેલા મહેલો, હવેલીઓ અને ઇમારતો સૂર્યના પ્રકાશથી ઝળહળી રહ્યાં હતાં. લંકાનો બુસુમાર વૈભવ, અદ્દભુત શોભા અને સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા જોઈને હનુમાન દંગ થઇ ગયા. એમણે રાતના અંધારામાં લંકામાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.




૨૫. લંકામાં સીતાની શોધ

હનુમાને રાતના સમયે લંકામાં પ્રવેશ કર્યો. હનુમાન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લંકાની નગરરક્ષક દેવી લંકિનીએ એમને જોઈ લીધા. લંકિનીએ એમને અટકાવીને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે ? અહીં કેમ આવ્યો છે ?"
હનુમાને લંકિનીને કહ્યું, "દેવી ! હું આ નગર જોવા માટે અહીં આવ્યો છું. નગરને જોઈ લીધા પછી હું પાછો ચાલ્યો જઈશ."
હનુમાનનો જવાબ સાંભળી તે ગુ્સ્સે થઈ ગઈ. એણે હનુમાન પર તેના હાથનો પ્રહાર કર્યો. હનુમાને એનો પ્રહાર ચૂકાવીને લંકિનીના માથા પર એક એવો મુક્કો લગાવ્યો કે તે ઊંધા માથે જમીન પર ગબડી પડી. હનુમાનના પ્રહારથી તે ખૂબ ભયભીત થઈ ગઈ હતી, છતાં તે ઝડપથી ઊભી થઈ ગઈ. તેને આ ભવિષ્‍યવાણી યાદ આવી ગઈ : "જ્યારે કોઈ વાનર લંકામાં આવીને લંકિનીને મારીને જમીન ઉપર પાડી દેશે ત્યારે લંકાનો વિનાશ થશે."
લંકિનીએ વિચાર કર્યો, "રાવણના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે આ પાપીનો વિનાશ થઈ જાય તેમાં કશું ખોટું નથી."
લંકિની રાવણની દાસી નહોતી. એ તો બ્રહ્માની આજ્ઞાથી નગરની રક્ષા કરી રહી હતી. એણે એક બાજુ ખસી જઈ હનુમાનને આગળ જવા માટે રસ્તો આપ્‍યો.
હનુમાન લંકાના ભવનોની અગાસીઓ પર ઠેકડા મારીને લંકાની એક-એક શેરીમાં ફરી રહ્યા હતા. લંકાના વૈભવ અને સૌંદર્યને જોઈ તે મુગ્ધ થઈ ગયા. હનુમાન લંકાની દરેક ગલી અને દરેક ભવનમાં ઘૂમી વળ્યા. પણ તેમને ક્યાંય સીતાનો પત્તો ન લાગ્યો. છેવટે એ રાવણના મહેલમાં ઘૂસી ગયા. રાવણ એક સુશોભિત પલંગ પર ઊંઘી રહ્યો હતો. એની આસપાસ અનેક સુંદરીઓ નિદ્રાધીન થયેલી હતી.
ત્યાર બાદ હનુમાને રાવણના અંતઃપુરની એકેએક સ્ત્રીનું અવલોકન કર્યું. એમાંની એક પણ સ્ત્રી તેમને સીતાજી જેવી ન લાગી.
હનુમાન અંતઃપુરમાંથી બહાર નીકળીને અશોકવનમાં આવી પહોંચ્યા. પછી તે એક અશોકવૃક્ષની ટોચે ચઢીને સમગ્ર ઉદ્યાનનું નિરીક્ષણ કરવા લાગ્યા. ત્યાં એમને ચિત્ર-વિચિત્ર અને ભયંકર મુખોવાળી રાક્ષસીઓ જોવા મળી. તેમની વચ્ચે એક સ્ત્રી ઉદાસ ચહેરે બેઠેલી હતી. એના મુખ પર સાત્વિક ભાવો હતા અને એની આંખોમાં આંસુ હતાં. હનુમાને એ સ્ત્રીને જોઈને વિચાર કર્યો કે, એ નક્કી સીતાજી જ હોવાં જોઈએ.પછી હનુમાન એમની સાથે વાત કેવી રીતે કરવી એવી મૂંઝવણમાં પડ્યા.

બોલો શ્રી રામચંદ્ર કી જય



No comments:

Post a Comment