Thursday, June 24, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૨





૬. સીતાજીનો સ્વયંવર


રામ અને લક્ષ્‍મણ ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા હતા, તે જ વખતે સીતાજી પોતાની સખીઓ સાથે ફૂલવાડીમાં આવ્યા. એક સખીએ એની પાસે આવીને કહ્યું, "બે સુંદર રાજકુમારો આપણી ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા છે."
બીજી સખીએ કહ્યું, "એ બંને અયોધ્યાના રાજકુમારો હશે. તે મહર્ષિ વિશ્વામિત્રની સાથે આવ્યા છે."
સીતાજી ધીમે પગલે રામ અને લક્ષ્‍મણની પાછળ જઈને તેમને ધારી ધારીને જોવા લાગ્યા. રામ-સીતાજીની નજર એક થઈ ગઈ. તે બંને એકમેકને જોવામાં લીન થઈ ગયાં !
ત્યાર પછી રામ અને લક્ષ્‍મણ ત્યાંથી ચાલ્યા ગયા. સીતાજી પોતાના મહેલમાં પાછાં ફર્યા.
સીતા સ્વયંવર યજ્ઞશાળામાં યોજવામાં આવ્યો હતો. વિશ્વામિત્ર રામ-લક્ષ્‍મણને પોતાની સાથે લઈને યજ્ઞશાળામાં આવ્યા.

સીતાજીનું યજ્ઞશાળામાં આગમન થયું. જનક રાજાની સૂચનાથી તેમના મહામંત્રીએ સભાજનોને ઉદ્દેશીને કહ્યું, "રાજકુમારી સીતાજીના સ્વયંવર પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
અહીં ભગવાન શિવનુ; એક પૌરાણિક ધનુષ્‍ય મૂકવામાં આવ્યું છે.
મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પુરુષ આ સુભાન ધનુષ્‍યને ઊંચકીને તેની પણછ ચડાવી શકશે, એની સાથે રાજકુંવરી સીતાજીનું લગ્ન કરવામાં આવશે."
જનક રાજાની પ્રતિજ્ઞા સાંભળીને એક પછી એક રાજા ઊઠી ઊઠીને ધનુષ્‍ય પાસે જવા લાગ્યા. એ સૌએ ધનુષ્‍યને ઊંચકવા ભારે મહેનત કરી પણ ધનુષ્‍ય પોતાની જગ્યાએથી સહેજ પણ ખસ્યુંયે નહીં. મહારાજ જનક નિરાશ થયા. તેમણે સભાજનોને કહ્યું, "જો મને પહેલેથી જ એ વાતની ખબર હોત કે આ પૃથ્વી પર સુનાભ ધનુષ્‍યને ઊંચકી શકે એવો એક પણ વીર બચ્યો નથી, તો મેં આવી આકરી પ્રતિજ્ઞા જ ન કરી હોત !"
જનક રાજાની આવી વાણી સાંભળી લક્ષ્‍મણ ઉશ્કેરાઈ ગયો. એણે રામને કહ્યું, "મોટા ભાઈ, આપની હાજરીમાં જનક રાજાએ આ પ્રમાણે બોલવાની હિંમત કેવી રીતે કરી ? "
રામ લક્ષ્‍મણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એવામાં મહર્ષિ‍ વિશ્વામિત્રે રામને સુનાભ ધનુષ્‍યને ઊંચકવાનો સંકેત કર્યો.

વિશ્વામિત્રનો સંકેત મળતાં રામ ઊભા થઈને ધનુષ્‍યની પાસે ગયા. એ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકોની ર્દષ્ટિ રામની હિલચાલ પર સ્થિર થઈ ગઈ હતી. રામે સરળતાથી એ ધનુષ્‍ય હાથમાં ઉઠાવી લીધું. તેમણે એની પણછ ચડાવીને ધનુષ્‍ય-ટંકાર કરવા માટે પણછ ખેંચી કે તરત જ ધનુષ્‍ય વચ્ચેથી તૂટી ગયું. વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો અને એ અવાજથી ધરતી ધ્રૂજી ઊઠી. તમામ લોકો ધનુષ્‍ય તૂટવાનો પ્રચંડ અવાજ સાંભળીને ડરી ગયા.
સીતાજીએ રામની પાસે જઈને તેમના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
રામનું પરાક્રમ જોઈ જનક રાજા આનંદવિભોર થઈ ગયા. જનક રાજાએ વિશ્વામિત્રને કહ્યું, "મુનિવર ! આજે આપની કૃપાથી મને મારી પુત્રી માટે યોગ્ય વર મળી ગયો છે. હવે આપ મને આજ્ઞા આપો તો હું મહારાજ દશરથને અહીં પધારવાનો સંદેશો મોકલી આપું."
વિશ્વામિત્ર હસતાં હસતાં બોલ્યા, "હવે મને પૂછવાની જરૂર જ ક્યાં છે ? શુભસ્ય શીઘ્રમ્."








૭. રાજકુમારોનાં લગ્ન


રાજા જનકના મંત્રીઓ અયોધ્યા પહોંચ્યા. દશરથ એમની પાસેથી રામ-લક્ષ્‍મણના સમાચાર જાણીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. રામે શિવધનુષ્‍ય તોડી નાખ્યું છે એવું જાણીને એમના હર્ષનો પાર ન રહ્યો. એમણે જાન લઈને તરત જ મિથિલા જવાની તૈયારી કરી.
દશરથ રાજા વસિષ્‍ઠ, વામદેવ, જાબાલિ, કશ્યપ, માર્કણ્ડેય, કાત્યાયન વગેરે ઋષિઓ, મંત્રીઓ તથા રાજપરિવાર સહિત અયોધ્યાથી રવાના થઈ મિથિલામાં આવી પહોંચ્યા. નગરના દ્વારે જનક રાજાએ જાનનું ભવ્ય સામૈયું કર્યું. મહર્ષિ‍ વિશ્વામિત્ર રામ-લક્ષ્‍મણને લઈ દશરથને મળવા ગયા. રામ-લક્ષ્‍મણે એમના પિતાને પ્રણામ કર્યા. દશરથે મહર્ષિ‍ વિશ્વામિત્રને પ્રણામ કરીને કહ્યું, "હે ઋષિવર ! આપની કૃપાથી જ મને આવો અવસર જોવાનું સદ્દભાગ્ય મળ્યું છે."
દશરથ રાજાની સંમતિ મેળવીને જનક રાજાએ સાંકાશ્યા નગરીમાંથી એમના ભાઈ કુશધ્વજને મિથિલામાં બોલાવી લીધો. તેને માંડવી અને શ્રુત‍કીર્તિ એમ બે કન્યાઓ હતી.
રામને સીતાની સાથે, લક્ષ્‍મણને જનકની બીજી પુત્રી ઊર્મિલાની સાથે તથા ભરતને માંડવી સાથે અને શત્રુધ્નને શ્રુતકીર્તિની સાથે પરણાવવામાં આવ્યા.
મહર્ષિ‍ વિશ્વામિત્ર દશરથ રાજાને અભિનંદન આપીને એમના આશ્રમમાં ચાલ્યા ગયા. થોડા દિવસો સુધી જનક રાજાની મહેમાનગતિ માણ્યા પછી દશરથ રાજા જાન સાથે અયોધ્યા જવા રવાના થયા.
તેઓ મિથિલાથી થોડેક દૂર પહોંચ્યા ત્યાં ક્રોધથી ધ્રુજતા પરશુરામ એમના હાથમાં પરશુ અને ધનુષ્‍યબાણ લઈને ત્યાં આવી પહોંચ્યા. પરશુરામે અહંકારપૂર્વક રામને કહ્યું, "મેં સાંભળ્યું છે કે તું બહુ પરાક્રમી છે. તેં શિવધનુષ્‍ય તોડી નાખ્યું એની મને ખબર મળી છે. એ ધનુષ્‍ય ખૂબ જૂનું થઈ ગયેલું હોવાથી તૂટી ગયું હશે. હું મારી સાથે વિષ્‍ણુનું એક ધનુષ્‍ય લાવ્યો છું. તું મને એની પણછ ચડાવી બતાવ અને પછી મારી સાથે દ્વંદ્વયુદ્ધ કર."


દશરથ રાજાએ પરશુરામને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પરશુરામે એ તરફ ધ્યાન જ ન આપ્‍યું. રામ પોતાના પિતાની મર્યાદા રાખી રહ્યા હતા. એમણે પરશુરામને કહ્યું, "આપની વીરતા વિશે મેં ઘણી વાતો સાંભળી છે. હું આપનું માન જાળવવા માટે શાંત રહ્યો છું. પણ આપ મને નિર્બળ સમજીને મારો તિરસ્કાર કરી રહ્યા છો ! તેથી મારે આપની સમક્ષ મારાં તેજ અને પરાક્રમ પ્રગટ કરવાં જ પડશે."
એવું કહીને રામે ભગવાન વિષ્‍ણુનું ધનુષ્‍ય પરશુરામની પાસેથી પોતાના હાથમાં લીધું. એની પણછ ચડાવીને તેના પર એક બાણ મૂકી રામે કહ્યું, "આપ પૂજનીય હોવાથી હું આ બાણ આપની ઉપર ચલાવી શકું નહીં. પરંતુ આ ભગવાન વિષ્‍ણુનું બાણ છે. એ વ્યર્થ જઈ શકતું નથી. તેથી હું આ બાણ વડે આપનાં તપોબળ અને અવકાશમાં ગતિ કરવાની આપની મનસ્ શક્તિનો નાશ કરીશ."
રામનું આવું સામર્થ્ય જોઈને પરશુરામ દંગ થઈ ગયા હતા. હવે એમને રામનો ભય લાગ્યો. એમણે રામની સ્તુતિ કરીને તેમને વિનંતી કરી, "આપ મારા તપોબળને ભલે નષ્‍ટ કરી દો. પણ મારી મનસ્ શક્તિનો નાશ ન કરશો. હજુ મહેન્દ્ર પર્વત પર પાછા જવા માટે મારે તેની જરૂર છે."
રામે એ બાણ વડે પરશુરામના તપોબળનો નાશ કર્યો. પરશુરામ નિસ્તેજ થઈ ગયા. તે રામની પ્રશંસા કરીને તરત જ મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા.


જાનનું અયોધ્યામાં આગમન થતાં ઘેર ઘેર આનંદોત્સવ મનાવવામાં આવ્યો. રાણીઓએ તેમના પુત્રો અને પુત્રવધૂઓની આરતી ઉતારી.
રાજકુમારો ગુણવાન અને સુંદર પત્‍નીઓ પામીને પ્રસન્ન થયા હતા. દશરથ રાજા અને તેમની રાણીઓ કુળવાન અને સંસ્કારી પુત્રવધૂઓ મળવાથી ખુશ થયાં હતાં. ચારેય કન્યાઓના પગલે રાજપરિવારમાં દિનપ્રતિદિન સુખ અને સમૃદ્ધિ વધવા લાગ્યાં.
ભરતના મામા યુધાજિત ભરતને લેવા માટે અયોધ્યા આવ્યા હતા. એ સમયે રાજપરિવાર જાન લઈને મિથિલા ગયેલો. યુધાજિત પણ મિથિલામાં જઈ પહોંચ્યા. ત્યાંથી એ જાનની સાથે અયોધ્યામાં પાછા ફર્યા. થોડા દિવસો પછી દશરથ રાજાએ ભરત અને શત્રુધ્નને યુધાજિત સાથે મોસાળ જવાની સંમતિ આપી. એટલે યુધાજિત તેમને સાથે લઈને કેકય દેશ ચાલ્યા ગયા. લાંબા સમય પછી ભરતને મોસાળમાં આવેલો જોઈને તેના નાનાજી અશ્વપતિ ખુશખુશાલ થઈ ગયા






૮. રામના રાજ્યાભિષેકની તૈયારી


મોસાળમાં ભરત અન શત્રુધ્ને મોજ-મસ્તીમાં ઘણા દિવસો પસાર કર્યા. ભરત જ્યારે જ્યારે અયોધ્યા જવાની વાત કરતો ત્યારે એના નાનાજી એને આગ્રહ કરીને રોકી લેતા હતા. આમ મોસાળમાં એનું રોકાણ લંબાતું ગયું.
અયોધ્યામાં રામ અને લક્ષ્‍મણ બે જ ભાઈઓ રહ્યા હતા. રામ પોતાના પિતાને રાજકાજમાં મદદરૂપ થતા હતા. તે નમ્ર, વિદ્વાન, શૂરવીર અને પરાક્રમી હતા. તેની અયોધ્યાની પ્રજા રામને ખૂબ ચાહતી હતી. રામની કામગીરીથી દશરથ રાજા પણ સંતુષ્‍ટ હતા. રાજા દશરથ હવે વૃદ્ધ થયા હતા. તેથી એમણે અયોધ્યાના યુવરાજ તરીકે રામનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો.
રાજાએ મંત્રીઓ સાથે મસલત કરીને એમના મિત્ર રાજાઓને યુવરાજના રાજ્યાભિષેક અંગેનાં નિમંત્રણ મોકલી દીધાં. એમનાથી ઉતાવળમાં કેકયનરેશને તથા મિથિલાનરેશને આમંત્રણ મોકલવાનું સાવ ભુલાઈ ગયું.
નિયત સમયે દેશવિદેશના રાજાઓ અને અયોધ્યાના આગેવાનો સભાભવનમાં એકઠા થયા. રાજા દશરથે સભાજનો સમક્ષ રામને યુવરાજપદે આરૂઢ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સભાજનોએ રાજાના આ પ્રસ્તાવને વધાવી લીધો. પછી રાજાએ જાહેરાત કરી : "આવતી કાલે જ રામના રાજ્યાભિષેકનો સમારંભ યોજવામાં આવશે. આપ સૌ એમાં હાજરી આપશો એવી મારી અપેક્ષા છે."

ત્યાર બાદ દશરથ રાજાની સૂચના મળતાં મંત્રી સુમંત્ર રામને સભાભવનમાં બોલાવી લાવ્યા. દશરથ રાજાએ રામને કહ્યું, "તમને અયોધ્યાની પ્રજાએ યુવરાજ તરીકે પસંદ કર્યા છે. તમે તમારા રાજ્યધર્મનું યોગ્ય રીતે પાલન કરી આપણી કુલપરંપરાનું જતન કરશો."
સભા પૂરી થયા પછી દશરથ રાજા પોતાના મહેલમાં ગયા. એમણે રામને એકાંતમાં બોલાવીને કહ્યું, "બેટા ! હું હવે વૃદ્ધ થઈ ગયો છું. હવે કોઈ પણ ક્ષણે મારી આંખો મિચાઈ શકે છે. ભરત અત્યારે અયોધ્યામાં નથી. મને ભવિષ્‍યની ચિંતા સતાવી રહી છે. આવતી કાલે ગુરુપુષ્‍ય યોગના શુભ મુહૂર્તમાં યુવરાજપદે તારો રાજ્યાભિષેક થશે. તું તો જાણે છે કે શુભ કાર્યમાં સો વિધ્નો આવે છે."
રામે તેમના પિતાની બધી વાતોને ધ્યાનથી સાંભળી. ત્યાર પછી એ માતા કૌશલ્યાની પાસે ગયા. તેમણે માતાને પોતાના રાજ્યાભિષેકની વાત કરી. માતાને આ સમાચાર સાંભળી અત્યંત આનંદ થયો. ત્યાર પછી રામે લક્ષ્‍મણ અને સીતાને પણ આનંદના આ સમાચાર આપ્‍યા. ધીમે ધીમે આખા નગરમાં રામના રાજ્યાભિષેકના સમાચાર પ્રસરી ગયા. સૌ નગરજનો આનંદના સાગરમાં ડૂબી ગયા.
એક તરફ રામના રાજ્યાભિષેકની જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી તો બીજી તરફ કાળની કોઈ ક્રૂર રમત ચાલી રહી હતી.










૯. કૈકેયીના વરદાન


રાણી કૈકેયીને મંથરા નામની એક દાસી હતી. કૈકેયીની ઘણી માનીતી હતી. રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને એ કૈકેયીના મહેલમાં દોડી જઈને તેને કહેવા લાગી, "મહારાણી ! આવતી કાલે રામનો યુવરાજ તરીકે અભિષેક કરવાના છે."
કૈકેયીએ કહ્યું, "અરે મંથરા, એ તો ખૂબ આનંદની વાત છે. "
મંથરા બોલી, "રાણીબા, રામ રાજા થશે પછી શું તે તમારા પુત્ર ભરતને શાંતિથી જીવવા દેશે ? રામ રાજા બનતાં કૌશલ્યા રાજમાતા થશે. તમે અને ભરત તો તેમનાં દાસ બની રહેશો "
કૈકેયીને ચિંતા થઈ. મંથરાએ કહ્યું, " ઇન્દ્ર અને શંબરાસુરના યુદ્ધ વખતે રાજાના પ્રાણ બચાવ્યા હતા. રાજાએ તમારા પર ખુશ થઈને તમને બે વરદાન માગવાનું કહ્યું હતું. તમે એમની પાસે તમારાં બે વરદાનની માગણી કરજો. એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક અને બીજા વરદાનમાં રામને માટે ચૌદ વર્ષનો વનવાસ માગી લેજો. "


કૈકેયી મંથરાની સલાહ મુજબ રિસાઇને કોપભવનમાં બેસી ગયા. દશરથ રાજા તરત એને મનાવવા એના મહેલમાં દોડી આવ્યા. એમણે કૈકેયીને કહ્યું, "હે રાણી ! તમે રીસ છોડી દો. તમે જેમ કહેશો તેમ જ કરવામાં આવશે."
રાજાએ રામના સોગંદ લઈ વચન આપ્‍યું તેથી કૈકેયીએ તરત જ એમને પોતાનાં બે વરદાનની વાત કરી. રામના વનવાસની વાત સાંભળતાં જ રાજા પર જાણે કે વજ્રપાત થયો ! થોડી વાર સુધી તો રાજા કંઈ બોલી જ શક્યા નહીં. પછી એમણે કૈકેયીને સમજાવી, "તમે કહો છો માટે ભરતનો રાજ્યાભિષેક કરવા તૈયાર છું. પણ તમે રામને વનમાં મોકલવાની વાત છોડી દો એને વગર વાંકે આવી કઠોર શિક્ષા ન કરો. રામ વિના તો હું એક ક્ષણ માટે પણ જીવી શકીશ નહીં."
કૈકેયી ના પર દશરથની વિનંતીની કશી અસર થઈ નહીં. એણે રાજાને કડવાશથી કહ્યું, "વચન આપીને ફરી જવું એ રઘુકુલના રાજાને શોભતું નથી. સત્યથી વિમુખ થઈ આપ જગતને શું મોં બતાવશો ? આપ આ પાપનો ભાર ઉપાડી જીવી શકશો ?"


અમંગળ ભાવિની આશંકાઓથી રાજા આઘાત પામ્યા અને તરત જ બેભાન થઈને ઢળી પડ્યા. રાજાને મળવા માટે મંત્રી સુમંત્ર કૈકેયીના મહેલમાં આવ્યા. રાજાની અસહાય સ્થિતિ જોઈને કૈકેયીને એ બાબતની પૂછપરછ કરી. કૈકેયીએ સુમંત્રને કહ્યું, "મને કંઈ ખબર નથી પણ તમે રામને અહીં બોલાવો. રાજા એમના એ પ્રિય પુત્રને પોતાના મનની વાત કહેશે."
સુમંત્ર રામને બોલાવવા માટે ગયા. રામ અને લક્ષ્‍મણ દશરથની પાસે દોડી આવ્યા. દશરથે રામને કંઈક કહેવા પ્રયત્ન કર્યો પણ એ કશું બોલી શક્યા નહીં. એ પાછા બેભાન થઈ ગયા. એટલે કૈકેયીએ રામને પોતાના બે વરદાનની વાત કરી. રામ તરત આખી વાત સમજી ગયા. તેમણે કૈકેયીને કહ્યું, "મારા પિતાનું વચન પાળવા માટે હું હમણાં જ વનમાં જઈ રહ્યો છું. તમે ભરતને બોલાવી ખુશીથી તેનો રાજ્યાભિષેક કરાવો."
રામે માતા કૌશલ્યા પાસે જઈ કૈકેયીના મહેલમાં બનેલી બધી વાત કરી. કૌશલ્યાને ભારે આઘાત લાગ્યો. કૌશલ્યા માતાને દુઃખથી વ્યાકુળ થયેલાં જોઈ લક્ષ્‍મણ ગુસ્સે થઈ ગયો. રામે તેને શાંત પાડીને કહ્યું, "વિધિના લેખ મિથ્યા ન થાય. આ પણ વિધિની કરામત છે. તું મારે વનમાં જવાની વ્યવસ્થા કર."








૧૦. રામ વનવાસમાં


રામે માતા કૌશલ્યાનો ચરણસ્પર્શ કરીને વનમાં જવાની આજ્ઞા માગી. કૌશલ્યાએ દુઃખી હ્રદયે કહ્યું, "હું તને વનમાં જવાની આજ્ઞા આપીશ નહીં. તારા પિતાની આજ્ઞા અન્યાયી છે. તું આવી આજ્ઞાનું પાલન કરવા માટે બંધાયેલો નથી.."
રામે માતાને કહ્યું, "માતા ! તમારી લાગણી હું સમજી શકું છું. મારા માટે પિતાની આજ્ઞાથી વધુ મહત્વનું કંઈ જ નથી. તેથી વનમાં જવાનો મારો નિર્ણય અફર છે."
રામનો ર્દઢ નિશ્ચય જોઈને કૌશલ્યાએ રામને આશીર્વાદ આપ્‍યા. સીતાએ પણ રામની સાથે વનમાં જવાની જીદ કરી.
રામે સીતાને વારવા પ્રયત્ન કર્યો; છતાં પણ સીતાએ તેની જીદ છોડી નહીં. રામે ન છૂટકે સીતાને પોતાની સાથે આવવાની સંમતિ આપી.
લક્ષ્‍મણે પણ પોતાને વનમાં સાથે લઈ જવા વિનંતી કરી.
રામ લક્ષ્‍મણ વગર અને લક્ષ્‍મણ રામ વગર રહી શકે એ વાત જ અશક્ય હતી. આથી રામે લક્ષ્‍મણને પણ આવવાની સંમતિ આપી દીધી.લક્ષ્‍મણ સુમિત્રા તથા ઊર્મિલાની રજા મેળવીને પાછો આવ્યો.

કૈકેયીના મહેલમાં રામ-સીતા અને લક્ષ્‍મણે દશરથ પાસે આવી, વનમાં જવાની રજા માગી.
દશરથે રામને કહ્યું, "બેટા તું અયોધ્યાનું રાજ્ય સંભાળી લે. નહીં તો ભારે અનર્થ થઈ જશે." રામે એમને નમ્રતાપૂર્વક જવાબ આપ્‍યો, "પિતાજી ! રઘુકુલની એવી રીત છે કે આપણે પ્રાણને ભોગે પણ વચનપાલન કરવું જોઈએ. આપ અમને વનમાં જવાની ખુશીથી રજા આપો."
માતાઓ અને વડીલોની વિદાય લઈ, રામ કૈકેયીનો મહેલ છોડી ચાલી નીકળ્યા.મંત્રી સુમંત્ર એક રથ લઈને નગરના દ્વારે ઊભા હતા. રામ, લક્ષ્‍મણ અને સીતા એ રથમાં બેસી ગયાં. રામની સૂચના મળતાં સુમંત્રે રથ ચલાવ્યો. સૈનિકો, સેવકો અને અયોધ્યાની પ્રજા રથની પાછળ દોડવા લાગ્યાં. તેમની આંખોમાં આંસુ હતાં.
નગરવાસીઓ રામના રથની પાછળ પાછળ દોડી રહ્યા હતાં. રામે નગરજનોને પાછા વળી જવા ખૂબ સમજાવ્યા. છતાં એ પાછા વળ્યા નહીં. એટલે રામ-સીમા અને લક્ષ્‍મણ રથમાંથી નીચે ઊતરીને તેમની સાથે ચાલવા લાગ્યા.

આમ ચાલતાં ચાલતાં એ સૌ તમસા નદીને કિનારે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રામ અને સીતા ઘાસની પથારી બનાવીને તેની ઉપર આરામ કરવા લાગ્યાં. સુમંત્ર અને લક્ષ્‍મણે એમનાથી થોડે દૂર જાગતાં બેસી રહી રાત પસાર કરી.
નગરજનો થાકને લીધે થોડી વારમાં જ ઊંઘી ગયા. રાતનો છેલ્લો પ્રહર બાકી રહ્યો ત્યારે રામ ઊભા થયા. એમણે સુમંત્રને કહ્યું, "તાત સુમંત્ર ! તમે ઝડપથી રથ તૈયાર કરો. હું આ લોકોનું દુઃખ જોઈ શકતો નથી. એ લોકો જાગે તે પહેલાં આપણે અહીંથી દૂર નીકળી જઈએ."
સુમંત્રે તરત જ રથ તૈયાર કરી લીધો. રામ, સીતા અને લક્ષ્‍મણ રથમાં સવાર થઈ ગયાં. એમનો રથ તમસા નદીનો કિનારો છોડીને તપોવનના રસ્તે આગળ વધ્યો.
બોલો શ્રી રામચંદ્ર કી જય 

No comments:

Post a Comment