Saturday, February 6, 2010

વિઘ્નહર્તા ગણેશની ઉપાસના અને મંત્ર યંત્ર

ભારતીય સંસ્કૃતિમાં ગણેશ (ગણપતિ) આદ્યદેવ તરીકે પૂજાય છે. ભગવાન શંકર તેમના પિતા અને પાર્વતીજી તેમનાં માતા છે. દેવોના સ્કંદ કાર્તિકેય તેમના ભાઈ છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને લક્ષ-લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યારંભે થાય છે. તે વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી આરાધક અને મનોકામના પરિપૂર્ણ કરે છે.

ચાર વેદોમાં અને અઢારો પુરાણોમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે જ ગણપતિ પૂજાનો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનું પ્રતિબિંબ પડયું. ભિન્ન ભિન્ન સ્વરૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમસ્ત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગામેગામ અને નગરે નગર, શહેરની ગલી, ગલી, સોસાયટી, અરણ્યો સરિતા અને સમુદ્ર તટો પર ગણપતિની મૂર્તિ પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે.

ગણેશપૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે. ગણપતિ વ્રત કરવાવાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે જે ચોથ ત્રીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી. આ દિવસે વિધિવત્ ગણપતિનું પૂજન કરવું. તેમના નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો તેમ જ દુર્વાથી ગણપતિનું પૂજન કરવું.

સિદ્ધિવિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતાં, દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ, ગંગાવતરણ વખતે ભગીરથે, રુક્મિણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સામ્બે તેમ જ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદવ્યાસે ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી.

ગણપતિની સુવર્ણની, ચાંદીની, તાંબાની, પંચધાતુ કે માટીની મૂર્તિ, આરસપહાણના પથ્થરની, સ્ફટિક, લાલ પથ્થર, વ્હાઈટ પથ્થરની મૂર્તિ વગેરે મૂર્તિની પૂજા થાય છે. ભાગ્યયોગે સફેદ આકડાના ગણપતિ મળી જાય તો તેનું પૂજન અતિ સિદ્ધપ્રદ મનાય છે.

ગણેશજીને નૈવેદ્યમાં ૮, ૧૮, ૨૮, ૧૦૦૮ કે ફક્ત ૫ (પાંચ) લાડુ તલમિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિ વિશે ઋષિમુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને આરાધનાના વિવિધ વિધિઓ દર્શાવ્યા છે તેમાં મુખ્યત્વે શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત્ નામ, સંકટનાશનમ્ ગણેશ સ્તોત્ર,  ગણેશ  સહસ્ત્ર નામ વગેરે આદિ સ્તોત્ર છે.

ગણપતિ યંત્ર  વિધિ વિધાન:

કોઈ પણ માસની ચોથ અથવા ગણેશચોથના દિવસે યંત્ર સાધનાનો પ્રારંભ કરવો જોઈએ.

સર્વ પ્રથમ (એકાંત સ્થળ) પૂજા સ્થળને શુદ્ધ જળથી કે ગાયના છાણથી લીંપીને પવિત્ર કરવું. બાજઠ પર લાલ રેશમી કાપડ પાથરવું. તેના પર ગણપતિની મૂર્તિ અથવા ફોટો મૂકવો. પછી યંત્રની સ્થાપના કરવી. યંત્ર લાલ ચંદનથી અનારની કલમ બનાવીને ભોજપત્ર પર યંત્રલેખન કરવું. યંત્ર સ્થાપન કર્યા પછી તેની સામે પૂર્વ તરફ મુખ રહે તે પ્રમાણે બેસવું. સાધકે લાલ વસ્ત્ર પહેરવું. આસન પણ લાલ રેશમી કાપડનું બનાવવું. પછી નીચે જણાવેલ શ્લોક બોલવો. બંને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં રહીને ધ્યાન ધરવું.

મંત્ર :

ચતુર્ભુજં રક્તતનું ત્રિનેત્રં
પાશાંકુશૌ મોદકપાત્રદંતૌ
કરૈર્દધાનં સરસીરુ હસ્થં
ગણાધિનાથં શશિચૂંડમીડે ।

હવે યંત્રને પંચામૃત અથવા ગંગાજળથી શુદ્ધ કરવા (છાંટા નાખવા). પછી દુર્વા, લાલ ચંદન, લાલ પુષ્પ, લાલ ચોખા ચડાવવા. દરેક વસ્તુ ચડાવતાં ‘શ્રી ગણેશાય નમ:’ બોલવું. ધૂપ-દીપ કરવા. ત્યાર બાદ મોદકનું નૈવેદ્ય મૂકવું (મોદક (લાડુ) સિવાય લાલ અથવા પીળા રંગની મીઠાઈને મૂકી શકાય). નૈવેદ્ય અર્પણ કર્યા બાદ એક ઘીનો દીવો પ્રગટાવવો અને તે કળશ પર મૂકવો. પછી પ્રણામ કરીને નીચે આપેલ કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. જપ માટે લાલ ચંદનની માળા લેવી. ચંદનની માળા ન હોય તો રુદ્રાક્ષની માળાથી જાપ થઈ શકશે. કળશ પર રાખેલ ઘીનો દીવો મંત્રજાપ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ. મંત્રજાપ વખતે સાધકે મનને શાંત રાખવું. આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોવું જોઈએ. જપકાર્ય વખતે કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં (મંત્રજાપ મટે પાંચ માળા કરવી).

નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો.

(૧) ગં ।

(૨) ગ્લં ।

(૩) ગ્લૌં ।

(૪) શ્રી ગણેશાય નમ: ।

(૫) ઓમ વરદાય નમ: ।

(૬) ઓમ સુમંગલાય નમ: ।

(૭) ઓમ ચિંતામણયે નમ: ।

(૮) ઓમ વક્રતુંડાય હુમ્ ।

(૯) ઓમ નમો ભગવતે ગજાનનાય ।

(૧૧) ઓમ ગં ગણપતયે નમ: ।

(૧૨) ઓમઓમ શ્રી ગણેશાય નમ: ।

દરરોજ એક માળાનો મંત્રજાપ અવશ્ય કરવો. આ સાધનામાં સાધકનું કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. તેની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે તેમ જ તમામ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધના પૂર્ણ થયા બાદ યંત્રને મકાન, દુકાન, વ્યાપાર વ્યવસાયના સ્થળે મૂકી શકાય (યંત્રને ચાંદીના તાવીજમાં મૂકી પોતાની પાસે રાખી શકાય). દરરોજ મંત્રજાપ અને પૂજા અવશ્ય કરવી જોઈએ.

No comments:

Post a Comment