Thursday, December 22, 2011

અખાત્રીજ,


લક્ષ્મીજીની ચંચળતાને સ્થિર અને શાંત કરવાનો ઉત્સવ એટલે અખાત્રીજ. વિષ્ણુ ભગવાનના અવતરણનો આ દિવસ છે અને પ્રખર પુરુષ પરશુરામની જયંતી પણ આ દિવસે જ આવે છે.

હિંદુ શાસ્ત્ર અને મુહૂર્ત અનુસાર અખાત્રીજ અર્થાત્ અક્ષયતૃતીયાને વર્ષનાં શ્રેષ્ઠ વણજોયાં મુહૂર્તમાં ગણવામાં આવે છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે દિવાળી ટાણે સાધના પૂજા કરવામાં આવે છે, કારણ કે દિવાળી પર્વ લક્ષ્મીનું ઉત્પત્તિ પર્વ ગણાય, પરંતુ અખાત્રીજ એ લક્ષ્મીને સદાકાળ માટે સ્થિર કરવાનું પર્વ ગણાય છે. લક્ષ્મીજીની ચંચળતાને સ્થિર અને શાંત કરવાનો ઉત્સવ એટલે અખાત્રીજ. વૈશાખના ભર ઉનાળે જયારે પ્રકૃતિ શાંત હોય અને માત્ર વૈશાખનંદનોનો (ગદર્ભ) ઉપદ્રવ હોય તેવા કંટાળાજનક સમયમાં માનવીનાં મન અને તનમાં પ્રાણ પૂરવા આવે છે, અખાત્રીજ.

અખાત્રીજ, આ પર્વને અક્ષયતૃતીયા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અક્ષય એટલે કે જેનો ક્ષય થતો નથી. જેનો ક્ષય થાય નહીં તે હંમેશાં તરોતાજા, નિત-નવીન અને યૌવનભર્યું લાગે. અખાત્રીજ વિષ્ણુ ભગવાનના અવતરણનો પણ દિવસ છે અને પ્રખર પુરુષ પરશુરામની જયંતી પણ આ દિવસે જ આવે છે.

પુરાણોમાં વર્ણવ્યું છે કે અક્ષયતૃતીયાએ જે સાધના કરવામાં આવે તે અક્ષય-અખંડ રહે છે. અખાત્રીજના દિવસે કરેલાં પૂજા-અનુષ્ઠાન-હોમ-હવન-જપ-દાનનું ફળ આપોઆપ વિસ્તૃત થાય છે. દેવોના દેવ મહાદેવ અને ગોરખનાથજીએ કહ્યું છે કે, ભલે સાધક નવો હોય, ઉચ્ચારણનો અનુભવ ના હોય પરંતુ અખાત્રીજે કરેલી પૂજાનું ફળ અવશ્ય મળે છે.

અન્ય એક વિધાન ટાંકતા તેઓ જણાવે છે કે જેના નસીબમાં દરિદ્રતા અને દુર્ભાગ્ય લખેલાં હોય તે માનવી જ અખાત્રીજની પૂજાવિધિને ભૂલી જાય છે. આથી જ અખાત્રીજના મુહૂર્તનો ઉપયોગ કરી નીચે જણાવેલો પ્રયોગ કરી દુ:ખ, દરિદ્રતા દૂર કરી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકાય છે.

સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રો અને તંત્ર વિજ્ઞાનમાં એકાક્ષી નારિયેળનું એક આગવું અને વિશેષ મહત્વ છે. એકાક્ષી નારિયેળને લક્ષ્મીનું સાક્ષાત્ સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળ પ્રકતિનું આશ્ચર્યજનક વરદાન ગણાય છે. સામાન્ય નારિયેળ પર જટા હોય છે. આ જટાને દૂર કરવાથી એક ગોળાકાર આકૃતિ દેખાય છે. આ ગોળાકાર પાસે બે બિન્દુ આંખ જેવા આકારનાં દેખાય છે. સામાન્ય રીતે દરેક નારિયેળ બે આંખનાં હોય છે પરંતુ ક્યારેક એકાદ નારિયેળમાં આવું એક જ બિન્દુ અર્થાત્ એક જ આંખ હોય છે જેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. આવા નારિયેળ સાચા અર્થમાં ભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એકાક્ષી નારિયેળ અતિ દુર્લભ અને સાક્ષાત્ મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આવકની વૃદ્ધિ, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે આવા એકાક્ષી નારિયેળને ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ પર લાલ કપડું પાથરી પાંચ અનાજની બરોબર વચ્ચે સ્થાપના કરવી. એકાક્ષી નારિયેળની સ્થાપના કરતાં પહેલાં સાધકે સ્નાન કરી શુદ્ધ રેશમી વસ્ત્રો ધારણ કરવાં. ત્યારબાદ સ્થાપિત કરેલા નારિયેળ પર ચંદન, કંકુ પધરાવી, નારિયેળની આજુબાજુ ગંગાજળ, પુષ્પ, ચોખા અને નૈવેધ મૂકવાં. નારિયેળ પર રેશમનું લાલ વસ્ત્ર ઓઢાડવું. આટલું કર્યા બાદ અડધા મીટર સફેદ અગર પીળાં રેશમી વસ્ત્ર પર નીચે પ્રમાણેનો મંત્ર કેસરના મિશ્રણ વડે કિત્તા, કલમ અગર દાભની સળીથી લખવો. અડધો મીટર રેશમનું કપડું બાજોઠની સમક્ષ પાથરવું અને મંત્ર લખતાં પહેલાં દીવો-ધૂપ પ્રગટાવવા જરૂરી છે.

મંત્ર :

ઓમ શ્રીં હ્નીં ક્લીં એં મહાલક્ષ્મીં સ્વરૂપાય

એકાક્ષિનારિકેલાય નમ: સર્વ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા
 

ઉપરોક્ત મંત્ર કેસરથી લખ્યા બાદ નારિયેળને રેશમી વસ્ત્ર પર મૂકી ૧૦૮ ગુલાબની પાંખડીઓ ચઢાવો અને પાંખડી ચઢાવતાં ચઢાવતાં નીચેના મંત્રનો જાપ ચાલુ રાખવો.


ઓમ એં હ્નીં શ્રીં એકાક્ષિનારિકેલાય નમ:
 

૧૦૮ વખત ગુલાબની પાંખડીની પુષ્પાંજલિ કર્યા બાદ નારિયેળને લખાણ કરેલા રેશમી વસ્ત્રમાં લપેટી પુન: બાજોઠ પર મૂકવું અને નીચે જણાવેલા મંત્રની ત્રણ માળા કરવી.

મૂળ મંત્ર
 

ઓમ હ્નીં શ્રીં ક્લીં એ એકાક્ષાય શ્રીફલાય ભગવતે વિશ્વરુપાય સર્વ યોગેશ્વરાય ત્રૈલોક્યનાથાય સર્વકાર્ય પ્રદાય નમ:


આટલી પૂજા કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે નાહી-ધોઇ એકાક્ષી નારિયેળ પર એકવીસ ગુલાબ ચઢાવી પૂજા કરવી અને આ નારિયેળને તમારી પૂજામાં મૂકવું.

No comments:

Post a Comment