Monday, May 23, 2011

ઉપવાસ કેમ કરવામાં આવે છે ?





આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું – આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે – તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.

અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી ‘પુણ્ય’ મળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.
.

No comments:

Post a Comment