જલાબાપાનાં લગ્ન
પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુસંતો તરફ ઢળેલું છે. તેથી એ સાધુ તો નહી થઈ જાય ને ? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહી. તેણે નમ્રતાથી પિતાને કહ્યું : " તમે મને સંસારની ઘટમાળમાં શા સારું જોડો છો ? મારે તો ભગવાનની ભક્તિ કરવી છે. "
ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ' ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કોક દહાડો આપણે ઘેર આપણે ઘેર કોઇને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ વળી ચકલા કબૂતરને ચણ નાખીએ, એ પુન ઓછું નથી. અરે, ઘરમાં કીડી - મકોડી કણ ખાય એનું યે પુન લાગે ! '
ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વર્ષની ઉંમરે આટકોટ ગામનાં પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.
જલારામ જાત્રાએ
હવે દુકાનમાંથી એનું ચિત ઊઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. ભગવાનની જ આજ્ઞા ! એ કાળે જાત્રાએ જવું ઘણું જોખમી હતું. પગે ચાલીને જવાનું. રસ્તા નહી, પુલ નહી, જાનમાલની સલામતી નહી ! ઘરનાં
સૌએ વિરોધ કર્યો. પણ ભગવાનની
આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય ? ભગવાન લઈ જાય ત્યાં જવાનું એવો જલારામનો નિશ્ચય ફર્યો નહી.
જલારામ જાત્રા પર નીકળી પડ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર સતર વર્ષની હતી. ગોકુલમથુરા થઈ બદરીનારાયણ પહોચ્યાં. પછી અયોધ્યા, કાશી, પ્રયાગ, ગયા, જગન્નાથપુરી, રામેશ્વર એમ સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ઘરે પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું.
કાયાતૂટ મજૂરી
જલારામનો સંકલ્પ હતો કે કોઇને બોજારૂપ થવું નહિ અને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો.
તેથી તેમણે ખેતરોમાં મજૂરીએ જવા માંડ્યું. પત્ની વીરબાઇ પણ પતિના પગલે ચાલવા વાળા હતાં. તેઓ પણ પતિની સાથે ખેતરોમાં મજૂરી કરે,દાતરડું લઇ પાક લણે. ભગતને કાયાતૂટ મજૂરી કરતાં જોઇ ખેડૂત કહે :"ભગત, બહુ થયું !" પણ ભગત કહે :"ના,હકનું ખાવું છે. અણહકનું ખાવ તો મારો રામજી રૂઠે!" બેઉ પતિ-પત્ની? રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણો મળે તે માથે ઉંચકીને ઘેર લાવે. રસ્તામાં કોઇ ગાડું મળે ને ગાડા વાળો કહે :"ભગત,આવી જાઓ ગાડામાં !" તો ભગત કહે :"ના,બાપ !આ ઢાંઢા બચારા? જીવને શા સારું દુ:ખ દેવું ? અમે તો હાલ્યા જાશું!"
ભગત આવા દયાના સાગર હતાં.
સદાવ્રતની શરૂઆત
એમ કરતાં ભગતની પાસે ચાળીસ મણ દાણો ભેગો થયો. ભગત પત્ની વીરબાઈને કહે : "ભંડારી, ઘરમાં ખાવા-વાળાં આપણે બે જણાં અને આટલા દાણા ભેગા કરીને શું કરીશું ? " ત્યારે વીરબાઈ કહે : " તમે કેમ પૂછો છો તે હું સમજી ગઈ છું, પણ મારા તરફનો કોઈ અંદેશો રાખશો નહી ! રામનું નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવાનું શરૂ કરો ! તમે તો જાણો છો કે જે દે ટુકડો તેને ભગવાન ઢુકડો ! "
હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી : " મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે, આપની આજ્ઞા માગું છું. " ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું " સૌને સરસ કહેવું, આપ નીરસ થવું, આપ આધીન થઈ દાન દેવું, મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી, દાતાભોક્તા હરિ એમ રહેવું. "
" દેનાર ભગવાન છે અને લેનાર પણ ભગવાન છે, માટે દીધા કર, દીધા કર ! " ભગતની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેમણે સદાવ્રતની શરૂઆત કરી. ( સં. 1876 મહાસુદ બીજ ). એ વખતે એમની ઉમર માત્ર વીસ વર્ષની હતી. ઉંમર નાની, પણ ઈશ્વર શ્રદ્ધા કેવડી મોટી ! સંકલ્પ શક્તિ કેવડી મોટી !
મંદીરની સ્થાપના
સદાવ્રત શરૂ થયાને થોડા દિવસ થયા હશે, એવામાં એક દિવસ એક સંત મહાત્મા આવી ચડ્યા. વીરબાઈએ રોટલા ટીપ્યા અને ભગતે ભાવથી પીરસી સંતને જમાડ્યા. પતિ-પત્નીની સંતસેવા જોઈ મહાત્મા પ્રસન્ન થઈ ગયા તેમણે ભગતને લાલજીની એક મૂર્તી આપી કહ્યું : " ભગત આની સેવા કરજો ! હરિહર તમને રિદ્ધિ-સિદ્ધિની ખોટ આવવા નહી દે ! અને તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે સ્વયં હનુમાનજી પ્રગટ થશે ! "
આમ કહી મહાત્મા ચાલી ગયા અને ખરેખર ત્રીજે દિવસે ભગતની જગ્યામાં હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ. ભગતે ત્યાં જ મંદિર કરી લાલજીની અને હનુમાનજી ની પુજા કરવા માંડી. ત્યાં નાનકડાં આશ્રમ જેવું બની ગયું.
'બાપા'નું બિરુદ
વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઇ દરદ હતું. તેથી મહિનાઓ થયાં એ પીડાતો હતો અને ધંધો કરી શકતો નહોતો. એવામાં એક દિવસ એને રૂડા પટેલનો ભેટો થઇ? ગયો. હરજી કહે :'પટેલ,પેટની? પીડા હવે નથી ખમાતી. દવા કરી હું થાક્યો !'
રૂડો પટેલ કહે :'તો હવે એમ કર!જલા ભગતની માનતા કર!મારું મન કહે છે કે રોટલાના ટપાકા સાંભળી ભગવાન આવે જ!? તું સાજો થઇ જશે.' હરજીએ? એ જ ઘડી કહ્યું:'હે જલા ભગત !મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઇશ!'
બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં એ સાવ સાજો થઇ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો અને બોલ્યો:'બાપા,તમે મને સાજો? કર્યો!'
ભગતે કહ્યું:'ભાઇ,હું? આમાં કંઇ જાણતો નથી. હું તો ભૂખ્યાને? રોટલો આપું છું ને ઠાકરનું નામ દઉં છું .'
ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ 'બાપા'નું બિરૂદ પામ્યા. ત્યારે તેઓ માત્ર એકવીસ વર્ષના હતાં.
જલા સો અલ્લા!
સંવત ૧૮૭૮ની આ વાત છે. વીરપુરમાં જમાલ કરીને એક ઘાંચી રહે. પૈસે ટકે સુખી. એનો દસ વર્ષનો દિકરો માંદો પડ્યો. ઘણાં દવાદારૂ કરાવ્યા પણ ત આવ ઉતરે નહિ. વૈદે પણ આશા છોડી દીધી.
એવામાં હરજી દરજીએ જમાલને પોતાના અનુભવની વાત કરી કહ્યું :'જમાલ,ગોફણનો ગોળો ત્રણસો હાથ પહોંચે,બંદૂકની ગોળી હજાર હાથ પહોંચે,તોપનો ગોળો દસહજાર હાથ પહોંચે,પણ જલાબાપાએ ભૂખ્યાંને ખવડાવેલ અન્નનો? દાણો છેક સ્વર્ગના બારણા લગી પહોંચે છે. માટે જલા બાપાની માનતા રાખ, તારો? છોકરો મોતના મોંમાંથી પાછો ફરશે.'
ડૂબતો તરણાને પકડે તેમ જમાલે આ વાતને વધાવી લીધી. એણે કહ્યું:'મારો છોકરો સાજો થાય તો ચાલીસ માપ દાણો જગ્યામાં આપીશ.'
બન્યું એવું કે એ જ રાતના છોકરાનો તાવ નરમ પડ્યો. એણે આંખો ઉઘાડી. એ બચી ગયો. જમાલે ગાડું? ભરીને દાણો જગ્યામાં આપ્યો અને જલા બાપાને પગે લાગી કહ્યું:'જલ્લા સો અલ્લા!જીસકો ન દેવે અલ્લા, ઉસકો દેવે જલ્લા !'
જલા બાપા હવે'જલા સો અલ્લા'કહેવાયા. એ વખ્તે એમની ઉંમર માત્ર બાવીસ વર્ષની હતી.
અજબ ગુરુભક્તિ
બાપાની ગુરુભક્તિનો એક દાખલો છે. એક વાર બાપા જગ્યાનાં ઓટલા પર બેઠા બેઠા ઠાકરના નામની માળા
ફેરવતા હતા. ત્યાં કોકે કહ્યું : " બાપા સાંભળ્યું ? તમારા ગુરુના ગામનો કોળી ચોરી કરતાં પકડાયો છે ને અત્યારે વીરપુરની જેલમાં છે. "
આ સાંભળતા જ બાપા " હે રામ ! હે ઠાકર ! " કરતા ઊઠ્યા ને સીધા ગામના ઠાકોરની પાસે પહોંચી ગયા.
કહે : " બાપુ, એ કોળી તો મારા ગુરુના ગામનો છે. "
ઠાકોર કહે : " માળો પાકો ચોર છે. માંડ પકડાયો છે. "
બાપા કહે : " એ ખરુ પણ મારા ગુરુના ગામનો એટલે એ મારો ગુરુ ભાઈ, મારો પૂજનીય. એને બદલે તમે મને જેલમાં પુરો. હું ચોરીનાં બધા ગુના કબુલી લઉં છું." આમ કહી બાપાએ હાથ જોડ્યા અને માથેથી પાઘડી ઉતારવા જતા હતા, ત્યાં "હા ! હા !" કરી ઠાકરે એમનો હાથ પકડી લીધો ને કહ્યું : " મારા ધન ભાગ્ય કે મારા રાજ્યમાં તમારા જેવા ભક્ત વસે છે. હું કોળી ને છોડી દઉં છું ! "
બાપા કોળીને જગ્યામાં તેડી લાવ્યા અને રોટલા ખવડાવી એને વિદાય કર્યો. જતાં જતાં કોળી બાપાના પગે હાથ મુકી પ્રતિજ્ઞા કરતો ગયો : " કદી ફરી ચોરી નહી કરું ! "
તું માણસ નથી, દેવ છે !
ચોમાસાનાં દિવસો હતા. વરસાદ ધોધમાર પડતો હતો. એવામાં વિચરતી જાતીનાં કેટલાંક લોકો ચાર-પાંચ ગધેડાં લઈને બાપાની જગ્યાની સામે આવી બેઠા. ચાર-પાંચ સ્ત્રીઓ, બે-ચાર છોકરાં એક બે પુરુષો ! બધાં વરસાદમાં થર થર ધ્રુજે !
બાપા પોતે એમની સામે હાથ જોડીને ઊભા ને બોલ્યા : "માવડીયું, શું જોઈએ છે ? લોટદાળ કે રોટલા ? "
સ્ત્રીઓએ લોટદાળ માગ્યાં અને તે લઈને ત્યાંથી બધાં હાલી નીકળ્યાં. થોડીવાર પછી બાપા કહે : " અરે, આ બીચારા ક્યારે તંબુડાં બાંધશે ? ક્યારે રોટલાં ઘડશે અને ક્યારે ખાશે ? "
એમણે એમના સેવકને કહ્યું : "ટીડારામ , આ જોગમાયાઓ વરસતા વરસાદમાં રાંધશે શેનાથી ? "
ટીડો કહે : " બાપા, એની ચિંતા તમે શું કામ કરો છો ? "
બાપા કહે : " અરે મારા ટીડારામ ! એ પણ જીવ છે હોં ! આ બીચાડા કાંઇ રાજીખુશીથી રખડતા નહી હોય હોં ! એ પણ મારા ઠાકરનાં જીવ છે હોં ! અને બાઈયું તો જોગમાયાઓ કહેવાય ! " આમ કહી બાપા ઊઠ્યા. ભંડારમાં જઈ ઘડેલ રોટલાનો મોટો થોકડો ઉપાડી પોતાની પછેડીમાં બાંધ્યો અને એક કોથળામાં છાણાં ભર્યા ; ને રખડતા લોકોને એ દેવા ચાલ્યા.
એ વખતે થાણા દેવડીના દરબાર લખમણવાળા જગ્યામાં મહેમાન હતા, તેમણે આ બધું નજરે જોયું અને તેમના મોંમાંથી ઉદગાર નીકળી પડ્યો : " વાહ બાપા, વાહ ! ધન છે તને અને તારાં માતાપિતાને ! તું માણસ નથી, દેવ છે ! "
બાપાનો ફોટો
તે કાળે ફોટોગ્રાફીની વિદ્યા નવી નવી હતી. એક ગોરાએ એક હિંદીની ભાગીદારીમાં રાજકોટમાં ફોટો પાડવાની દુકાન ખોલી હતી. ગોરો કહે : " મારે પહેલો ફોટો કોઇ સંતનો પાડવો છે. " એટલે એ વીરપુર આવ્યો.
બાપા કહે : " અરે, મારો તે કંઇ ફોટો હોય ? ફોટો લ્યો આ ગાયોનો, આ પારેવાનો, આ સાધુડાઓનો ! " ગોરાએ સામા હાથ જોડ્યા અને બહુ કરગર્યો. કોઇ દુ:ખી થાય એ બાપાને ગમે નહી, એટલે છેવટે એમણે ફોટો લેવા દીધો. ફોટામાં એક આંખ જરા મીંચાઈ ગઈ હતી. બાપાનો આ એક જ ફોટો ખેંચાયેલો છે.
બાપા નીચે ઘાટે રહેતા હતા. નહી દુબળા કે નહી જાડા ! ગોઠણ સુધીનું અંગરખું અને ટૂંકી પોતડી પહેરતા. માથે મોટી પાઘડી બાંધતા. બાપાના ડાબા ગાલે લાખું હતું. એક હાથમાં લાકડી રાખતા અને માળા ફેરવતા જતા. આખો દી રામ રામ જપ્યા કરે.
જલારામ બાપાના ભજનો
બાપા અવારનવાર ગામડે જતાં. બાપા પધાર્યા છે એવું સાંભળે એટલે આસપાસના ગામોમાંથી પણ લોકો ત્યાં ઉમટી પડે. સૌ જમે અને પછી ઘરધણીના ફળીયામાં ભજનમંડળી જામે. બાપા પોતે પણ હાથમાં કરતાલ લે અને મંડે ભજન લલકારવા.
રાધે ! રાધે ! રાધે !
ગોકુળમાં ગોવિંદ રાધે !
એમ એક પછી એક ભજન ગવાતા જાય અને રાત જામતી જાય. બાપાનો કંઠ પણ એવો મધુર હતો. મધુર કંઠમાં અંતરનો મધુર ભાવ ભળે, પછી શું બાકી રહે ? સાંભળનારા ડોલી ઊઠે.
બાપા લહેરમાં આવી જાય એટલે ભજનિકોને તાન ચડે. તબલાં વાળો તબલાં મેલી ઊભો થઈ જાય અને બાપાને તેડી લઈ મંડે ફેર ફુદરડી ફરવા ! આનંદની અવધી થઈ જાય !
ગોરાએ સલામ ભરી !
રાજકોટમાં અંગ્રેજ સરકારનો ગોરો હાકેમ રહેતો હત. જુનાગઢથી ચાર ઘોડેસવારો જરૂરી કગળીયાં લઈને રાજકોટ આવતા હતા, ત્યાં રસ્તામાં વીરપુરનાં પાદરમાં બાપાએ એમને રોક્યા ને જમાડ્યા પછી જ જવા દીધા. આથી એ ઘોડેસવારો રાજકોટ સમય કરતાં મોડા પહોચ્યાં. તેથી ગોરો બાપા પર ખીજાયો, કહે : "ખવડાવવાની એની ખો ભુલાવી દઉં ! "
એણે પચીસ-પચીસની ટુકડીમાં દોઢસો સવારો વીરપુરનાં પાદરમાં થઈને નીકળે તેવી ગોઠવણ કરી. બાપા એમના નિયમ મુજબ પાદરે આંટો મારતા હતા. પહેલી ટુકડીને તેમણે જમવા રોકી, ત્યાં બીજી, ત્રીજી એમ છ ટુકડીઓ આવી, સાથે એમનો ગોરો સાહેબ હતો. ગોરો કહે : "જમવા કાજે થોભવાનો અમને વખત નથી. " બાપા કહે : " થોભવું નહી પડે ! "
તરત જ દોઢસોયે સવારોને જગ્યામાં લઈ જઈ બાપાએ એક પંગતમાં જમવા બેસાડી દીધા, અને દરેકને બે બે રોટલા ગરમાગરમ અને એકેક તાંસળી દાળ પીરસી દીધાં ! એમનાં ઘોડાની પણ બાપાએ બરાબર સંભાળ લીધી.
ગોરો સ્તબ્ધ થઈ ગયો. ટોપો ઉતારી એણે બાપાને સલામ ભરી !
બાપા માંદા પડ્યા
વીરબાઈમા અને જલારામ બાપા બંને હવે પાકી વૃદ્ધાવસ્થામાં હતાં. સં. 1935ના કારતક વદ નોમ, સોમવારે વીરબાઈમાએ દેહ-ત્યાગ કર્યો. બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી.
બાપાને પણ હવે હરસનો વ્યાધી સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. વીરબાઈમાને સાધુને અર્પણ કરતાં પહેલાં બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. હરિરામ હજી બાળક હતા. તેથી ભક્તો ચિંતા કરતા કે કેમ થશે ?? પણ બાપા કહે : " હરિરામનો સહાયક હરિ સમર્થ છે, હું જીવતાં લાખનો અને મૂઆ પછી સવા લાખનો હોઈશ અને એ વાત સત્ય માનજો ! કારણ મારો ઠાકર સમર્થ છે. "
બાપાની માંદગીમાં ગલાલબહેન એમને જોવા આવ્યાં હતા. વીરપુરથી છ ગાઉ પર ઉમરાળી ગામે ગલાલબહેન ના સગા ભાઈ રહેતા હતા ; એથી ગલાલબહેન બાપાને કહે : " વીરા, હું જરી ઉમરાળી જઈ આવું. "
બાપા કહે : " જાઓ, પણ એંક રાતથી વધારે રોકાતા નહી ! "
બાપા દેવ થયા !
ગલાલબહેન ઉમરાળી ગયાં, પણ ભાઈએ એક દીવસ વધારે રોક્યાં. ત્રીજે દીવસે એ વીરપુર આવવા નીકળ્યાં. ત્યાં રસ્તામાં એમને જલારામ બાપા મળ્યાં. એમના હાથમાં પાણીની ભંભલી હતી, અને કહે : " બહેન, તાપ છે, તું થાકી હશે, તેથી તારા વાસ્તે પાણી લાવ્યો છું. " આમ કહી એમણે બહેનને ઠંડું પાણી પાયું ને પછી બહેનની જોડે ચાલ્યા. વીરપુર પાસે આવ્યું એટલે કહે : "બહેન સાધુસંત આવ્યા હશે. હું જરી ઉતાવળો જાઉં. " એમ કહી એ ઉતાવળે પગલે આગળ ચાલી ગયા ને દેખાતા બંધ થયા. ગલાલબહેન વીરપુરના પાદરમાં પહોચ્યાં ત્યાં એમણે ચેહ બળતી જોઇ. આખું ગામ ધ્રુસ્કે ધ્રુસ્કે રોતું હતું.
ગલાલબહેન પૂછે છે : " હેં ! કોણ ગુજરી ગયું ? "
જવાબ મળ્યો : " બાપા દેવ થયા ! " ગલાલબહેન સ્તબ્ધ થઈ ગયાં, કહે : " બાપા તો મને હમણા રસ્તામાં પાણી પાઈ ગયા ! " પછી એ સમજી કે હું ભાઈને ભૂલી, પણ ભાઈ મને ભૂલ્યા નથી.
સંવત 1937 મહા વદ દશમે બુધવારે ( તા. 23-2-1881 ) બાપાએ ભજન કરતાં કરતાં, એક્યાશીમાં વર્ષે વૈકુઠવાસ કર્યો.
વિમાન આવ્યું !
વીરપુરમાં ટીલિયો કરીને એક લોહાણો હતો બાપા જ્યારે મળે ત્યારે એ એમની હાંસી ઉડાવવા કહેતો : " કાં ભગત ! ઠાકરની બહું સેવા કરો છો તે વૈકુઠનું વિમાન ક્યારે આવે છે ?"
બાપા હસીને કહેતા : " આવશે ત્યારે તને કહીશ. "
ટીલિયો કહે : " તો મનેય જોડે લઈ જજો હોં ! "
બાપાએ દેહ છેડ્યો તે દિવસે ટીલિયો જેતપુરથી હટાણું કરી ઘેર આવતો હતો. ત્યાં રસ્તામાં એણે ફક્કડ રથ જોયો, એમા બાપા બેઠેલા હતા. બાપાએ કહ્યું : " ટીલીયા, આવી જા આ વિમાનમાં ! તને તેડવાં આવ્યો છું. "
ટીલિયો કહે : " ખોટી વાત ! "
બાપા કહે : " ખરું કહું છું, આવી જા ! "
ટીલિયો કહે : " ઊંહું ! "
પછી ટીલિયો ઘેર આવ્યો ત્યારે જાણ્યું કે બાપા દેવ થયા. હવે એને ખાતરી થઈ કે બાપા એમના વચન પ્રમાણે મને તેડવા આવેલા એ સાચું. એના પસ્તાવાનો પાર ન રહ્યો. પણ હવે શું થાય ?
બોલો જલારામ બાપા કી જય
No comments:
Post a Comment