“હનુમાન જયંતિ મંગળવારે હનુમાનજયંતી શુભ”
ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનનો જન્મ દિવસ. હનુમાન સર્વમાન્ય અને સર્વ પ્રિય દેવ છે. તે દિવસે તેમની પૂજા, સ્તુતિ, પ્રાર્થના કરી તેમની કૃપા મેળવે છે. હનુમાનજીને આકડીયા (આંકડા)ના ફૂલોનો હાર, તેલ મિશ્રિત સિંદૂર અને ઘૂપ ખૂબ પ્રિય છે. તે દિવસે રૂદ્ર યજ્ઞ પણ થતા હોય છે.
હનુમાન જયંતીના દિવસે પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરી ભૂમિ પર શયન કરવાનું વિશેષ મહત્વ છે. અઘોર ઉપાસનાના સાધકો માટે આ દિવસ સાધના સિદ્ધિ માટે ઉપયોગી છે.
વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુર્ત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત.
શ્રી રામના અનન્ય પ્રિપપાત્ર શ્રી લક્ષ્ણમ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાન. હનુમાનજી એક કલાકમાં ૬૫૦ માઈલની ઝડપથી ઉડતા હતા. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ ચારે યુગમાં અમર છે. આઠ સિઘ્ધિઓના દાતા છે. જેના ઉપર રીઝે તેનું કલ્યાણ થઈ જાય છે. કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.
વીર હનુમાનજી શનિદેવની દશા દબાવે છે. કલિંગના સમ્રાટ સૂર્યદેવના પુત્ર એટલે શનિદેવ. હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી ચારે વેદોનું ગૂઢ જ્ઞાન મેળવ્યું હતું. હનુમાન અને શનિદેવ વચ્ચેના યુદ્ધમાં હનુમાને શનિદેવને હરાવી પોતાના પગ નીચે દબાવ્યા હતા. તેલ-સિંદૂર શનિદેવના શરીર ઉપર ચઢાવે છે તેથી તેમના કચડાયેલા હાડકાંને રાહત થાય છે. જ્યાં જ્યાં હનુમાનનાં મંદિરો હશે ત્યાં ત્યાં હનુમાનના પગ નીચે શનિદેવ જોવા મળશે.
ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ચૈત્ર સુદ ચૌદસના દિવસે એકટાણું કરી અને બ્રહ્મચર્ય પાળી હનુમાનજીની સાધનાનો પ્રારંભ કરાય છે. પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સંકલ્પ કરાય છે. પ્રથમ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કરી હનુમાનજીને સ્નાન કરાવી કેસર અને ચંદન લગાવી યજ્ઞોપવતિ પહેરાવાય છે.
બાધા સંકટ નિવારણ માટે હનુમાનજયંતીથી શરૂ કરીને સાત મંગળવાર સુધી સવારે અને સાંજે હનુમાનજીનું સ્મરણ કરી એક-એક વખત હનુમાનચાલીસાનું પઠન કરવું અને ‘ઓમ્ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ કુરુ ફટ્ સ્વાહા’ - આ મંત્રની સાંજે ત્રણ માળા કરવી અને ત્યારબાદ એક જ ટાઇમ સાંજે અન્ન ગ્રહણ કરવું. જેથી બાધા-સંકટો દૂર થાય છે અને મુશ્કેલીમાં આકસ્મિક બચાવ થાય છે.
આ શુભ દિવસે અકસ્માત કે કોર્ટ-કચેરીનાં કાર્યોમાં રાહત મળે તથા શત્રુથી બચવા માટે પંચમુખી હનુમાનજીનું સ્મરણ કરી ત્રણ મંગળવાર અને ત્રણ શનિવાર ઉપવાસ રાખી પવિત્ર મનથી ‘ઓમ્ પૂર્વ કપિમુખાય પંચમુખહનુમતે શત્રુસંહરણાય સ્વાહા’ આ મંત્રની એક-એક માળા ત્રણ મંગળવારે અને શનિવારે કરવી. જ્યારે પરીક્ષામાં સફળતા, બળ-બુદ્ધિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ હનુમાનજયંતીથી શરૂ કરી ૧૧ મંગળવાર સુધી ‘બુદ્ધિ હીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર, બલ-બુદ્ધિ વિધા દેહુ મોહી હરહુ કલેશ વિકાર’- આ હનુમાન ચાલીસાની પંકિતનું ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરવું અને એક ટાઇમ સાંજે ભોજન કરવું.
હનુમાનજયંતી અને મંગળવારના ઉત્તમ યોગના દિવસે હનુમાનજીની ઉપાસના શુભ ફળદાયી માનવામાં આવે છે એમ કહી જયોતિષાચાર્ય કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, આ દિવસે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું અને આંકડાની માળા ચઢાવી શકાય. સુંદરકાંડનું પઠન કે વહેલી સવારે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પઠન કરવું પણ લાભદાયી છે.
ત્યારબાદ હનુમાનચાલીસા, સુંદરકાંડના પાઠ, હનુમાન વજવાનલ સ્તોત્ર અને હનુમાનજીના મંત્રોના પાઠની આરાધના કરાય છે. શાળામાં ભણતા બાળકો માટે હનુમાનજી ઉત્તમ આદર્શ મનાય છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘મનોજવં મારુતતુલ્ય વેગં જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રી રામદૂતમ્ શરણં પ્રપધૈ’ ઉત્તમ મંત્રની રોજ એક માળા કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ઉપરાંત રામચરિત માનસની એક એક ચોપાઈ મંત્ર સમાન છે, જેનો વિશિષ્ઠ કાર્ય માટે માર્ગદર્શન લઈ પ્રયોગ કરી શકાય છે.
રાજા કેસરી સુમેરૂ નામના ક્ષેત્રમાં શાસન કરતા હતા. રાજા કેસરીની રાણીનું નામ અંજની હતું. વાયુ પુરાણમાં બતાવ્યા મુજબ મહારાજ વાયુદેવ પ્રજાપતિ અને અંજનીથી બળવાન, મહાબુદ્ધિમાન, વીર, પરાક્રમી, સુંદર પુત્રનો જન્મ થયો હતો. ઋષિઓના રક્ષણ અને શ્રી રામની મદદ માટે ભગવાન શંકરનો અગિયારમા રૂદ્ર તરીકે જન્મ થયો હતો. વીર હનુમાનનો પુત્ર એટલે મકરઘ્વજ.
ઐતિહાસિક ઘટના મુજબ મહર્ષિ કશ્યપ-સિંહિકાના પુત્ર રાજા ‘‘રાહુ દેવ’’ સમ્રાટ સૂર્યદેવ અને ચંદ્ર દેવ ઉપર વારંવાર આક્રમણ કરતો હતો. રાજા રાહુ હનુમાનને પોતાનો વિરોધી સમજી પોતે પ્રાણ બચાવવા દેવરાજ ઈન્દ્રની મદદ માટે દોડી ગયો. રાહુને મદદ કરવા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર સવાર થઈ વજ્ર નામના હથિયારથી હનુમાન ઉપર ઘા કર્યો. ચાર દાંત વાળા સફેદ હાથીને ફળ માની તેને ખાઈ જવા હનુમાને છલાંગ મારી. હનુમાનનું વિકરાળ, અગ્નિદેવ જેવું રૂપ જોઈને ઈન્દ્ર ગભરાયા. તેમણે હનુમાન ઉપર વજ્રાસ્ત છોડ્યું. મારૂતીના અંગનું હાડકું તૂટતાં તેઓ ઘાયલ થયા. મારૂતીના પિતા વાયુદેવ કોપીત થયા. બ્રહ્માંડનો વાયુ રક્ષશિન કરી દીધો. પૃથ્વીલોકનાં ખરાબ કર્મોથી દેવરાજ ઈન્દ્ર વરસાદને રોકી દઈ ત્રાસ પોકરાવી દે છે તેમ વાયુદેવે વાયુ સ્થગિત કરી સર્વ દેવો, ઋષિઓ, માનવોને ત્રાહીમામ્ ત્રાહીમામ્ કરી તરફડતા કરી દીધા.
ઈન્દ્ર સહિત તમામ દેવો, ઋષિઓ દાદા બ્રહ્માને લઈને વાયુદેવ પાસે ગયા. સર્વ ઘટનાઓની ચર્ચાઓ થઈ. બ્રહ્માએ હનુમાનને મૂર્છામાંથી મંત્રોચ્ચારથી જાગૃત કર્યા. બ્રહ્માની આજ્ઞાથી વાયુદેવે પવનને પણ વહેતો કર્યો. સર્વને આનંદ થયો. મારૂતી ઉપર પ્રસન્ન થયેલા દેવોએ મારૂતીને એક એક વરદાન આપ્યું.
૧. ઈન્દ્રદેવે તેમના વ્રજથી મારૂતીના ડાબી દાઢીનું હાડકું તોડી નાંખેલ, તેમણે મારૂતીને વરદાન આપી જણાવ્યું કે, હવેથી તમો હનુમાન કહેવાશો. મારૂં વ્રજ તમોને હવે પછી કંઈક કરી શકશે નહિં.
૨. સૂર્યદેવના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. હનુમાનને ચારે વેદોનું સંપૂર્ણ જ્ઞાન આપેલ. ચારે વેદોના પંડિત હતા. સૂર્યદેવે હનુમાનને તેમના તેજનો સોમો ભાગ અર્પણ કર્યો હતો.
૩. રાજા વરૂણ દેવે દશ લાખ વર્ષનું આયુષ્ય અર્પણ કરી અને કહ્યું કે, હે મારૂતી, મારા જળથી કદી પણ તમારૂં મૃત્યુ થશે નહીં.
૪ રાજા યમરાજે વરદાન આપ્યું કે, મારા દંડથી તમો કદી મરશો નહિ. સદાય તમારૂં શરીર વ્રજનું રહેશે.
૫. રાજા કુબેરદેવે વરદાન આપી જણાવ્યું, કે હે હનુમાન ! ભયંકર અને ખૂંખાર યુદ્ધમાં પણ તમને કોઈ પ્રકારનો કશો શોક થશે નહિ. મારી ગદાથી લડાઈમાં તમને કોઈ હણી શકશે નહીં.
૬. શિલ્પાધિપતિ વિશ્વકર્માએ વરદાન આપી જણાવ્યું. મેં આજદિન સુધી જેટલાં પણ હથિયાર બનાવ્યાં છે તેનાથી તમો મરશો નહીં.
જય શ્રી રામ