Tuesday, October 5, 2010

ધનવર્ષા કરવા અખાત્રીજનો આ પ્રયોગ કરવો રહ્યો


લક્ષ્મીજીની ચંચળતાને સ્થિર અને શાંત કરવાનો ઉત્સવ એટલે અખાત્રીજ. વિષ્ણુ ભગવાનના અવતરણનો આ દિવસ છે અને પ્રખર પુરુષ પરશુરામની જયંતી પણ આ દિવસે જ આવે છે.


હિંદુ શાસ્ત્ર અને મુહૂર્ત અનુસાર અખાત્રીજ અર્થાત્ અક્ષયતૃતીયાને વર્ષનાં શ્રેષ્ઠ વણજોયાં મુહૂર્તમાં ગણવામાં આવે છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે દિવાળી ટાણે સાધના પૂજા કરવામાં આવે છે, કારણ કે દિવાળી પર્વ લક્ષ્મીનું ઉત્પત્તિ પર્વ ગણાય, પરંતુ અખાત્રીજ એ લક્ષ્મીને સદાકાળ માટે સ્થિર કરવાનું પર્વ ગણાય છે. લક્ષ્મીજીની ચંચળતાને સ્થિર અને શાંત કરવાનો ઉત્સવ એટલે અખાત્રીજ. વૈશાખના ભર ઉનાળે જયારે પ્રકૃતિ શાંત હોય અને માત્ર વૈશાખનંદનોનો (ગદર્ભ) ઉપદ્રવ હોય તેવા કંટાળાજનક સમયમાં માનવીનાં મન અને તનમાં પ્રાણ પૂરવા આવે છે, અખાત્રીજ.


અખાત્રીજ, આ પર્વને અક્ષયતૃતીયા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અક્ષય એટલે કે જેનો ક્ષય થતો નથી. જેનો ક્ષય થાય નહીં તે હંમેશાં તરોતાજા, નિત-નવીન અને યૌવનભર્યું લાગે. અખાત્રીજ વિષ્ણુ ભગવાનના અવતરણનો પણ દિવસ છે અને પ્રખર પુરુષ પરશુરામની જયંતી પણ આ દિવસે જ આવે છે.


પુરાણોમાં વર્ણવ્યું છે કે અક્ષયતૃતીયાએ જે સાધના કરવામાં આવે તે અક્ષય-અખંડ રહે છે. અખાત્રીજના દિવસે કરેલાં પૂજા-અનુષ્ઠાન-હોમ-હવન-જપ-દાનનું ફળ આપોઆપ વિસ્તૃત થાય છે. દેવોના દેવ મહાદેવ અને ગોરખનાથજીએ કહ્યું છે કે, ભલે સાધક નવો હોય, ઉચ્ચારણનો અનુભવ ના હોય પરંતુ અખાત્રીજે કરેલી પૂજાનું ફળ અવશ્ય મળે છે.


અન્ય એક વિધાન ટાંકતા તેઓ જણાવે છે કે જેના નસીબમાં દરિદ્રતા અને દુર્ભાગ્ય લખેલાં હોય તે માનવી જ અખાત્રીજની પૂજાવિધિને ભૂલી જાય છે. આથી જ અખાત્રીજના મુહૂર્તનો ઉપયોગ કરી નીચે જણાવેલો પ્રયોગ કરી દુ:ખ, દરિદ્રતા દૂર કરી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરી શકાય છે.


સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે શાસ્ત્રો અને તંત્ર વિજ્ઞાનમાં એકાક્ષી નારિયેળનું એક આગવું અને વિશેષ મહત્વ છે. એકાક્ષી નારિયેળને લક્ષ્મીનું સાક્ષાત્ સ્વરૂપ માનવામાં આવે છે. આ નારિયેળ પ્રકતિનું આશ્ચર્યજનક વરદાન ગણાય છે. સામાન્ય નારિયેળ પર જટા હોય છે. આ જટાને દૂર કરવાથી એક ગોળાકાર આકૃતિ દેખાય છે. આ ગોળાકાર પાસે બે બિન્દુ આંખ જેવા આકારનાં દેખાય છે. સામાન્ય રીતે દરેક નારિયેળ બે આંખનાં હોય છે પરંતુ ક્યારેક એકાદ નારિયેળમાં આવું એક જ બિન્દુ અર્થાત્ એક જ આંખ હોય છે જેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. આવા નારિયેળ સાચા અર્થમાં ભાગ્યશાળી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એકાક્ષી નારિયેળ અતિ દુર્લભ અને સાક્ષાત્ મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.


અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આવકની વૃદ્ધિ, સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે આવા એકાક્ષી નારિયેળને ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ પર લાલ કપડું પાથરી પાંચ અનાજની બરોબર વચ્ચે સ્થાપના કરવી. એકાક્ષી નારિયેળની સ્થાપના કરતાં પહેલાં સાધકે સ્નાન કરી શુદ્ધ રેશમી વસ્ત્રો ધારણ કરવાં. ત્યારબાદ સ્થાપિત કરેલા નારિયેળ પર ચંદન, કંકુ પધરાવી, નારિયેળની આજુબાજુ ગંગાજળ, પુષ્પ, ચોખા અને નૈવેધ મૂકવાં. નારિયેળ પર રેશમનું લાલ વસ્ત્ર ઓઢાડવું. આટલું કર્યા બાદ અડધા મીટર સફેદ અગર પીળાં રેશમી વસ્ત્ર પર નીચે પ્રમાણેનો મંત્ર કેસરના મિશ્રણ વડે કિત્તા, કલમ અગર દાભની સળીથી લખવો. અડધો મીટર રેશમનું કપડું બાજોઠની સમક્ષ પાથરવું અને મંત્ર લખતાં પહેલાં દીવો-ધૂપ પ્રગટાવવા જરૂરી છે.


મંત્ર :
ઓમ શ્રીં હ્નીં ક્લીં એં મહાલક્ષ્મીં સ્વરૂપાય
એકાક્ષિનારિકેલાય નમ: સર્વ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા


ઉપરોક્ત મંત્ર કેસરથી લખ્યા બાદ નારિયેળને રેશમી વસ્ત્ર પર મૂકી ૧૦૮ ગુલાબની પાંખડીઓ ચઢાવો અને પાંખડી ચઢાવતાં ચઢાવતાં નીચેના મંત્રનો જાપ ચાલુ રાખવો.


ઓમ એં હ્નીં શ્રીં એકાક્ષિનારિકેલાય નમ:


૧૦૮ વખત ગુલાબની પાંખડીની પુષ્પાંજલિ કર્યા બાદ નારિયેળને લખાણ કરેલા રેશમી વસ્ત્રમાં લપેટી પુન: બાજોઠ પર મૂકવું અને નીચે જણાવેલા મંત્રની ત્રણ માળા કરવી.


મૂળ મંત્ર


ઓમ હ્નીં શ્રીં ક્લીં એ એકાક્ષાય શ્રીફલાય ભગવતે વિશ્વરુપાય સર્વ યોગેશ્વરાય ત્રૈલોક્યનાથાય સર્વકાર્ય પ્રદાય નમ:


આટલી પૂજા કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે નાહી-ધોઇ એકાક્ષી નારિયેળ પર એકવીસ ગુલાબ ચઢાવી પૂજા કરવી અને આ નારિયેળને તમારી પૂજામાં મૂકવું.

શનિ ની સાડાસાતી માં ઉપયોગી ઉપાયો નો અમલ કરવા થી ચોકસ રાહત મળશે.



 
એવી માન્યતા છે કે શનિ હંમેશા ખરાબ ફળ જ આપે છે. જેની રાશિમાં શનિની સાડાસાતી ચાલતી હોય તેણે અનેક કષ્ટો સહન કરવા પડે છે. ત્યારે શનિના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે નીચેના ઉપાયો કરવા. આ ઉપાયોનો અમલ કરવાથી આપને નિશ્વિતપણે રાહત મળશે.


- દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય કરવા. યથાશક્તિ હનુમાનજીની પૂજા કરવી.

- હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદની દાળ અને આંકડા કે ધંતૂરાના ફૂલોની માળા ચડાવવી.

- ગરીબોને શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું.

- શનિનો ખરાબ પ્રભાવ ચાલતો હોય તે સમયે પોતાની આસપાસ નીલા રંગનો ઉપયોગ ન કરવો.

- દાનમાં ક્યારેય શનિ સંબંધિત વસ્તુઓ ગ્રહણ ન કરવી.

- દર શનિવારે શ્વાનને તેલ ચોપડેલી રોટલીખવડાવવી.

- નદીમાં કાળા અડદ પધરાવવા.

- ભોજનમાં અડદની દાળનો પ્રયોગ વધારે કરવો.

- જો શક્ય હોય તો લોખંડના વાસણોમાં ભોજન કરવું. આમ કરવાથી ઝડપથી શનિના દુષ્પ્રભાવમાંથી રાહત મળશે.

- પીપળાના વૃક્ષને દરરોજ જળ ચડાવવું અને દર શનિવારે પીપળાની ઓછામાં ઓછી 21 પરિક્રમા કરવી.

- નારિયેળના તેલમાં કપૂર ભેળવીને દરરોજ માથામાં લગાવવું.

- કાળા તલ, કાળા અડદનું દાન કરવું.


વિશ્વસનીય જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી.

 

Friday, October 1, 2010

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ - 6




સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર :

199. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી.

200. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા.

201. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ.

202. જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી.

203. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો.)

204. માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં.

205. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યએ પાંચ દેવને આદરપૂર્વક માનવા.

206. ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદભાગવત, શ્રીવિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્દભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રીવાસુદેવમાહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ – એ આઠ સતશાસ્ત્ર અમને ઇષ્ટ (પ્રિય) છે. એ આઠ સતશાસ્ત્ર સાંભળવાં, વિદ્વાનોએ એ સતશાસ્ત્ર ભણવાં, ભણાવવાં તથા કથા કરવી.

207. આચાર,વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું.

208. સતશાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજાં વચન કરતાં મુખ્યપણે માનવાં.

તત્વજ્ઞાન અને એકાંતિક ધર્મ :

209. શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.

210. માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.

211. ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.

212. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન જાણવું.

213. જીવ હ્રદયને વિષે રહ્યો છે, તે અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે, અને પોતાની જ્ઞાનશક્તિ વડે નખથી 
શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભદ્ય, અજર, અમર ઇત્યાદિક જીવનાં લક્ષણ છે.

214. ઈશ્વર(અહીં ઈશ્વર શબ્દ પરબ્રહ્મ પરમાત્માવાચક છે.) સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મફળના આપનારા છે.

215. માયા ત્રિગુણાત્મિકા છે. તે જીવને દેહ તથા દેહના સંબંધીમાં અહં-મમત્વ કરાવે છે.

216. પરબ્રહ્મ, પુરુષોત્તમ એવા ભગવાન તે પરમેશ્વર છે, તે આપણા ઇષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના 
 કારણ છે.

217. જેમ હ્રદયમાં જીવ રહ્યો છે તેમ તે જીવમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે.

218. ભગવાનની ભક્તિ સર્વે મનુષ્યે કરવી; તે ભક્તિ કરતાં વિશેષ બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી.

219. ભક્તિ ને સત્સંગ – એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે.

220. ભગવાનને વિષે ભક્તિ અને સત્સંગ એ જ વિદ્યાદિક ગુણવાળી વ્યક્તિના ગુણવાનપણાનું પરમ ફળ જાણવું.

221. ભગવાન સિવાય, મનુષ્ય તથા દેવાદિક જીવ તો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી.

222. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને, પરબ્રહ્મની ભક્તિ સદા કરવી.

223. વિશિસ્ટાદ્વૈત મત અમને ગમે છે.

224. ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે.

શિક્ષાપત્રી મહિમા

આ શિક્ષાપત્રી -

- સંસારરૂપી કાદવને દૂર કરી નિર્મળ બનાવનાર છે.
- અવિદ્યારૂપી ગાઢ અંધકારને દૂર કરનાર છે.
- અંતરના અજ્ઞાનને દૂર કરનાર અંજનશલાકા છે.
- સંસારથી નિવૃત્ત કરનાર માતા છે.
- સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીર-સાગરમાંથી દોહન કરી મેળવેલું અપૂર્વ અમૃત છે.
- સંસારરૂપી રોગને દૂર કરવામાં મુખ્ય ઔષધરૂપ છે.
- ભગવાનનું બીજું સ્વરૂપ છે.
- સર્વે ફળને આપનારી છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ - 5



સંતો-પાર્ષદો માટે નિયમો :

145. ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.

146. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી.

147. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું

148. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ.

149. સ્ત્રીની પ્રતિમા ન કરવી.

150. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ.

151. મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ.

152. સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ.

153. સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા-વાર્તા કીર્તન પણ ન કરવાં.

154. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું.

155. સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું.

156. બળાકાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ.

157. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્તકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી.

158. શરીરે તૈલમર્દન ન કરવું.

159. શસ્ત્ર તથા ભયંકર વેષ ન ધારવાં.

160. જે ઘર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહિ.

161. જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું અને તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.

162. વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી.

163. સ્ત્રીઓની પેઠે સ્ત્રેણ (સ્ત્રીના સંગમાં રાચનાર) પુરુષનો સંગ સર્વકાળે ત્યાગવો.

164. સર્વે સાધુઓએ સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો.

165. કામ, ક્રોધ, લોભ અને માન આદિક અંતઃશત્રુને જીતવા.

166. સર્વે ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.

167. ધન-દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.

168. કોઈની થાપણ ન રાખવી.

169. ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો.

170. પોતાના ઉતારાની જગ્યામાં ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.

171. આપત્કાળ પડ્યા વિના, સંઘ-સોબત વિના ક્યારેય એકલા ચાલવું નહિ.

172. જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ-દુશાલા હોય વળી, બીજાની ઇચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તેવું વસ્ત્ર પહેરવું-ઓઢવું નહિ.

173. ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ.

174. ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહિ. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો.

175. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું.

176. તાંબૂલ (પાન-પાનબીડું) તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ ન કરવું.

177. ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ.

178. રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ.

179. મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.

180. કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે, તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહિ; અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.

181. કોઈનું દૂતપણું ન કરવું; ચાડિયાપણું ન કરવું, કોઈના ચારચક્ષુ(ગુપ્તચર) ન થવું.

182. દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી.

183. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.

184. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી.
વ્રત, પ્રાયશ્ચિત અને અભ્યાસ :

185. નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું.

186. ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તન કરવાં.

187. સર્વ એકાદશીઓનું વ્રત આદરથકી કરવું.

188. જન્માષ્ટમી તથા શિવરાત્રી આદિક વ્રત આદરથકી કરવાં અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. ભાદરવા શુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. શ્રાવણ માસમાં મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક કરવું અથવા બીજા પાસે કરાવવું.

189. એકાદશી આદિક વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસ અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. મૈથુન અને દિવસની નિદ્રાથી ઉપવાસનો નાશ થઈ જાય છે.

190. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.

191. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું

192. જન્મ તથા મરણનું સૂતક પોતપોતાના સંબંધ અનુસાર શાસ્ત્ર મુજબ પાળવું.

193. ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું.

194. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાનાં દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાં અનુસારે કરવા.

195. દ્વારિકા આદિક તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.

196. સંસ્કૃત અને પ્રાકૃત એવા સદ્દગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો.

197. ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવો. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, પ્રદક્ષિણાઓ કરવી, સાષ્ટાંગ નમસ્કાર કરવા – એ આઠ પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસામાં વિશેષપણે ભક્તિપૂર્વક ધારવો. અસમર્થ હોય તેમણે ફક્ત શ્રાવણમાસમાં વિશેષ નિયમ ધારવો.

198. એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન (ઉજવણું) પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું. તે મનવાંછિત ફળ આપનારું છે.