Thursday, June 24, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૪

૧૬. રામ દંડકારણ્યમાં

ભરતની વિદાય પછી રામ, સીતા અને લક્ષ્‍મણ ચિત્રકૂટ છોડીને દંડકારણ્ય તરફ આગળ વધ્યાં. તેમણે રસ્તામાં મહર્ષિ‍ અત્રિ અને માતા અનસૂયાના આશ્રમમાં રોકાણ કર્યું. સતી અનસૂયાએ સીતાને કદી મેલાં થાય નહીં અને નાશ પામે નહીં એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો આપ્‍યાં.
ત્યાર પછી અત્રિ અને અનસૂયાની વિદાય લઈને રામે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ઠેર ઠેર ઋષિમુનિઓના આશ્રમો હોવાથી વેદમંત્રોનો મંગલ ધ્વનિ થઈ રહ્યો હતો. કેટલાક ઋષિઓએ રામને મળીને રાક્ષસોના ત્રાસ વિશે ફરિયાદ કરી. રામે તેમની એ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી. તેમણે આ ‍‍ઋષિ-મુનિઓની સાથે એક રાત્રિ વિતાવી.
બીજા દિવસે રામ આગળ ચાલ્યા. તે એક ગાઢ વનમાં પ્રવેશ્યા. ત્યારે વિરાધ નામના એક રાક્ષસે સીતા પર હુમલો કર્યો. રામે તેની ઉપર અનેક બાણોની વર્ષા કરી. વિરાધે રામ-લક્ષ્‍મણને પોતાના બે વિરાટ બાહુઓ વડે જકડી લીધા. તેમણે વિરાધના બંને હાથ તોડી નાખ્યા. પછી એમણે એક મોટો ખાડો ખોદી તેમાં વિરાધને જીવતો દાટી દીધો.
રામ, લક્ષ્‍મણ અને સીતા ત્યાંથી નીકળીને અગત્સ્ય ઋષિના પુત્ર સુતીક્ષ્‍ણ મુનિના આશ્રમમાં પહોંચ્યા. તેમણે પણ રામને દંડકારણ્યમાંથી રાક્ષસોનો ત્રાસ દૂર કરવા વિનંતી કરી.
રામ-સીતા અને લક્ષ્‍મણે દંડકારણ્યમાં દસ વર્ષ વિતાવ્યાં અને અનેક રાક્ષસોનો સંહાર કર્યો. ત્યાર બાદ ફરીથી તેઓ મહર્ષિ‍ અત્રિના આશ્રમમાં આવ્યાં. અત્રિએ તેમને મહર્ષિ‍ અગસ્ત્યના આશ્રમે જવાનું સૂચન કર્યું. એટલે તે અગત્સ્યના આશ્રમમાં જવા માટે નીકળ્યા.

અગસ્ત્ય ‍ઋષિએ પોતાના અરણ્યમાં એ ત્રણેયનું ઉમળકાભેર સ્વાગ કર્યું. ત્યાર પછી મહર્ષિ‍ અગસ્ત્યે રામને દિવ્ય શસ્ત્રાસ્ત્રો આપ્‍યાં. એમાં વિષ્‍ણુનું મહાધનુષ્‍ય, બ્રહ્માનું અમોઘ બાણ, ઇન્દ્ર પાસેથી મળેલાં અક્ષય ભાથાં અને સોનાની મૂઠવાળું ખડ્ગ હતાં. એમણે રામને જણાવ્યું : "અહીંથી બે યોજન દૂર, ગોદાવરીના કિનારે પંચવટી નામનું રમણીય સ્થળ છે. તમે તમારા વનવાસનાં બાકી રહેલાં વર્ષો ત્યાં પસાર કરી શકશો."
પંચવટી તરફ જતાં રસ્તામાં એમને એક વિરાટ ગીધનો ભેટો થઈ ગયો. રામે માન્યું કે એ રાક્ષસ હશે પણ ગીધરાજે એમને ઓળખી લીધા હતા. એણે રામને પોતાનો પરિચય આપતાં કહ્યું, "હું તમારા પિતા દશરથનો મિત્ર જટાયુ છું. તમારા વનવાસ દરમ્યાન હું તમને બધી રીતે મદદરૂપ થઈશ."
રામ જટાયુને માનપૂર્વક પોતાની સાથે પંચવટીમાં લઈ ગયા.

૧૭. ખર અને દૂષણનો વધ

પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે લક્ષ્‍મણે એક રમણીય કુટિર બનાવી દીધી.
પંચવટીમાં એમનો સમય આનંદમાં પસાર થવા લાગ્યો. પ્રકૃતિએ પંચવટીમાં મન મૂકીને સૌંદર્ય વેર્યું હતું. જોતજોતામાં તેર વર્ષ પસાર થઈ ગયાં. હવે એમણે વનમાં ફક્ત એક જ વર્ષ પસાર કરવાનું બાકી રહ્યું.
એક દિવસ તેઓ કુટિરના આંગણામાં બેઠાં હતાં. એ વખતે રાવણની બહેન શૂર્પણખા ત્યાં આવી ચડી. શૂર્પણખા રામનું દિવ્ય રૂપ જોઈ આકર્ષાઈ ગઈ. આથી તે માયાવી શક્તિથી સુંદર સ્ત્રીનું રૂપ લઈને રામની પાસે આવી અને એમને કહેવા લાગી, "હું મહાપ્રતાપી રાવણની બહેન છું. આ સંસારમાં એક પણ સ્ત્રી મારા જેટલી સુંદર નથી. મને મારા લાયક કોઈ પુરુષ ન મળવાથી હું હજુ કુંવારી રહી ગઈ છું. મારી સાથે વિવાહ કરી લે.એ પછી તારે આવી ઝૂંપડીમાં નહીં રહેવું પડે. હું તને મારા ભવ્ય મહેલમાં રાખીશ."
આ સ્ત્રીનો ઘમંડ જોઈને રામને અકળામણ થઈ. પણ એમણે હસતાં હસતાં તેને કહ્યું, "તું મારા ભાઈ લક્ષ્‍મણ પાસે જા. એ સુંદર છે અને એકલો છે."
શૂર્પણખાએ થોડે દૂર બેઠેલા લક્ષ્‍મણ પાસે જઈ તેની પાસે પોતાનો વિચાર પ્રગટ કર્યો. ત્યારે લક્ષ્‍મણે એને કહ્યું, "હું તો રામનો સેવક છું. તારી સાથે લગ્ન કરવા માટે હું સ્વતંત્ર નથી. તું તો મહારાણી થવા સર્જાયેલી છે. તેથી તું રામની સાથે લગ્ન કરે એ જ યોગ્ય છે."

શૂર્પણખા રામની પાસે આવી ત્યારે એમણે તેને પાછી લક્ષ્‍મણની પાસે મોકલી. આમ રામ અને લક્ષ્‍મણની વચ્ચે આંટાફેરા કરીને શૂર્પણખા કંટાળી ગઈ. આ બે ભાઈઓ તેની મશ્કરી કરી રહ્યા હતા એની તેને ખબર પડી ગઈ. એટલે તે સીતા પર હુમલો કરવા દોડી. લક્ષ્‍મણે સહેજ પણ સમય ગુમાવ્યા વગર એનાં નાક-કાન કાપી લીધાં.
વેદનાના ચિત્કારો કરતી શૂર્પણખા ત્યાંથી નાસી છૂટી. એ સીધી તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ પાસે દોડી ગઈ. એણે ખર-દૂષણને રડતાં કકળતાં પોતાની આપવીતી કહીને પોતાના અપમાનનો બદલો લેવા ઉશ્કેર્યા.
ખર અને દૂષણ રાવણના સાવકા ભાઈઓ હતા. રાવણની સૂચનાથી ખર અને દૂષણ એક મોટી સેના લઈને પંચવટી તરફ ઊપડ્યા.
ખર-દૂષણની સેનાએ પંચવટીને ચારે તરફથી ઘેરી લીધી. અને યુધ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં દૂષણ અને સેનાપતિ ત્રિશિર પણ લડતાં લડતાં ખપી ગયા. ત્યાર પછી ખર પોતે રામ સાથે યુદ્ધ કરવા આવ્યો. રામે મહર્ષિ‍ અગસ્ત્ય પાસેથી મેળવેલું વૈષ્‍ણવ ધનુષ્‍ય લીધું અને તેના પર ઇન્દ્રનું બાણ ચડાવીને ખરની છાતીમાં માર્યું. ખરની છાતી ફાટી ગઈ અને તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું.

૧૮. સીતાનું અપહરણ

રામ સાથેના યુદ્ધમાં ખર-દૂષણ મૃત્યુ પામ્યા એટલે શૂર્પણખા તેના મોટા ભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ. રાવણે શૂર્પણખાને આશ્વાસન આપ્‍યું અને સીતાને ઉપાડી લાવવાનો નિર્ણય કર્યો. રાવણ મારીચની પાસે ગયો. રાવણે તેને કહ્યું, " હું તારી મદદ માગવા આવ્યો છું. તું સુવર્ણમૃગનું રૂપ લઈને રામની કુટિર પાસે જજે. રામ લક્ષ્‍મણ તને પકડવા આવે ત્યારે તું એમને જંગલમાં ખૂબ દૂર સુધી લઈ જજે. હું એ જ વખતે સીતાને ઉપાડીને લંકામાં લઈ જઈશ.." મારીચ સુવર્ણમૃગનું રૂપ લઈને રામની કુટિરની આજુબાજુ ફરવા લાગ્યો. રાવણ ઝાડીની પાછળ છુપાઈ? રહ્યો હતો. સીતાએ આટલો સુંદર મૃગ કદી જોયો નહોતો. તેથી તેમણે રામને કહ્યું, "તમે ગમે તેમ કરીને મારા માટે આ મૃગને પકડી લાવો."
લક્ષ્‍મણને સીતાના રક્ષણની જવાબદારી સોંપીને રામે મૃગનો પીછો કર્યો. મારીચ રામને કુટિરથી ખૂબ દૂર લઈ ગયો. રામે તેના પર બાણ છોડ્યું. મારીચની છાતીમાં બાણ વાગતાં એનું અસલ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. તેણે રામના અવાજમાં ‘હે લક્ષ્‍મણ ! હે સીતે !‘ એવી બૂમો પાડી અને પ્રાણ છોડી દીધા..
મારીચે કરેલા પોકારો સાંભળીને સીતા ચિંતામાં પડ્યાં. તેમણે લક્ષ્‍મણને કહ્યું, "આર્યપુત્ર મુસીબતમાં ફસાઈ ગયા લાગે છે. તમે જલદીથી તેમની મદદે જાઓ."
લક્ષ્‍મણે સીતાને કહ્યું, "માતા ! આપણને સંભળાયેલો અવાજ રામનો નથી. આમાં રાક્ષસોનું કોઈ કપટ હોય એવું લાગે છે."
સીતાએ લક્ષ્‍મણને રામની મદદ જવાનો વારંવાર આગ્રહ કર્યો. તેથી લક્ષ્‍મણે તેના ભાથામાંથી એક તીર લીધું. એ તીર વડે પર્ણકુટિની આસપાસ, જમીન ઉપર એક રેખા દોરી. પછી લક્ષ્‍મણે સીતાને એ રેખા બતાવીને કહ્યું, "માતા ! હું મોટા ભાઈને લઈને અહીં પાછો ન આવું ત્યાં સુધી ગમે તે થઈ જાય તો પણ આપ આ રેખા ઓળંગશો નહીં. આપ આ સીમાની અંદર રહેશો ત્યાં સુધી પ્રભુ આપની રક્ષા કરશે."
એવું કહી, લક્ષ્‍મણ હાથમાં ધનુષ્‍યબાણ લઈ રામની મદદ માટે નીકળ્યો. લક્ષ્‍મણ દેખાતો બંધ થયો કે તરત જ ઝાડીમાં છુપાયેલો રાવણ બહાર નીકળી આવ્યો. સાધુવેશમાં વેદમંત્રો બોલતાં બોલતાં એણે કુટિરના આંગણામાં પગ મૂક્યો. સીતાએ એને સાધુપુરુષ સમજી આવકાર્યો.
"સાધુને ભિક્ષા આપો, મૈયા !" એવું બોલીને રાવણ પર્ણકુટિના આંગણામાં આસન બિછાવીને બેસી ગયો. સીતાજી આ સાધુને ભિક્ષામાં આપવાની સામગ્રી લેવા માટે કુટિરની અંદર ગયાં. રાવણ ઝટપટ ઊભો થયો. તેણે સીતાનું અપહરણ કરવાના ઇરાદાથી કુટિરના દ્વાર તરફ એના પગ ઉપાડ્યા કે તરત જ લક્ષ્‍મણરેખામાંથી આગના ભડકા થવા લાગ્યા. રાવણ તેનાથી ડરીને પાછો હઠ્યો. કુટિરની ચારે તરફ દોરેલી લક્ષ્‍મણરેખા જોઈને રાવણ પાછો ફરીને ચૂપચાપ તેના આસન ઉપર બેસી ગયો.
સીતાજી કુટિરમાંથી થોડાં ફળ અને કંદમૂળ લઈને બહાર આવ્યાં. લક્ષ્‍મણરેખાની અંદરની તરફ ઊભાં રહીને સીતાજીએ સાધુને એમનું ભીક્ષાપાત્ર આગળ ધરવા વિનંતી કરી. રાવણે બનાવટી ક્રોધ બતાવી સીતાને કહ્યું : "મૈયા ! આટલે દૂરથી તમે મને ભીક્ષા આપીને મારું અપમાન કરવા ઇચ્છો છો ?"
સીતાએ કહ્યું, "મહારાજ ! મને આ રેખાની બહાર પગ નહીં મૂકવાની સૂચના છે. તેથી હું આપને આપનું ભીક્ષાપાત્ર સહેજ આગળ ધરવાની વિનંતી કરી રહી છું."
રાવણને એની બાજી ધૂળમાં મળી જતી લાગી. એટલે તે ઊભો થઈને ત્યાંથી જતા રહેવાનો દેખાવ કરતાં બોલ્યો, "જાઓ, અમારે તમારી ભિક્ષા નથી જોઈતી."
સાધુ પોતાની પાસેથી ભિક્ષા લીધા વિના પાછો જતો રહે એ વાત સીતાને શરમજનક લાગી. સીતાએ ડરતાં ડરતાં લક્ષ્‍મણરેખાની બહાર પગ મૂક્યો. તરત જ રાવણે સીતાને ઉપાડીને લંકા તરફ નાસી છૂટયો.
સીતાને લક્ષ્‍મણ રેખા ઓળંગવા બદલ પસ્તાવો કરવા લાગ્યાં. પણ હવે તો ઘણું મોડું થઈ ગયું હતું.
સીતાએ મોટા અવાજે રામ અને લક્ષ્‍મણને બૂમો પાડી. ગીધરાજ જટાયુ સીતાનો અવાજ સાંભળીને તરત ત્યાં આવી પહોંચ્યો અને રાવણના રથનો માર્ગ રોકીને ઊભો રહ્યો. જટાયુએ રાવણને પડકારીને તેના ઉપર જોરદાર હુમલો કરી દીધો.
રાવણે ખડ્ગ વડે જટાયુની પાંખો કાપી નાખી. જટાયુ અસહાય થઈને ધરતી પર પડી ગયો. એટલે રાવણ સીતાને સાથે લઈ આકાશમાર્ગે લંકા તરફ રવાના થયો.

૧૯. રામ-લક્ષ્‍મણ સીતાની શોધમાં

રામ મારીચને હણીને પાછા ફરતા હતા ત્યારે તેમણે લક્ષ્‍મણને પોતાની તરફ આવતો જોયો. સીતાને એકલાં મૂકીને લક્ષ્‍મણને એકાએક આવેલો જોઈને રામને ફાળ પડી.
લક્ષ્‍મણે રામને વિગતવાર વાત કરી ત્યારે રામે એને કહ્યું, "તારે ઉતાવળે અહીં દોડી આવવાની જરૂર નહોતી."
રામ અને લક્ષ્‍મણ દોડતા દોડતા પર્ણકુટિમાં આવ્યા. સીતા ત્યાં ન હતાં ! તેમણે કુટિરની આસપાસ બધે જ સીતાની તપાસ કરી. સીતા એટલામાં ક્યાંય હોય તો જડે ને !
સીતાની ભાળ ન મળતાં રામને ભારે આઘાત લાગ્યો. રામ અને લક્ષ્‍મણ સીતાના નામની બૂમો પાડતા ચારે બાજુ સીતાને શોધવા લાગ્યા. એમણે પંચવટીનાં જંગલોમાં ખૂણે ખૂણે સીતાની તપાસ કરી. એમને નજીકમાં જ વેદનાથી કણસતો ઘાયલ પક્ષીરાજ જટાયુ પડ્યો હતો.. જટાયુએ રામને કહ્યું "રાવણ સીતાને ઉપાડી ગયો છે. મેં એ દુષ્‍ટને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આખરે મારી આવી દશા થઈ અને હું અસહાય થઈ ગયો. એ અહીંથી દક્ષિ‍ણ દિશા તરફ ગયો છે."
આટલું બોલતાં બોલતાં પક્ષીરાજ જટાયુ મૃત્યુ પામ્યો.
જટાયુને શ્રદ્ધાંજલિ આપીને રામ-લક્ષ્‍મણ ક્રૌંચારણ્ય નામના ગાઢ જંગલમાં દાખલ થયા. ત્યાં કબંધ નામના વિચિત્ર દેખાતા રાક્ષસે એમનો રસ્તો રોકી લીધો. કબંધ એક ગંધર્વ હતો. એક ઋષિના શાપથી એ દાનવ બની ગયો હતો. એણે એની વિરાટ ભુજાઓ વડે રામ અને લક્ષ્‍મણને જકડી લીધા. રામ-લક્ષ્‍મણે પોતપોતાની તલવારોથી એની બંને ભુજાઓ કાપી નાખી. કબંધ ઘાયલ થઈને નીચે પડી ગયો.
રામનો સ્પર્શ થવાથી કબંધના મનમાં સાત્વિક ભાવ જન્મ્યો હતો. એણે રામ-લક્ષ્‍મણને વિશે જાણવાની ઇચ્છા પ્રગટ કરી. રામે એને પોતાનો પરિચય આપ્‍યો. કબંધે રામને કહ્યું, "અહીંથી દ‍ક્ષણિ-પશ્ચિમ દિશામાં ઋષ્‍યમૂક પર્વત આવેલો છે. ત્યાં સુગ્રીવ નામનો એક વાનર તેની ટોળી સાથે રહે છે. સીતાને શોધવામાં એ તમને મદદ કરશે. ઋષ્‍યમૂક પર્વત તરફ જતાં પંપા સરોવરના કિનારે મતંગ ઋષિનો આશ્રમ આવશે. મતંગ ઋષિની શિષ્‍યા શબરી ત્યાં રહે છે. આપ એને મળ્યા પછી જ આગળ જજો."
રામના પવિત્ર સ્પર્શને લીધે તે પણ અહલ્યાની જેમ શાપમુક્ત થઈ ગયો.
રામ-લક્ષ્‍મણ પંપા સરોવરના કિનારે આવેલા મતંગ ઋષિના આશ્રમે પહોંચ્યા. શબરીએ રામનો ચરણસ્પર્શ કરી એમનું ભક્તિભાવથી સ્વાગત કર્યું. પછી એણે રામને ખાવા માટે મીઠાં બોર આપ્‍યાં. રામે એ બોર એટલા જ પ્રેમથી આરોગ્યાં. રામે શબરીને સીતા વિશે પૂછપરછ કરી. શબરીએ તેમને વાનરરાજ સુગ્રીવની સાથે મિત્રતા કરીને એની મદદથી સીતાની શોધ કરવા સૂચવ્યું.
રામના દર્શનથી શબરીનું જીવનકાર્ય પૂરું થઈ ગયું હોવાથી તેણે પોતાના શરીરનો ત્યાગ કર્યો.

૨૦. રામ અને સુગ્રીવનું મિલન

રામ અને લક્ષ્‍મણ ઋષ્‍યમૂક પર્વત પર જવા માટે પંપા સરોવરને કિનારે કિનારે ચાલવા લાગ્યા. ઋષ્‍યમૂક પર્વત પર સુગ્રીવ તેના સાથીઓ વચ્ચે બેઠેલો. એણે દૂરથી પર્વત તરફ આગળ વધતા બે ધનુર્ધારી તપસ્વીઓને જોયા. એણે એના મંત્રી હનુમાનને આ બે તપસ્વીઓની તપાસ કરવા મોકલ્યા.
હનુમાન તપસ્વી વેશે રામ-લક્ષ્‍મણની પાસે આવ્યા. હનુમાને કહ્યું, "હું સુગ્રીવનો સેવક હનુમાન છું. સુગ્રીવ ધર્માત્મા અને બુદ્ધિમાન છે. તે આપને મળવા ઉત્સુક છે. આપને કોઈ સંશય હોય તો તે મને જણાવો."
લક્ષ્‍મણે હનુમાનને કહ્યું, "હે વિદ્વાન સજ્જન ! આ કૌશલનરેશ દશરથના જયેષ્‍ઠ પુત્ર રામ છે. હું એમનો અનુજ લક્ષ્‍મણ છું. અમારા પિતાજીની આજ્ઞાથી અમે ચૌદ વર્ષના વનવાસમાં નીકળ્યા છીએ. અમારી સાથે રામનાં ધર્મપત્‍ની સીતાજી પણ આવ્યાં હતાં. રાવણ છળકપટથી સીતાજીને ઉપાડી ગયો છે. અમને કબંધે સુગ્રીવને મળવાનું કહ્યું હતું. તેથી સુગ્રીવ પાસે જવા નીકળ્યા છીએ."

આ સાંભળીને હનુમાન ખુશ થઈ ગયા. એ રામ-લક્ષ્‍મણને પોતાના ખભે બેસાડીને સુગ્રીવની પાસે લઈ ગયા. હનુમાને રામ-લક્ષ્‍મણને સુગ્રીવનો અને સુગ્રીવને રામ-લક્ષ્‍મણનો પરિચય કરાવ્યો. રામ અને સુગ્રીવે આજીવન મિત્રતા નિભાવવાની પ્રતિજ્ઞા લીધી. સુગ્રીવે સીતાજીને શોધવામાં રામને દરેક પ્રકારની મદદ કરવાનું વચન આપ્‍યું.
હનુમાને એક પોટલી લાવીને રામના હાથમાં મૂકી. એમાં સીતાનાં આભૂષણો હતાં. રામે સીતાનાં આભૂષણો ઓળખી લીધાં હતાં. એટલે એમનું દુઃખ વધી ગયું. સુગ્રીવે એમને આશ્વાસન આપીને પોતાના દુઃખ વિશે જણાવતાં કહ્યું, " અમારા પિતા ઋક્ષરાજના મૃત્યુ પછી મારા મોટા ભાઇ વાલિના મંત્રીઓએ વાલિને કિષ્કિન્ધાનુ; રાજ્ય સોંપ્‍યું હતું."
માયાવી નામના એક રાક્ષસને એક સ્ત્રીને કારણે વાલિ સાથે વેર બંધાયું હતું. માયાવીએ એક વખત મધરાતે કિષ્કિન્ધાના દ્વારે આવીને વાલિને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. માયાવીની બૂમો સાંભળીને વાલિ જાગી ગયો. પછી હું અને વાલિ માયાવીની સામે જઈને ઊભા રહ્યા. એટલે માયાવી ડરીને નાસી ગયો. અમે બંને પણ તેની પાછળ દોડ્યા. રાક્ષસ એનો જીવ બચાવવા એક ગુફામાં પેસી ગયો.
‘હું પાછો ન આવું ત્યાં સુધી તું ગુફાની બહાર જ ઊભો રહેજે.‘ આ પ્રમાણે મને સૂચના આપીને વાલિ પણ માયાવીની પાછળ ગુફામાં જતો રહ્યો.

વાલિ ઘણા સમય સુધી ગુફામાંથી બહાર ન આવ્યો. એટલે મને એની ચિંતા થઈ રહી હતી. મને થયું કે માયાવીએ વાલિનો વધ કરી દીધો હશે અને હવે તે બહાર આવશે તો મને પણ હણી નાખશે. એટલે મેં એક મોટી શિલા વડે ગુફાનું દ્વાર બંધ કરી દીધું.
મેં કિષ્કિન્ધામાં પાછા આવીને મંત્રીઓને આ ખબર આપ્‍યા. મંત્રીઓએ મને કિ‍‍ષ્કિન્ધાના રાજા તરીકે નિયુક્ત કર્યો. થોડા દિવસો બાદ વાલિ કિષ્કિન્ધામાં પાછો ફર્યો.
વાલિને જીવતો પાછો આવેલો જોઈને મને ખૂબ આનંદ થયો. પણ એ સમજ્યો કે મેં એનું રાજ્ય પડાવી લેવા માટે જ ગુફાનું દ્વાર બંધ કરી દીધું હતું. એણે મારી પત્‍ની રુમાને બળજબરીથી પોતાના મહેલમાં રાખી અને મને મારીને કાઢી મૂક્યો.
તે દિવસથી હું મારો જીવ બચાવવા ઠેર ઠેર ભટકવા લાગ્યો. પણ વાલિ મારી પાછળ બધે પહોંચી જતો હતો. છેવટે હનુમાન, નલ, નીલ વગેરે મારા વિશ્વાસુ સાથીઓ જોડે મારે આ ઋષ્‍યમૂક પર્વત પર આશ્રય લેવો પડ્યો છે.
રામે સુગ્રીવની વાત ધ્યાનથી સાંભળીને એને મદદ કરવાનું વચન આપ્‍યું. સુગ્રીવે રામને કહ્યું, "મહારાજ ! આપની શક્તિમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મારે આપને વાલિનાં બળ અને પરાક્રમનો અંદાજ આપવો જોઈએ. જેથી આપ યોગ્ય નિર્ણય લઈ શકો.

વાલિ સૂર્યોદય થતાં પહેલાં જ પશ્ચિમ સમુદ્રથી પૂર્વ સમુદ્ર સુધી અને દક્ષિ‍ણ સમુદ્રથી ઉત્તર સમુદ્ર સુધી ફરીને પાછો આવી શકે છે. એટલું ફર્યા પછી પણ તેને થાક નથીલાગતો. એ ઊંચામાં ઊંચા પર્વત પર સડસડાટ ચઢી જાય છે અને મોટામાં મોટા શિખરને આસાનીથી ઊંચકી લે છે. એણે મહાપરાક્રમી દુંદુભિ રાક્ષસને અને ગંધર્વરાજ ગોલભને આસાનીથી હરાવી દીધા હતા. વાલિ એકસાથે સાત શાલવૃક્ષને હલાવે છે ત્યારે સાતેય વૃક્ષોનાં બધાં પાંદડાં એકસાથે ખરી પડે છે. એ ઉપરાંત તે એક જ બાણ વડે શાલવૃક્ષના જાડા થડને વીંધી શકે છે. "
સુગ્રીવના મનમાંથી વાલિનો ડર દૂર કરવા રામે જમીન પર પડેલું દુંદુભિ રાક્ષસનું અતિશય ભારે હાડપિંજર પોતાના પગના અંગૂઠાથી ઊંચકીને હવામાં ઉછાળ્યું. દુંદુભિનું હાડ- પિંજર ત્યાંથી દસ યોજન દૂર જઈને પડ્યું. સુગ્રીવ રામના બળનો આ પરચો જોઈ પ્રભાવિત થયો. રામે સુગ્રીવને કહ્યું, "આપણે હવે ઝડપથી કિષ્કિન્ધામાં જઈએ. તમે વાલિને યુદ્ધ કરવાનો પડકાર ફેંકજો. એ તમારી સાથે યુદ્ધ કરતો હશે ત્યારે હું ઝાડીમાં છુપાઈ રહીશ અને લાગ મળતાં જ એને વીંધી નાખીશ."

બોલો શ્રી રામચંદ્ર કી જય 

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૩

૧૧. નિષાદરાજની મુલાકાત

સુમંત્રનો રથ તમસા નદીની દક્ષિ‍ણે ગોમતી નદીના કિનારે થઈ સઈ નદીને કિનારે આવી પહોંચ્યો. અહીં કૌશલ દેશની હદ પૂરી થઈ રહી હતી. રામ માતૃભૂમિનું છેલ્લી વાર દર્શન કરી લેવા માટે ત્યાં ઊભા રહ્યા.
રામ બે હાથ જોડીને કૌશલ દેશ તરફ મોં રાખીને બોલ્યા, "હે વત્સલ માતૃભૂમિ ! હું ચૌદ વરસ માટે તારાથી દૂર જઈ રહ્યો છું. મારા બધા અપરાધોનો તું ઉદારભાવે ક્ષમા કરજે. "
સાંજના સમયે તેમનો રથ ગંગાને કિનારે શૃંગવેરપુર પાસે આવી પહોંચ્યો. રામે એક વૃ્ક્ષની નીચે વિશ્રામ કરવાની તૈયારી કરી. શૃંગવેરપુરનો રાજા નિષાદરાજ ગુહ તેના સેવકો સાથે રામનું સ્વાગત કરવા આવ્યો. રામ નિષાદરાજને પ્રેમપૂર્વક ભેટી પડ્યા ત્યારે નિષાદરાજે ગળગળા થઈ જતાં કહ્યું, "આપ અહીં પધાર્યા એ મારું અહોભાગ્ય છે. હવે નગરમાં પધારીને મારું આંગણું પણ પાવન કરો. હું મારું રાજ્ય આપને અર્પણ કરું છું. આપ મારા પર કૃપા કરી અહીં સુખેથી રાજ કરજો અને હું આપની સેવા કરીશ."
રામે નિષાદરાજની સહ્રદયતા બદલ તેનો આભાર માન્યો પણ એ પોતાની પ્રતિજ્ઞામાં અટલ રહ્યા. રામે રાત્રે વિશ્રામ કર્યો. સવારે રામે સુમંત્રને કહ્યું, "તાત સુમંત્ર ! અહીંથી આપ અયોધ્યા પાછા ફરો."

સુમંત્ર એમનો રથ લઈ અયોધ્યા જવા રવાના થયા. હવે તેમને ગંગા નદી પાર કરીને સામે કિનારે જવાનું હતું. તેથી નિષાદરાજે પોતાની નાવ અને કેવટ નામના નાવિકને રામની સેવામાં હાજર કરી દીધાં. પછી તેઓ એ નાવમાં બેસી, ગંગા નદી પાર કરીને વત્સદેશમાં આવ્યા. સૌથી આગળ રામ, એમની પાછળ સીતા અને છેલ્લે લક્ષ્‍મણ એવી રીતે તેઓ દુર્ગમ માર્ગો પર સતત ચાલતાં રહ્યાં. રસ્તામાં સાંજ થઈ જતાં તેમણે કંદમૂળનો આહાર લીધો અને એક વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. લક્ષ્‍મણે આખી રાત જાગીને એમની ચોકી કરી.
તેઓ બીજે દિવસે ગંગા-યમુનાના સંગમ પર આવેલા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં એક રાતનું રોકાણ કરી, યમુના નદી પાર કરીને બે દિવસની યાત્રા બાદ તેઓ ચિત્રકૂટમાં આવી પહોંચ્યાં. ચિત્રકૂટમાં ભવ્ય પર્વતો અને હરિયાળી વનરાજિ પથરાયેલી જોઈને રામે લક્ષ્‍મણને કહ્યું, "આ સ્થળ રમણીય છે. તેથી આપણે થોડો સમય અહીં જ રહીશું."
લક્ષ્‍મણે મંદાકિની નદીના કિનારે એક સુંદર પર્ણકુટિ બનાવી દીધી. પછી એ ત્રણેય જણાં એમાં રહેવા લાગ્યાં

૧૨. દશરથ રાજાનો સ્વર્ગવાસ

રામ અયોધ્યામાંથી ગયા એ વાતને છ દિવસ થઈ ગયા હતા. હજુ દશરથ પથારીવશ હતા. એમને અચાનક કોઈ શાપ યાદી આવી જતાં તેમણે કૌશલ્યાને કહ્યું, "મને રામનો વિયોગ થયો તેનું કારણ આપણાં લગ્ન પૂર્વે મારા જીવનમાં બનેલી એક ઘટના છે. તે મને હવે યાદ આવે છે :"
એક સાંજે હું શિકાર કરવા માટે સરયૂને કિનારે ગયો હતો. હું શબ્દવેધી બાણ ચલાવી શકતો હતો. દૂરથી મને કોઈ પ્રાણી નદીમાં પાણી પી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. મેં અવાજની દિશામાં બાણ છોડ્યું. તરત જ કોઈ માણસે જોરથી ચીસ પાડી.મેં જઈને જોયું તો મારું બાણ એક યુવકની છાતીમાં ખૂંપી ગયેલું ! એ યુવક લોહીલુહાણ થઈને ધરતી પર ઢળી પડ્યો હતો અને તેની નજીક એક ઘડો પડેલો.
યુવકે મને કહ્યું : મારું નામ શ્રવણ છે. મારાં માબાપ વૃદ્ધ અને અંધ છે. હું એમને જાત્રા કરાવવા માટે નીકળ્યો હતો. એમને તરસ લાગી હોવાથી હું એમને પાસેના એક ઝાડ નીચે બેસાડીને પાણી ભરવા અહીં આવ્યો હતો. તેઓ મારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં હશે. તમે કૃપા કરી આ ઘડામાં એમને માટે જલ્દી પાણી લઈ જાઓ.
આટલા શબ્દો બોલીને એ યુવકે પ્રાણ છોડી દીધા. હું ઘડામાં પાણી ભરીને તેના માબાપની પાસે ગયો. મારાં પગલાંનો અવાજ સાંભળીને શ્રવણના પિતા બોલી ઊઠ્યા, બેટા શ્રવણ, તું આવી ગયો ?

મેં ડરતાં ડરતાં તેમને કહ્યું, હું શ્રવણ નથી, અયોધ્યાનો રાજા દશરથ છું. શ્રવણ સરયૂ નદીમાંથી પાણી ભરી રહ્યો હતો તે વખતે મેં ગેરસમજથી છોડેલું એક શબ્દવેધી બાણ તેની છાતીમાં વાગી ગયું. તેથી તે મૃત્યુ પામ્યો.
આ સાંભળીને તેમણે પુત્રના વિરહમાં ઝૂરી ઝૂરીને એમના પ્રાણનો ત્યાગ કરી દીધો. શ્રવણના પિતાએ મૃત્યુ પામતાં પૂર્વે મને શાપ આપતાં કહ્યું હતું : હે અવિચારી રાજા ! જેવી રીતે આજે અમે અમારા પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી રહ્યાં છીએ, તેવી જ રીતે એક દિવસ તું પણ તારા પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરણ પામીશ.
મને લાગે છે કે શ્રવણના પિતાએ મને આપેલો શાપ હવે સાચો ઠરી રહ્યો છે. મારા શરીરમાંથી જાણે કોઈ મારા પ્રાણ ખેંચીને લઈ જઈ રહ્યું હોય એવો મને અનુભવ થાય છે. મારાથી અજાણતાં પણ એક નિર્દોષ યુવકની હત્યા થઈ હતી. તેનું જ આ ફળ છે. ખરેખર હું ખૂબ દુર્ભાગી છું. હે રામ ! હે લક્ષ્‍મણ ! હે સીતે ! કૌશલ્યા.....સુમિત્રા......!‘‘ એવું બોલતાં બોલતાં દશરથ રાજા ઢળી પડ્યા.

રાણીઓને રાજાના મૃત્યુનો પ્રચંડ આઘાત લાગ્યો. સૂર્યોદય થતાં માર્કણ્ડેય ઋષિ અને અન્ય મંત્રીઓએ મહર્ષિ‍ વસિષ્‍ઠને એવું સૂચવ્યું કે, "રાજગાદી લાંબો સમય ખાલી ન રહેવી જોઈએ. તેની ઉપર અનુગામી રાજાની તાત્કાલિક નિયુક્તિ કરવી જોઈએ."
મહર્ષિ‍ વસિષ્‍ઠે ભરત અને શત્રુધ્નને અયોધ્યામાં લઈ આવવા માટે પાંચ દૂતોને તાત્કાલિક કૈકય દેશ તરફ રવાના કર્યા.

૧૩. ભરતનો સંતાપ

મહર્ષિ‍ વ‍સિષ્‍ઠેના દૂતોને કૈકય દેશ આવીને ભરતના નાના અને મામાને કહ્યું, "મહર્ષિ‍ વસિષ્‍ઠે કહેવડાવ્યું છે કે આપ ભરત અને શત્રુધ્નને અમારી સાથે અયોધ્યા મોકલી આપો અને પછીથી આપ પણ બનતી ઝડપે ત્યાં આવી પહોંચજો."
આમ ભરત અને શત્રુધ્ન વસિષ્‍ઠના દૂતોની સાથે રવાના થઈને અયોધ્યા આવી પહોંચ્યા. એ વખતે આખી નગરી સૂની અને ઉજ્જડ લાગતી હતી.
ભરતે દુઃખી હૈયે પિતાના મહેલમાં ગયો. ત્યાં એને કોઈ જોવા મળ્યું નહીં. એટલે તે કૈકેયીના મહેલમાં દોડી ગયો.
કૈકેયીએ ભરતને ઉમળકાભેર આવકાર આપ્‍યો. ભરતે તેને મોસાળના સમાચાર આપીને પિતા અને ભાઈ રામ વિશે પૂછ્યું. કૈકેયીએ તેનાં બે વરદાન, દશરથ રાજાનું મૃત્યુ તેમજ રામ-સીતા અને લક્ષ્‍મણના વનવાસ વિશે ભરતને માહિતી આપી. એ બધું સાંભળીને ભરતની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. કૈકેયીએ તેને સમજાવતાં કહ્યું, "તારે દુઃખી થવાની જરૂર નથી. તું બધી ચિંતા છોડીને અયોધ્યાનું રાજ્ય સંભાળી લે. મેં તારા હિતને ખાતર જ આ બધું કર્યું છે."
પોતાની માતા પાસેથી આવી વાતો સાંભળવા મળશે એવું ભરતે કદી વિચાર્યું નહોતું. એ ઝડપથી રાજ્યની અને રાજપરિવારની આખી સ્થિતિ સમજી ગયો. તેના ક્રોધનો પાર ન રહ્યો. એણે રાડ પાડીને કૈકેયીને કહ્યું, "ઓ પાપિ‍ણી ! તેં આ બધું શું કરી નાખ્યું ? તેં એવું કેમ માની લીધું કે પિતાના મૃત્યુ અને ભાઈ-ભાભીના વનવાસનું કલંક મારે માથે રાખીને પણ હું અયોધ્યાનો રાજા બનવા તૈયાર થઈ જઈશ.
ભરત કૈકેયીનો મહેલ છોડીને કૌશલ્યાની પાસે દોડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એણે માતા કૌશલ્યાને કહ્યું, "મારી માતાએ જે કૃત્ય કર્યું એ વિષે મને કશી ખબર નહોતી.
મારી માતાની મહત્વાકાંક્ષામાં મારી સહેજ પણ સંમતિ નથી." ભરતને દુઃખી જોઈને કૌશલ્યાને ભારે આઘાત લાગ્યો. એ ભરતને આશ્વાસન આપવા લાગ્યાં; પણ ભરત પિતાને અને ભાઈ રામને યાદ કરી કરીને ક્યાંય સુધી રડતો જ રહ્યો.
બીજા દિવસની સવારે ચંદનની ચિતા પર દશરથ રાજાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી ભરતે મંત્રીઓ, પુરોહિતો અને નગરજનોની એક સભા બોલાવીને એમાં જાહેરાત કરી, "મારી ગેરહાજરીમાં અયોધ્યામાં જે કંઈ બની ગયું એનું મને ભારે દુઃખ છે. આપ સૌ જાણો છો કે મારા પિતાજી પછી એમની રાજગાદી પર બેસવાનો હક ફક્ત શ્રીરામનો છે.
હું આવતી કાલે રામને લેવા ચિત્રકુટ જઈશ. મને શ્રદ્ધા છે કે હું રામને જરૂર અયોધ્યામાં પાછા લાવી શકીશ."

૧૪. ચિત્રકૂટમાં ભરતનું આગમન

ભરત મંત્રીઓ, માતાઓ અને સેના સાથે ચિત્રકૂટ જવા નીકળ્યો. ઘણા નગરજનો પણ તેની સાથે જોડાયા હતા. આ રસાલો સાંજ સુધીમાં શૃંગવેપુર આવી પહોંચ્યો. એમણે ગંગા નદીને કિનારે પડાવ નાખ્યો.
દૂરથી અયોધ્યાની ધજાઓ અને ચતુરંગિણી સેનાને જોઈને નિષાદરાજના મનમાં જાતજાતની શંકાઓ ઊઠવા લાગી. તેણે તેના સૈનિકોને સાબદા કરીને કહ્યું, "સાથીઓ ! ભરતને મળીને એના આગમનનો હેતુ જાણી લાવું છું. જો એ રામને મળવાના ઈરાદાથી આવ્યો હશે તો આપણે તેને મદદ કરીશું. પણ જો તેના મનમાં કોઈ પાપ હશે તો હું તમને ઇશારો કરીશ. એટલે તમે એની સેના ઉપર તૂટી પડજો. તેનું પરિણામ તો વિધાતાએ જે ધાર્યું હશે તે જ થશે."
નિષાદરાજ પોતાના ભરતને મળવા ઊપડ્યો. ભરત નિષાદરાજને ભેટી પડ્યો. ભરતની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે વ્યાકુળતાથી નિષાદરાજને રામ, સીતા અને લક્ષ્‍મણના સમાચાર પૂછ્યા. નિષાદરાજ તરત જ ભરતના મનની વાત સમજી ગયો. એણે ભરતને પેલું ઇંગુદીનું વૃક્ષ બતાવ્યું, જ્યાં રામે એક રાત ગાળી હતી. ભરત રડતો રડતો એ વૃક્ષ નીચે બેસી ગયો. એણે રામનાં પગલાંથી પાવન થયેલી ઘરતીને વંદન કરીને ત્યાંની ધૂળને માથે ચડાવી.
નિષાદરાજે ભરત અને એના રસાલાના ભોજન તથા વિશ્રામની ઉત્તમ વ્યવસ્થા કરી. ભરતે તેના માથા પરથી મુગટ દૂર કરીને જટા બાંધી લીધી અને વલ્કલ પહેરી સંન્યાસીનો વેશ ધારણ કર્યો.
બીજા દિવસે સવારે ભરત અને નિષાદરાજ એમના રસાલા સાથે પાંચસો નૌકાઓમાં સવાર થઈને ગંગાના સામે કિનારે પહોંચ્યા.
ભરતને સેના સાથે આવેલો જોઈને ભરદ્વાજ ઋષિના મનમાં પણ સંશય થયો. પરંતુ ભરત એમને મળ્યો પછી એમની શંકા દૂર થઈ. તેમના આશ્રમમાં એક રાત્રિ પસાર કરી, તેમનું માર્ગદર્શન લઈ ભરત અને તેનો રસાલો ચિત્રકૂટ તરફ ચાલી નીકળ્યો.

કુટિરના આંગણામાં બેઠેલા રામ ભરતના રસાલાનો કોલાહલ સાંભળીને સજાગ થઈ ગયા. એમણે લક્ષ્‍મણને એ અવાજની તપાસ કરી આવવા કહ્યું.
લક્ષ્‍મણે વૃક્ષ પર ચડીને અયોધ્યાની ચતુરંગિણી સેના અને ભરતને જોયાં. એણે વૃક્ષ પરથી નીચે ઊતરીને તેનાં ધનુષ્‍યબાણ હાથમાં લેતાં રામને કહ્યું, "વડીલ બંધુ ! ભરત અયોધ્યાની ચતુરંગિણી સેના સાથે આ તરફ આવી રહ્યો છે. મને લાગે છે કે એ આપણને વનમાં પણ શાંતિથી રહેવા દેવા ઇચ્છતો નથી. હું એ પાપીને હણીને કૈકેયી અને મંથરાને યમધામ પહોંચાડી દઈશ ત્યારે મારા જીવને ટાઢક વળશે."
રામે લક્ષ્‍મણને શાં પાડતાં કહ્યું, "ભાઈ લક્ષ્‍મણ ! વીર અને શાણા પુરુષોએ હંમેશાં ધીરજથી વર્તવું જોઈએ. ભરત એક સાધુપુરુષ છે. એ યુદ્ધ કરવા નહીં પણ મને મળવા માટે જ અહીં આવી રહ્યો છે."

૧૫. રામ-ભરતનું મિલન

નિષાદરાજ સાથે ભરતનો રસાલો રામની પર્ણકુટિ પાસે આવી પહોંચ્યો. રામ એક મોટી શિલા પર બેઠેલા હતા. તેમની એક તરફ સીતા અને બીજી તરફ લક્ષ્‍મણ બેઠેલાં હતાં. ભરત દોડતો જઈને રામના ચરણોને વીંટળાઈ વળ્યો. રામ ભરતને ઊઠાડીને એને ભેટી પડ્યા. ભરતે સીતાનાં ચરણોનો સ્પર્શ કરીતાં સીતાએ તેને આશીર્વાદ આપ્‍યા. ત્યાર પછી તે લક્ષ્‍મણને ભેટી પડ્યો. શત્રુધ્ને પણ એ ત્રણેયને પ્રણામ કર્યા.
રામ અને લક્ષ્‍મણ ભરતની સાથે આવેલી માતાઓ તથા નગરવાસીઓને મળ્યા. કૈકેયીને હવે મનોમન પસ્તાવો થઈ રહ્યો હતો. પિતાના મૃત્યુના સમાચાર મળતાં રામને ભારે આઘાત લાગ્યો. એમણે મંદાકિનીના કિનારે જઈ પિતાને અંજલિ આપી.
ઇંગુદીનાં ફૂલોનો અર્ધ્ય આપતાં તે બોલ્યા, "પરમ પૂજનીય પિતાજી ! આપને અર્ધ્ય આપવા અત્યારે મારી પાસે ફક્ત આ ફૂલો છે. મારો અર્ધ્ય સ્વીકારી મને કૃતાર્થ કરજો."
એ રાત્રે ચિત્રકૂટમાં વિશ્રામ કરીને બીજા દિવસની સવારે અયોધ્યાવાસીઓ રામની પાસે આવ્યા. ભરતે માતા કૈકેયીની ભૂલ બદલ રામની માફી માગી અને એમને અયોધ્યામાં પાછા ફરવા આગ્રહ કર્યો. રામે ભરતને કહ્યું, "જે કંઈ બની ગયું છે તેમાં તારો કે માતા કૈકેયીનો કોઈ દોષ નથી. આ બધી વિધિની લીલા છે. પૂજ્ય પિતાજીએ જે વચન પાળવા માટે એમના પ્રિય પુત્રને વનમાં મોકલ્યો અને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી તેનો હું કે તું અનાદર કરી શકીએ નહીં. હું હવે ચૌદ વર્ષ બાદ જ અયોધ્યામાં પાછો ફરીશ. ત્યાં સુધી તારે જ અયોધ્યાનું રાજ્ય સંભાળવાનું છે."
ભરતે રામને કહ્યું, "મેં સંન્યાસ લઈ લીધો છે. પિતાજીના વચનનું પાલન કરવા માટે હું વનમાં રહીશ. આપ અયોધ્યાનું રાજ્ય સંભાળો."

ત્રણેય માતાઓ, ઋષિમુનિઓ, મંત્રીઓ તથા અયોધ્યાના નગરજનોએ રામને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ રામ એમના નિર્ણયમાં અટલ રહ્યા. આખરે ભરતે રામની ચરણપાદુકાઓ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રજૂ કરી. રામે પ્રેમથી પોતાની ચરણપાદુકાઓ કાઢી આપી. પછી એ ચરણપાદુકાને માથે મૂકીને ભરતે રામને કહ્યું, "અયોધ્યાની રાજગાદી પર હું આપની આ ચરણપાદુકાઓની સ્થાપના કરીશ અને ચૌદ વર્ષ સુધી આપના પ્રતિનિધિ તરીકે અયોધ્યાના રાજ્યનો વહીવટ સંભાળીશ."
રામે ભરતને કહ્યું, "તું નીતિપૂર્વક રાજ્ય ચલાવી પ્રજાને સુખી કરજે. ત્રણેય માતાઓની સાથે સમાન વ્યવહાર કરજે. માતા કૈકેયીને દૂભવતો નહીં."
ભરતને ભાવભીની વિદાય આપી રામ, સીતા અને લક્ષ્‍મણ પર્ણકુટિમાં પાછાં ફર્યાં.
અયોધ્યા પહોંચીને ભરતે શ્રીરામની પાદુકાઓને રાજસિંહાસન પર સ્થાપિત કરીને મંત્રીઓને સૂચના આપી, "આજથી અયોધ્યામાં શ્રીરામની પાદુકાઓનું શાસન રહેશે."
ત્યાર બાદ શત્રુધ્નને માતાઓની સંભાળ રાખવાનું કહી ભરત અયોધ્યાની પાસેના નંદિગ્રામમાં પર્ણકુટિ બનાવી એમાં રહેવા ચાલ્યો ગયો. તે સંયમી જીવન અપનાવી રાજ્યના વહીવટ પર દેખરેખ રાખવા લાગ્યો.

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૨

૬. સીતાજીનો સ્વયંવર

રામ અને લક્ષ્‍મણ ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા હતા, તે જ વખતે સીતાજી પોતાની સખીઓ સાથે ફૂલવાડીમાં આવ્યા. એક સખીએ એની પાસે આવીને કહ્યું, "બે સુંદર રાજકુમારો આપણી ફૂલવાડીમાંથી ફૂલો ચૂંટી રહ્યા છે."
બીજી સખીએ કહ્યું, "એ બંને અયોધ્યાના રાજકુમારો હશે. તે મહર્ષિ વિશ્વામિત્રની સાથે આવ્યા છે."
સીતાજી ધીમે પગલે રામ અને લક્ષ્‍મણની પાછળ જઈને તેમને ધારી ધારીને જોવા લાગ્યા. રામ-સીતાજીની નજર એક થઈ ગઈ. તે બંને એકમેકને જોવામાં લીન થઈ ગયાં !
ત્યાર પછી રામ અને લક્ષ્‍મણ ત્યાંથી ચાલ્યા ગયા. સીતાજી પોતાના મહેલમાં પાછાં ફર્યા.
સીતા સ્વયંવર યજ્ઞશાળામાં યોજવામાં આવ્યો હતો. વિશ્વામિત્ર રામ-લક્ષ્‍મણને પોતાની સાથે લઈને યજ્ઞશાળામાં આવ્યા.

સીતાજીનું યજ્ઞશાળામાં આગમન થયું. જનક રાજાની સૂચનાથી તેમના મહામંત્રીએ સભાજનોને ઉદ્દેશીને કહ્યું, "રાજકુમારી સીતાજીના સ્વયંવર પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
અહીં ભગવાન શિવનુ; એક પૌરાણિક ધનુષ્‍ય મૂકવામાં આવ્યું છે.
મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પુરુષ આ સુભાન ધનુષ્‍યને ઊંચકીને તેની પણછ ચડાવી શકશે, એની સાથે રાજકુંવરી સીતાજીનું લગ્ન કરવામાં આવશે."
જનક રાજાની પ્રતિજ્ઞા સાંભળીને એક પછી એક રાજા ઊઠી ઊઠીને ધનુષ્‍ય પાસે જવા લાગ્યા. એ સૌએ ધનુષ્‍યને ઊંચકવા ભારે મહેનત કરી પણ ધનુષ્‍ય પોતાની જગ્યાએથી સહેજ પણ ખસ્યુંયે નહીં. મહારાજ જનક નિરાશ થયા. તેમણે સભાજનોને કહ્યું, "જો મને પહેલેથી જ એ વાતની ખબર હોત કે આ પૃથ્વી પર સુનાભ ધનુષ્‍યને ઊંચકી શકે એવો એક પણ વીર બચ્યો નથી, તો મેં આવી આકરી પ્રતિજ્ઞા જ ન કરી હોત !"
જનક રાજાની આવી વાણી સાંભળી લક્ષ્‍મણ ઉશ્કેરાઈ ગયો. એણે રામને કહ્યું, "મોટા ભાઈ, આપની હાજરીમાં જનક રાજાએ આ પ્રમાણે બોલવાની હિંમત કેવી રીતે કરી ? "
રામ લક્ષ્‍મણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એવામાં મહર્ષિ‍ વિશ્વામિત્રે રામને સુનાભ ધનુષ્‍યને ઊંચકવાનો સંકેત કર્યો.

વિશ્વામિત્રનો સંકેત મળતાં રામ ઊભા થઈને ધનુષ્‍યની પાસે ગયા. એ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકોની ર્દષ્ટિ રામની હિલચાલ પર સ્થિર થઈ ગઈ હતી. રામે સરળતાથી એ ધનુષ્‍ય હાથમાં ઉઠાવી લીધું. તેમણે એની પણછ ચડાવીને ધનુષ્‍ય-ટંકાર કરવા માટે પણછ ખેંચી કે તરત જ ધનુષ્‍ય વચ્ચેથી તૂટી ગયું. વજ્રપાત જેવો ભયાનક અવાજ થયો અને એ અવાજથી ધરતી ધ્રૂજી ઊઠી. તમામ લોકો ધનુષ્‍ય તૂટવાનો પ્રચંડ અવાજ સાંભળીને ડરી ગયા.
સીતાજીએ રામની પાસે જઈને તેમના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
રામનું પરાક્રમ જોઈ જનક રાજા આનંદવિભોર થઈ ગયા. જનક રાજાએ વિશ્વામિત્રને કહ્યું, "મુનિવર ! આજે આપની કૃપાથી મને મારી પુત્રી માટે યોગ્ય વર મળી ગયો છે. હવે આપ મને આજ્ઞા આપો તો હું મહારાજ દશરથને અહીં પધારવાનો સંદેશો મોકલી આપું."
વિશ્વામિત્ર હસતાં હસતાં બોલ્યા, "હવે મને પૂછવાની જરૂર જ ક્યાં છે ? શુભસ્ય શીઘ્રમ્."

૭. રાજકુમારોનાં લગ્ન

રાજા જનકના મંત્રીઓ અયોધ્યા પહોંચ્યા. દશરથ એમની પાસેથી રામ-લક્ષ્‍મણના સમાચાર જાણીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. રામે શિવધનુષ્‍ય તોડી નાખ્યું છે એવું જાણીને એમના હર્ષનો પાર ન રહ્યો. એમણે જાન લઈને તરત જ મિથિલા જવાની તૈયારી કરી.
દશરથ રાજા વસિષ્‍ઠ, વામદેવ, જાબાલિ, કશ્યપ, માર્કણ્ડેય, કાત્યાયન વગેરે ઋષિઓ, મંત્રીઓ તથા રાજપરિવાર સહિત અયોધ્યાથી રવાના થઈ મિથિલામાં આવી પહોંચ્યા. નગરના દ્વારે જનક રાજાએ જાનનું ભવ્ય સામૈયું કર્યું. મહર્ષિ‍ વિશ્વામિત્ર રામ-લક્ષ્‍મણને લઈ દશરથને મળવા ગયા. રામ-લક્ષ્‍મણે એમના પિતાને પ્રણામ કર્યા. દશરથે મહર્ષિ‍ વિશ્વામિત્રને પ્રણામ કરીને કહ્યું, "હે ઋષિવર ! આપની કૃપાથી જ મને આવો અવસર જોવાનું સદ્દભાગ્ય મળ્યું છે."
દશરથ રાજાની સંમતિ મેળવીને જનક રાજાએ સાંકાશ્યા નગરીમાંથી એમના ભાઈ કુશધ્વજને મિથિલામાં બોલાવી લીધો. તેને માંડવી અને શ્રુત‍કીર્તિ એમ બે કન્યાઓ હતી.
રામને સીતાની સાથે, લક્ષ્‍મણને જનકની બીજી પુત્રી ઊર્મિલાની સાથે તથા ભરતને માંડવી સાથે અને શત્રુધ્નને શ્રુતકીર્તિની સાથે પરણાવવામાં આવ્યા.
મહર્ષિ‍ વિશ્વામિત્ર દશરથ રાજાને અભિનંદન આપીને એમના આશ્રમમાં ચાલ્યા ગયા. થોડા દિવસો સુધી જનક રાજાની મહેમાનગતિ માણ્યા પછી દશરથ રાજા જાન સાથે અયોધ્યા જવા રવાના થયા.
તેઓ મિથિલાથી થોડેક દૂર પહોંચ્યા ત્યાં ક્રોધથી ધ્રુજતા પરશુરામ એમના હાથમાં પરશુ અને ધનુષ્‍યબાણ લઈને ત્યાં આવી પહોંચ્યા. પરશુરામે અહંકારપૂર્વક રામને કહ્યું, "મેં સાંભળ્યું છે કે તું બહુ પરાક્રમી છે. તેં શિવધનુષ્‍ય તોડી નાખ્યું એની મને ખબર મળી છે. એ ધનુષ્‍ય ખૂબ જૂનું થઈ ગયેલું હોવાથી તૂટી ગયું હશે. હું મારી સાથે વિષ્‍ણુનું એક ધનુષ્‍ય લાવ્યો છું. તું મને એની પણછ ચડાવી બતાવ અને પછી મારી સાથે દ્વંદ્વયુદ્ધ કર."

દશરથ રાજાએ પરશુરામને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પરશુરામે એ તરફ ધ્યાન જ ન આપ્‍યું. રામ પોતાના પિતાની મર્યાદા રાખી રહ્યા હતા. એમણે પરશુરામને કહ્યું, "આપની વીરતા વિશે મેં ઘણી વાતો સાંભળી છે. હું આપનું માન જાળવવા માટે શાંત રહ્યો છું. પણ આપ મને નિર્બળ સમજીને મારો તિરસ્કાર કરી રહ્યા છો ! તેથી મારે આપની સમક્ષ મારાં તેજ અને પરાક્રમ પ્રગટ કરવાં જ પડશે."
એવું કહીને રામે ભગવાન વિષ્‍ણુનું ધનુષ્‍ય પરશુરામની પાસેથી પોતાના હાથમાં લીધું. એની પણછ ચડાવીને તેના પર એક બાણ મૂકી રામે કહ્યું, "આપ પૂજનીય હોવાથી હું આ બાણ આપની ઉપર ચલાવી શકું નહીં. પરંતુ આ ભગવાન વિષ્‍ણુનું બાણ છે. એ વ્યર્થ જઈ શકતું નથી. તેથી હું આ બાણ વડે આપનાં તપોબળ અને અવકાશમાં ગતિ કરવાની આપની મનસ્ શક્તિનો નાશ કરીશ."
રામનું આવું સામર્થ્ય જોઈને પરશુરામ દંગ થઈ ગયા હતા. હવે એમને રામનો ભય લાગ્યો. એમણે રામની સ્તુતિ કરીને તેમને વિનંતી કરી, "આપ મારા તપોબળને ભલે નષ્‍ટ કરી દો. પણ મારી મનસ્ શક્તિનો નાશ ન કરશો. હજુ મહેન્દ્ર પર્વત પર પાછા જવા માટે મારે તેની જરૂર છે."
રામે એ બાણ વડે પરશુરામના તપોબળનો નાશ કર્યો. પરશુરામ નિસ્તેજ થઈ ગયા. તે રામની પ્રશંસા કરીને તરત જ મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા.

જાનનું અયોધ્યામાં આગમન થતાં ઘેર ઘેર આનંદોત્સવ મનાવવામાં આવ્યો. રાણીઓએ તેમના પુત્રો અને પુત્રવધૂઓની આરતી ઉતારી.
રાજકુમારો ગુણવાન અને સુંદર પત્‍નીઓ પામીને પ્રસન્ન થયા હતા. દશરથ રાજા અને તેમની રાણીઓ કુળવાન અને સંસ્કારી પુત્રવધૂઓ મળવાથી ખુશ થયાં હતાં. ચારેય કન્યાઓના પગલે રાજપરિવારમાં દિનપ્રતિદિન સુખ અને સમૃદ્ધિ વધવા લાગ્યાં.
ભરતના મામા યુધાજિત ભરતને લેવા માટે અયોધ્યા આવ્યા હતા. એ સમયે રાજપરિવાર જાન લઈને મિથિલા ગયેલો. યુધાજિત પણ મિથિલામાં જઈ પહોંચ્યા. ત્યાંથી એ જાનની સાથે અયોધ્યામાં પાછા ફર્યા. થોડા દિવસો પછી દશરથ રાજાએ ભરત અને શત્રુધ્નને યુધાજિત સાથે મોસાળ જવાની સંમતિ આપી. એટલે યુધાજિત તેમને સાથે લઈને કેકય દેશ ચાલ્યા ગયા. લાંબા સમય પછી ભરતને મોસાળમાં આવેલો જોઈને તેના નાનાજી અશ્વપતિ ખુશખુશાલ થઈ ગયા

૮. રામના રાજ્યાભિષેકની તૈયારી

મોસાળમાં ભરત અન શત્રુધ્ને મોજ-મસ્તીમાં ઘણા દિવસો પસાર કર્યા. ભરત જ્યારે જ્યારે અયોધ્યા જવાની વાત કરતો ત્યારે એના નાનાજી એને આગ્રહ કરીને રોકી લેતા હતા. આમ મોસાળમાં એનું રોકાણ લંબાતું ગયું.
અયોધ્યામાં રામ અને લક્ષ્‍મણ બે જ ભાઈઓ રહ્યા હતા. રામ પોતાના પિતાને રાજકાજમાં મદદરૂપ થતા હતા. તે નમ્ર, વિદ્વાન, શૂરવીર અને પરાક્રમી હતા. તેની અયોધ્યાની પ્રજા રામને ખૂબ ચાહતી હતી. રામની કામગીરીથી દશરથ રાજા પણ સંતુષ્‍ટ હતા. રાજા દશરથ હવે વૃદ્ધ થયા હતા. તેથી એમણે અયોધ્યાના યુવરાજ તરીકે રામનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો.
રાજાએ મંત્રીઓ સાથે મસલત કરીને એમના મિત્ર રાજાઓને યુવરાજના રાજ્યાભિષેક અંગેનાં નિમંત્રણ મોકલી દીધાં. એમનાથી ઉતાવળમાં કેકયનરેશને તથા મિથિલાનરેશને આમંત્રણ મોકલવાનું સાવ ભુલાઈ ગયું.
નિયત સમયે દેશવિદેશના રાજાઓ અને અયોધ્યાના આગેવાનો સભાભવનમાં એકઠા થયા. રાજા દશરથે સભાજનો સમક્ષ રામને યુવરાજપદે આરૂઢ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સભાજનોએ રાજાના આ પ્રસ્તાવને વધાવી લીધો. પછી રાજાએ જાહેરાત કરી : "આવતી કાલે જ રામના રાજ્યાભિષેકનો સમારંભ યોજવામાં આવશે. આપ સૌ એમાં હાજરી આપશો એવી મારી અપેક્ષા છે."

ત્યાર બાદ દશરથ રાજાની સૂચના મળતાં મંત્રી સુમંત્ર રામને સભાભવનમાં બોલાવી લાવ્યા. દશરથ રાજાએ રામને કહ્યું, "તમને અયોધ્યાની પ્રજાએ યુવરાજ તરીકે પસંદ કર્યા છે. તમે તમારા રાજ્યધર્મનું યોગ્ય રીતે પાલન કરી આપણી કુલપરંપરાનું જતન કરશો."
સભા પૂરી થયા પછી દશરથ રાજા પોતાના મહેલમાં ગયા. એમણે રામને એકાંતમાં બોલાવીને કહ્યું, "બેટા ! હું હવે વૃદ્ધ થઈ ગયો છું. હવે કોઈ પણ ક્ષણે મારી આંખો મિચાઈ શકે છે. ભરત અત્યારે અયોધ્યામાં નથી. મને ભવિષ્‍યની ચિંતા સતાવી રહી છે. આવતી કાલે ગુરુપુષ્‍ય યોગના શુભ મુહૂર્તમાં યુવરાજપદે તારો રાજ્યાભિષેક થશે. તું તો જાણે છે કે શુભ કાર્યમાં સો વિધ્નો આવે છે."
રામે તેમના પિતાની બધી વાતોને ધ્યાનથી સાંભળી. ત્યાર પછી એ માતા કૌશલ્યાની પાસે ગયા. તેમણે માતાને પોતાના રાજ્યાભિષેકની વાત કરી. માતાને આ સમાચાર સાંભળી અત્યંત આનંદ થયો. ત્યાર પછી રામે લક્ષ્‍મણ અને સીતાને પણ આનંદના આ સમાચાર આપ્‍યા. ધીમે ધીમે આખા નગરમાં રામના રાજ્યાભિષેકના સમાચાર પ્રસરી ગયા. સૌ નગરજનો આનંદના સાગરમાં ડૂબી ગયા.
એક તરફ રામના રાજ્યાભિષેકની જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી તો બીજી તરફ કાળની કોઈ ક્રૂર રમત ચાલી રહી હતી.

૯. કૈકેયીના વરદાન

રાણી કૈકેયીને મંથરા નામની એક દાસી હતી. કૈકેયીની ઘણી માનીતી હતી. રામના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને એ કૈકેયીના મહેલમાં દોડી જઈને તેને કહેવા લાગી, "મહારાણી ! આવતી કાલે રામનો યુવરાજ તરીકે અભિષેક કરવાના છે."
કૈકેયીએ કહ્યું, "અરે મંથરા, એ તો ખૂબ આનંદની વાત છે. "
મંથરા બોલી, "રાણીબા, રામ રાજા થશે પછી શું તે તમારા પુત્ર ભરતને શાંતિથી જીવવા દેશે ? રામ રાજા બનતાં કૌશલ્યા રાજમાતા થશે. તમે અને ભરત તો તેમનાં દાસ બની રહેશો "
કૈકેયીને ચિંતા થઈ. મંથરાએ કહ્યું, " ઇન્દ્ર અને શંબરાસુરના યુદ્ધ વખતે રાજાના પ્રાણ બચાવ્યા હતા. રાજાએ તમારા પર ખુશ થઈને તમને બે વરદાન માગવાનું કહ્યું હતું. તમે એમની પાસે તમારાં બે વરદાનની માગણી કરજો. એક વરદાનમાં ભરતનો રાજ્યાભિષેક અને બીજા વરદાનમાં રામને માટે ચૌદ વર્ષનો વનવાસ માગી લેજો. "

કૈકેયી મંથરાની સલાહ મુજબ રિસાઇને કોપભવનમાં બેસી ગયા. દશરથ રાજા તરત એને મનાવવા એના મહેલમાં દોડી આવ્યા. એમણે કૈકેયીને કહ્યું, "હે રાણી ! તમે રીસ છોડી દો. તમે જેમ કહેશો તેમ જ કરવામાં આવશે."
રાજાએ રામના સોગંદ લઈ વચન આપ્‍યું તેથી કૈકેયીએ તરત જ એમને પોતાનાં બે વરદાનની વાત કરી. રામના વનવાસની વાત સાંભળતાં જ રાજા પર જાણે કે વજ્રપાત થયો ! થોડી વાર સુધી તો રાજા કંઈ બોલી જ શક્યા નહીં. પછી એમણે કૈકેયીને સમજાવી, "તમે કહો છો માટે ભરતનો રાજ્યાભિષેક કરવા તૈયાર છું. પણ તમે રામને વનમાં મોકલવાની વાત છોડી દો એને વગર વાંકે આવી કઠોર શિક્ષા ન કરો. રામ વિના તો હું એક ક્ષણ માટે પણ જીવી શકીશ નહીં."
કૈકેયી ના પર દશરથની વિનંતીની કશી અસર થઈ નહીં. એણે રાજાને કડવાશથી કહ્યું, "વચન આપીને ફરી જવું એ રઘુકુલના રાજાને શોભતું નથી. સત્યથી વિમુખ થઈ આપ જગતને શું મોં બતાવશો ? આપ આ પાપનો ભાર ઉપાડી જીવી શકશો ?"

અમંગળ ભાવિની આશંકાઓથી રાજા આઘાત પામ્યા અને તરત જ બેભાન થઈને ઢળી પડ્યા. રાજાને મળવા માટે મંત્રી સુમંત્ર કૈકેયીના મહેલમાં આવ્યા. રાજાની અસહાય સ્થિતિ જોઈને કૈકેયીને એ બાબતની પૂછપરછ કરી. કૈકેયીએ સુમંત્રને કહ્યું, "મને કંઈ ખબર નથી પણ તમે રામને અહીં બોલાવો. રાજા એમના એ પ્રિય પુત્રને પોતાના મનની વાત કહેશે."
સુમંત્ર રામને બોલાવવા માટે ગયા. રામ અને લક્ષ્‍મણ દશરથની પાસે દોડી આવ્યા. દશરથે રામને કંઈક કહેવા પ્રયત્ન કર્યો પણ એ કશું બોલી શક્યા નહીં. એ પાછા બેભાન થઈ ગયા. એટલે કૈકેયીએ રામને પોતાના બે વરદાનની વાત કરી. રામ તરત આખી વાત સમજી ગયા. તેમણે કૈકેયીને કહ્યું, "મારા પિતાનું વચન પાળવા માટે હું હમણાં જ વનમાં જઈ રહ્યો છું. તમે ભરતને બોલાવી ખુશીથી તેનો રાજ્યાભિષેક કરાવો."
રામે માતા કૌશલ્યા પાસે જઈ કૈકેયીના મહેલમાં બનેલી બધી વાત કરી. કૌશલ્યાને ભારે આઘાત લાગ્યો. કૌશલ્યા માતાને દુઃખથી વ્યાકુળ થયેલાં જોઈ લક્ષ્‍મણ ગુસ્સે થઈ ગયો. રામે તેને શાંત પાડીને કહ્યું, "વિધિના લેખ મિથ્યા ન થાય. આ પણ વિધિની કરામત છે. તું મારે વનમાં જવાની વ્યવસ્થા કર."

૧૦. રામ વનવાસમાં

રામે માતા કૌશલ્યાનો ચરણસ્પર્શ કરીને વનમાં જવાની આજ્ઞા માગી. કૌશલ્યાએ દુઃખી હ્રદયે કહ્યું, "હું તને વનમાં જવાની આજ્ઞા આપીશ નહીં. તારા પિતાની આજ્ઞા અન્યાયી છે. તું આવી આજ્ઞાનું પાલન કરવા માટે બંધાયેલો નથી.."
રામે માતાને કહ્યું, "માતા ! તમારી લાગણી હું સમજી શકું છું. મારા માટે પિતાની આજ્ઞાથી વધુ મહત્વનું કંઈ જ નથી. તેથી વનમાં જવાનો મારો નિર્ણય અફર છે."
રામનો ર્દઢ નિશ્ચય જોઈને કૌશલ્યાએ રામને આશીર્વાદ આપ્‍યા. સીતાએ પણ રામની સાથે વનમાં જવાની જીદ કરી.
રામે સીતાને વારવા પ્રયત્ન કર્યો; છતાં પણ સીતાએ તેની જીદ છોડી નહીં. રામે ન છૂટકે સીતાને પોતાની સાથે આવવાની સંમતિ આપી.
લક્ષ્‍મણે પણ પોતાને વનમાં સાથે લઈ જવા વિનંતી કરી.
રામ લક્ષ્‍મણ વગર અને લક્ષ્‍મણ રામ વગર રહી શકે એ વાત જ અશક્ય હતી. આથી રામે લક્ષ્‍મણને પણ આવવાની સંમતિ આપી દીધી.લક્ષ્‍મણ સુમિત્રા તથા ઊર્મિલાની રજા મેળવીને પાછો આવ્યો.

કૈકેયીના મહેલમાં રામ-સીતા અને લક્ષ્‍મણે દશરથ પાસે આવી, વનમાં જવાની રજા માગી.
દશરથે રામને કહ્યું, "બેટા તું અયોધ્યાનું રાજ્ય સંભાળી લે. નહીં તો ભારે અનર્થ થઈ જશે." રામે એમને નમ્રતાપૂર્વક જવાબ આપ્‍યો, "પિતાજી ! રઘુકુલની એવી રીત છે કે આપણે પ્રાણને ભોગે પણ વચનપાલન કરવું જોઈએ. આપ અમને વનમાં જવાની ખુશીથી રજા આપો."
માતાઓ અને વડીલોની વિદાય લઈ, રામ કૈકેયીનો મહેલ છોડી ચાલી નીકળ્યા.મંત્રી સુમંત્ર એક રથ લઈને નગરના દ્વારે ઊભા હતા. રામ, લક્ષ્‍મણ અને સીતા એ રથમાં બેસી ગયાં. રામની સૂચના મળતાં સુમંત્રે રથ ચલાવ્યો. સૈનિકો, સેવકો અને અયોધ્યાની પ્રજા રથની પાછળ દોડવા લાગ્યાં. તેમની આંખોમાં આંસુ હતાં.
નગરવાસીઓ રામના રથની પાછળ પાછળ દોડી રહ્યા હતાં. રામે નગરજનોને પાછા વળી જવા ખૂબ સમજાવ્યા. છતાં એ પાછા વળ્યા નહીં. એટલે રામ-સીમા અને લક્ષ્‍મણ રથમાંથી નીચે ઊતરીને તેમની સાથે ચાલવા લાગ્યા.

આમ ચાલતાં ચાલતાં એ સૌ તમસા નદીને કિનારે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રામ અને સીતા ઘાસની પથારી બનાવીને તેની ઉપર આરામ કરવા લાગ્યાં. સુમંત્ર અને લક્ષ્‍મણે એમનાથી થોડે દૂર જાગતાં બેસી રહી રાત પસાર કરી.
નગરજનો થાકને લીધે થોડી વારમાં જ ઊંઘી ગયા. રાતનો છેલ્લો પ્રહર બાકી રહ્યો ત્યારે રામ ઊભા થયા. એમણે સુમંત્રને કહ્યું, "તાત સુમંત્ર ! તમે ઝડપથી રથ તૈયાર કરો. હું આ લોકોનું દુઃખ જોઈ શકતો નથી. એ લોકો જાગે તે પહેલાં આપણે અહીંથી દૂર નીકળી જઈએ."
સુમંત્રે તરત જ રથ તૈયાર કરી લીધો. રામ, સીતા અને લક્ષ્‍મણ રથમાં સવાર થઈ ગયાં. એમનો રથ તમસા નદીનો કિનારો છોડીને તપોવનના રસ્તે આગળ વધ્યો.
બોલો શ્રી રામચંદ્ર કી જય 

Sunday, June 20, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૧

૧. સૂર્યવંશી દશરથ રાજા

ત્રેતાયુગમાં ગંગા નદીની ઉત્તરે આવેલી સરયૂ નદીને કિનારે કૌશલ નામનું વિશાળ રાજ્ય હતું. આ રાજ્ય ધન-ધાન્યથી ભરપૂર, સુખી અને સમૃદ્ધ હતું. અયોધ્યા તેની રાજધાની હતી. તેમાં દશરથ રાજા રાજ્ય કરતા.
અયોધ્યાની લંબાઈ બાર યોજન એટલે ૬૦ કિલોમીટર અને પહોળાઈ ત્રણ યોજન એટલે ૧૫ કિલોમીટર હતી. તેની ચારે તરફ ભેદી ન શકાય તેવી દીવાલ હતી. તેની ઉપર સેંકડો તોપો ગોઠવેલી હતી. દીવાલની આસપાસ ઊંડી ખાઈ હતી. હજારો સૈનિકો રાત-દિવસ આ નગરીની રક્ષા કરતા. આ નગરી અજેય અને દુર્ગમ હોવાથી જ તેનું નામ અયોધ્યા રાખવામાં આવ્યું હતું. અયોધ્યા એટલે યુદ્ધમાં જીતી ન શકાય એવી નગરી.
દશરથ રાજા વિદ્વાન, નીતિવાન, બુદ્ધિમાન અને શૌર્યવાન હતા. તે યુદ્ધમાં એકલે હાથે દસ હજાર મહારથીઓને હરાવી શકતા. તેથી તેમને અતિરથી તરીકે પણ ઓળખવામાં આવતા. એમની પાસે કુબેર જેટલી સંપત્તિ હતી. એમનાં અમાપ બળ, બુદ્ધિ અને ધનને કારણે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતા. તે પોતાની પ્રજાની સુખાકારીનું હંમેશ ધ્યાન રાખતા. તેથી અયોધ્યાની પ્રજા એમને ખૂબ ચાહતી. દશરથના રાજ્યમાં કોઈ પણ નાગરિક દુઃખી કે નિર્ધન નહોતો.
ધૃષ્‍ટ, જયન્ત, વિજય, સુરાષ્‍ટ્ર, રાષ્‍ટ્રવર્ધન, અકોપ, ધર્મપાલ અને સુમંત્ર એ આઠ બુદ્ધિશાળી મંત્રીઓ દશરથ રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરતા હતા. સુમંત્ર અર્થશાસ્ત્રના વિદ્ધાન હતા.
સુયજ્ઞ, જાબાલિ, કશ્યપ, ગૌતમ, માર્કણ્ડેય અને કાત્યાયન જેવા ઋષિઓ પણ રાજાના મંત્રીમંડળમાં સામેલ હતા.
બધા મંત્રીઓ કાબેલ, વિદ્વાન અને ન્યાયી હતા. તેથી દશરથ રાજા સુખ, સંપત્તિ અને ઐશ્વર્ય ભોગવી રહ્યા હતા.
મહર્ષિ‍ વસિષ્‍ઠ અને વામદેવ દશરથ રાજાના મુખ્ય રાજપુરોહિત હતા.
દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. રાજમહેલમાં અપાર સુખ અને સમૃદ્ધિ હોવા છતાં રાજાને તેમનું જીવન સૂનું સૂનું લાગતું હતું; કારણ કે હવે તે વૃદ્ધ થતા જતા હતા, પણ તેમને એકેય સંતાન નહોતું. રાજાને એ વાત સતત કોરતી હતી કે એમના પછી એમનો વંશ આગળ ચાલશે શી રીતે ? યોગ્ય વારસદારના અભાવમાં અયોધ્યાનું રાજ્ય કોણ સંભાળશે ? આ ચિંતાને લીધે દશરથ રાજા નિરાંતે સૂઈ શકતા નહોતા.

૨. પુત્રેષ્ટિ યજ્ઞ

દશરથ રાજાને સંતાન નહોતું. તેથી રાજા અને તેમની ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ઉદાસ રહેતાં. રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું. મહાન તપસ્વી ઋષ્‍યશૃંગને આ યજ્ઞના આચાર્ય તરીકે આમંત્રણ આપવામાં આવ્યું.
પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. દશરથ રાજાએ વેદમંત્રોના મંગલ ધ્વનિ સાથે અગ્નિકુંડમાં આહુતિઓ આપી. એમણે યજ્ઞમાં છેલ્લી આહુતિ આપી ત્યારે યજ્ઞજ્વાળાઓની વચ્ચે સાક્ષાત્ અગ્નિદેવતા પ્રગટ થયા. તે આચાર્ય ઋષ્‍યશૃંગના હાથોમાં ખીરથી ભરેલું સોનાનું પાત્ર મૂકી અંતર્ધ્યાન થઈ ગયા. દશરથને એ પાત્ર આપતાં ઋષ્‍યશૃંગે કહ્યું, "આ યજ્ઞનો પ્રસાદ છે. આ ખીરનું સેવન કરવાથી તમારી રાણીઓને પુત્ર થશે."
રાજાએ ખીરનું પાત્ર કૌશલ્યાને આપતાં કહ્યું, "તમે ત્રણેય રાણીઓ યજ્ઞનો આ પ્રસાદ ગ્રહણ કરી લો."
કૌશલ્યાએ અડધી ખીર લીધી ને બાકીની અડધી ખીર સુમિત્રાને આપી. સુમિત્રાએ એમાંથી અડધી ખીર પોતાની પાસે રાખીને બાકીની ખીર કૈકેયીને આપી. કૈકેયીએ તેમાંથી અડધી ખીર લઈને અડધી ખીર સુમિત્રાને પાછી આપી. સુમિત્રાએ એ ખીર પણ ગ્રહણ કરી.

છ ઋતુઓ પસાર થયા પછી ચૈત્ર માસના શુકલપક્ષમાં નોમને દિવસે કૌશલ્યાએ રામને જન્મ આપ્‍યો. આજે પણ આપણે આ દિવસને રામનવમી તરીકે ઉજવીએ છીએ. રાણી સુમિત્રાએ ણે બે પુત્રોને જન્મ આપ્‍યો : લક્ષ્‍મણ અને શુત્રુધ્ન. કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્‍યો. તેનું નામ ભરત રાખવામાં આવ્યું.
રાજાએ દબદબાભેર પુત્રજન્મનો ઉત્સવ ઉજવ્યો. ખુશી અને વધામણીના અવાજોથી આખો રાજમહેલ ગાજી ઊઠ્યો.
દેવોએ રાક્ષસોનો ત્રાસ દૂર કરવા માટે ભગવાન વિષ્‍ણુને પ્રાર્થના કરી હતી. એટલે ભગવાન વિષ્‍ણુએ જ દશરથના પુત્ર રામ રૂપે જન્મ લીધો હતો.
દશરથને ત્યાં ચાર પુત્રોનો જન્મ થતાં સ્વર્ગમાં પણ પુષ્‍કળ આનંદ છવાઈ ગયો?
આ ચારેય રાજકુમારો ખૂબ તેજસ્વી અને સુંદર હતા. રામ અને લક્ષ્‍મણ સદાય સાથે જ રહેતા હતા. જ્યારે શત્રુધ્ન અને ભરતની જોડી સારી જામતી હતી.
મહર્ષિ‍ વસિષ્‍ઠે એમને સંસ્કાર અને શિક્ષણની તાલીમ આપી. ચારે રાજકુમારો વેદોનો સ્વાધ્યાય અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી વિદ્વાન અને શૂરવીર બન્યા. રાજકુમારો જન્મથી જ સમાજદાર હતા, હવે વિદ્યા મેળવીને સદ્દગુણોથી પણ સંસ્કારિત થયા. દશરથ રાજાના ચાર પુત્રોમાં રામ સૌથી વધુ તેજસ્વી હતા. એમનું ચરિત્ર ચન્દ્ર જેવું સ્વચ્છ અને શીતળ હતું. તેથી એમને સૌનો અપાર પ્રેમ મળવા લાગ્યો. લક્ષ્‍મણ સદાય રામની સાથે રહી તેમની સેવા કરવા તત્પર રહેતા.

૩. મહર્ષિ‍ વિશ્વામિત્રનું આગમન

રાજકુમારો યુવાન થયા ત્યારે એક દિવસ મહર્ષિ‍ વિશ્વામિત્ર અયોધ્યા પધર્યા. રાજાએ મહર્ષિ‍ વિશ્વામિત્રનું આદરપૂર્વક સ્વાગત કર્યું. રાજાએ હાથ જોડીને એમને પૂછ્યું, "હે મહાન તપસ્વી ! આપના આગમનથી અયોધ્યાનગરી ધન્ય થઈ છે. આજ્ઞા કરો, હું આપની શી સેવા કરી શકું?"
વિશ્વામિત્રએ કહ્યું, "રઘુવંશી રાજા ! હું એક યજ્ઞ કરી રહ્યો છું. રાક્ષસરાજ રાવણના બે અનુયાયીઓ મારીચ અને સુબાહુ મારા યજ્ઞમાં વિધ્ન નાખે છે. તેથી મારો યજ્ઞ અધૂરો રહી જાય છે. હું પોતે શાપ વડે રાક્ષસોનો નાશ કરી શકું. પણ યજ્ઞ શરૂ કર્યા પછી મારાથી શાપનો ઉપયોગ ન કરી શકાય એવો આ યજ્ઞનો નિયમ છે. એટલે હું તમારા પુત્ર રામને મારા યજ્ઞની રક્ષા કરવા માટે મારી સાથે લઈ જવા આવ્યો છું. તમે રામને મારી સાથે મોકલી આપો. તેની મદદથી હું મારો યજ્ઞ પૂરો કરી"
મહર્ષિ‍ વિશ્વામિત્રની આવી માગણી સાંભળીને રાજા ભયભીત થઈ ગયા. એમણે વિશ્વામિત્રને વિનંતી કરી, "હે મહર્ષિ‍ ! દેવ, દાનવ અને ગંધર્વ પણ રાક્ષસરાજ રાવણનો સામનો કરી શકે તેમ નથી. રામ તો હજુ સત્તર વર્ષના બાળક છે. હું યજ્ઞની રક્ષા કરવા આપની સાથે આવીશ. તેથી આપ તેને સાથે લઈ જવાનું માંડી વાળો. "

દશરથની વાત સાંભળી વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા. એમણે દશરથને કહ્યું, "હે રાજા ! તમે રામને મારી સાથે ન મોકલવાના હો, તો મને એ સ્પષ્‍ટ જણાવી દો. એટલું યાદ રાખજો કે એનાથી ત્રણે લોકમાં તમારી અને તમારા કુળની? ભારે અપકીર્તિ થશે."
મહર્ષિ‍ વસિષ્‍ઠે દશરથને સમજાવતાં જણાવ્યું, "હે રાજા, તમે ચિંતા કર્યા વિના રામને મહર્ષિ‍ વિશ્વામિત્રની સાથે મોકલી આપો. તેની સાથે લક્ષ્‍મણને પણ મોકલો. વિશ્વામિત્ર જ્ઞાન, શક્તિ અને સામાર્થ્યમાં ત્રણે લોકમાં અજોડ છે. એ ત્રિકાલદર્શી છે. એ તમારા પુત્રોનું ભલું કરવા માટે જ એમને લઈ જઈ રહ્યા છે. માટે તમે ભય રાખ્યા વિના તેમની સાથે રામ અને લક્ષ્‍મણને મોકલી આપો. "
મહર્ષિ‍ વસિષ્‍ઠનું સાંત્વન મળતાં રાજાનો ભય દૂર થઈ ગયો. તેમણે પ્રસન્નતાથી રામ અને લક્ષ્‍મણને વિશ્વામિત્રની સાથે વિદાય કર્યા.
સરયૂના કિનારે ચાલતાં ચાલતાં અયોધ્યાથી દૂર ગયા પછી વિશ્વામિત્રએ રામ-લક્ષ્‍મણને બલા અને અતિબલા નામની વિદ્યા આપી. એના પ્રભાવથી તેમનામાં અદ્દભુત આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. હવે તેઓ શ્રમ અને અણધારી આપત્તિઓથી સુરક્ષિ‍ત થઈ ગયા હતા.

૪. તાડકાનો વધ

વિશ્વામિત્ર અને રામ-લક્ષ્‍મણ ચાલતાં ચાલતાં એક ઘોર જંગલ પાસે આવી પહોંચ્યા. વિશ્વામિત્રે કહ્યું, "અહીં ઘણાં વર્ષો પહેલાં મલય અને કરુષ નામનાં બે સમૃદ્ધ નગરો હતાં. એ નગરો દેવોએ વસાવ્યાં હતાં. યક્ષિ‍ણીમાંથી રાક્ષસી બની ગયેલી તાડકાએ એ નગરોનો નાશ કરી દીધો છે. એ સુન્દની પત્ની અને મારીચની માતા છે. એના પ્રભાવવાળો આ વિસ્તાર તાડકાવનને નામે ઓળખાય છે. હવે આપણે તાડકાવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેથી તમે બરાબર સાવધ રહેજો."
રામે એ વનમાં પ્રવેશ કરતાં જ એમના ધનુષ્‍યનો ટંકાર કર્યો, એના ભયાનક અવાજથી ચારે દિશાઓ ગાજી ઉઠી અને તાડકા ધ્રુજી ઊઠી. એ રોષપૂર્વક અવાજની દિશામાં દોડી આવી ત્યારે ધનુષ્‍યબાણ લઈને ઊભેલા રામ-લક્ષ્‍મણ ઉપર તેની નજર પડી. તાડકાએ તેમની ઉપર પથ્થરો વરસાવ્યા. રામે બાણવર્ષા કરી એ પથ્થરોને નીચે આવતા અટકાવી દીધા.
તેથી તાડકા ક્રોધે ભરાઈને, રામ-લક્ષ્‍મણ તરફ ધસી આવી. રામે ચપળતાપૂર્વક એક બાણ વડે તેની છાતી વીંધી નાખી. તાડકા મૃત્યુ પામી.
તાડકાનો વધ થઈ ગયા પછી એમણે વિશ્રામ કર્યો. વિશ્વામિત્રે રામને દંડચક્ર, ધર્મચક્ર, કાલચક્ર, વિષ્‍ણુચક્ર, ઐન્દ્રચક્ર, બ્રહ્મશિરાસ્ત્ર, ત્રિશૂળ, વજ્રાસ્ત્ર, ઐષિવાસ્ત્ર, બ્રહ્માશસ્ત્ર, ધર્મપાશ, કાલપાશ, વરુણપાશ જેવાં દિવ્ય શસ્ત્રાસ્ત્રો અને મોદકી તથા શિખરી નામની ગદાઓ આપી.
વિશ્વામિત્રે આ દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરવાની વિદ્યા શીખવી. રામે વિશ્વામિત્રને પ્રણામ કરી એમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ફરીથી એમની આગળની યાત્રાનો પ્રારંભ થયો. રસ્તામાં વિશ્વામિત્રે રામને એ બધાં શસ્ત્રોનો મહિમા સમજાવી બીજાં પણ અનેક શસ્ત્રો આપ્‍યાં. એ શસ્ત્રો ઇચ્છાધારી અને દિવ્ય હતાં.
તેઓ થોડી વારમાં એક પર્વતની પાસે આવી પહોંચ્યા. વિશ્વામિત્રે રામને કહ્યું, "આ સ્થળને સિદ્ધાશ્રમ કહે છે. અહીં ભગવાન વિષ્‍ણુએ ઘોર તપસ્યા કરીને અમોઘ સિદ્ધિ મેળવી હતી આ સ્થાન પવિત્ર છે. તેથી હું અહીં રહું છું. મેં અહીં યજ્ઞ શરૂ કર્યો છે. મારીચ, સુબાહુ અને બીજા રાક્ષસો અહીં આવીને એમાં ભંગ પાડે છે. તમારે એમનો વધ કરવાનો છે."

વિશ્વામિત્રે મૌનવ્રત ધારણ કરીને એમનો પવિત્ર યજ્ઞ શરૂ કર્યો. પાંચ દિવસ સુધી તો યજ્ઞમાં કોઈ વિધ્ન આવ્યું નહીં. પણ છઠ્ઠા દિવસે કેટલાક રાક્ષસોની સાથે મારીચ અને સુબાહુ ત્યાં આવી પહોંચ્યા. એમણે આકાશમા;થી જ યજ્ઞવેદી પર રક્ત નાખવાનું શરૂ કર્યું. રામે મારીચ પર માનવાસ્ત્રનો પ્રયોગ કર્યો. તેના પ્રહારથી મારીચ યોજનો દૂર સમુદ્ર-કિનારે જઈ પડ્યો અને મૂર્છિત થઈ ગયો. એને જ્યારે ભાન આવ્યું ત્યારે તે ભયનો માર્યો નાસી ગયો. રામે સુબાહુને આગ્નેયાસ્ત્ર વડે હણી નાખ્યો. અને વાયવ્યાસ્ત્ર વડે બાકીની રાક્ષસસેનાનો સંહાર કર્યો.
રાક્ષસોનો સંપૂર્ણ નાશ થઈ જતાં વિશ્વામિત્રનો યજ્ઞ નિર્વિધ્ને પૂરો થઈ ગયો. વિશ્વામિત્રે રામને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્‍યા.
રામ-લક્ષ્‍મણે વિશ્વામિત્ર ને પ્રણામ કરીને કહ્યું, "અમે બંને આપની સેવામાં ઉપસ્થિત છીએ. હવે પછી અમારે જે નવી કામગીરી કરવાની હોય, તેની આજ્ઞા આપો."
વિશ્વામિત્રે એમને કહ્યું, "પુત્રો, મિથિલાના રાજા જનક એક ધનુષ્‍યયજ્ઞ કરી રહ્યા છે. અમારે એ યજ્ઞમાં જવાનું છે. તમે બંને પણ અમારી સાથે ચાલો. જનક રાજાની પાસે ભગવાન શિવનું સુનાભ નામનું એક પૌરાણિક ધનુષ્‍ય છે. એ ધનુષ્‍ય એટલું વજનદાર છે કે દેવ, ગાંધર્વ, અસુર કે મનુષ્‍ય કોઇ તેને ઊંચકીને તેની પણછ ચડાવી શકતું નથી.
?અનેક રાજાઓ ધનુષ્‍યયજ્ઞમાં હાજરી આપવા માટે મિથિલામાં પધારશે. મહારાજ જનકે એવી પ્રતિજ્ઞા કરેલી છે કે જે કોઈ સુનાભ ધનુષ્‍યને ઊંચકીને તેની પણછ ચડાવી શકશે, તેની સાથે તે પોતાની પુત્રી સીતાનો વિવાહ કરશે. મિથિલામાં તમને આ દિવ્ય અને અદ્દભુત ધનુષ્‍ય જોવાની તક મળશે."

૫. રામ અને લક્ષ્‍મણ મિથિલામાં

મહર્ષિ‍ વિશ્વામિત્ર, રામ અને લક્ષ્‍મણ મિથિલા જવા માટે નીકળ્યા. આ યાત્રા દરમ્યાન વિશ્વામિત્રે રામ-લક્ષ્‍મણને અનેક કથાવાર્તાઓ સંભળાવી.
તેઓ મિથિલા પાસે આવી પહોંચ્યા ત્યારે તેમણે એક ભેંકાર થઈ ગયેલો આશ્રમ જોયો. રામે એ આશ્રમ વિશે જાણવાની ઉત્સુકતા બતાવતાં વિશ્વામિત્રે જણાવ્યું, "એક સમયે ગૌમત ઋષિ અને એમનાં પત્‍ની અહલ્યા અહીં રહેતાં હતાં. દેવરાજ ઇન્દ્ર અહલ્યા પ્રત્યે આકર્ષાયો હતો. એક સવારે ગૌતમ ઋષિ નદી પર સ્નાન કરવા ગયા, ઇન્દ્ર ઋષિનું રૂપ લઈને એમના આશ્રમમાં પેસી ગયો. ઇન્દ્ર આશ્રમમાંથી નીકળીને પાછો ફરી રહ્યો હતો ત્યારે ગૌતમ ઋષિએ એને જોઈ લીધો. ઋષિએ ક્રોધિત થઈને અહલ્યાને પથ્થર થઈ જવાનો શાપ આપી આશ્રમ છોડીને જતા રહ્યા. ત્યારથી શિલાના રૂપમાં ફેરવાઈ ગયેલી અહલ્યા મનમાં રામનામનું રટણ કરીને એના દિવસો વિતાવી રહી છે."
આ વાત સાંભળીને રામને અહલ્યા પર દયા આવી. રામે શિલાના રૂપમાં પડેલી અહલ્યાનો સ્પર્શ કર્યો. રામનો સ્પર્શ થતાં અહલ્યા શાપમુક્ત થઈ ગઈ અને પાછી તેના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. રામ-લક્ષ્‍મણ અને વિશ્વામિત્ર અન્ય ઋષિઓની સાથે મિથિલામાં આવી પહોંચ્યા.
જનક રાજા, રાજપુરોહિત શતાનંદ તથા અન્ય ઋષિઓએ નગરની બહાર આવી વિશ્વામિત્રનું સ્વાગત કર્યું. જનકે રામ-લક્ષ્‍મણને જોઈને વિશ્વામિત્રને પૂછ્યું, "આ સુંદર કિશોરો કોણ છે ?" વિશ્વામિત્રે જનકને રામનાં પરાક્રમો વિશે વાત કરી અને કહ્યું, "આ બંને કૌશલનરેશ દશરથના પુત્રો છે. તમારું સુનાભ નામનું પૌરાણિક શિવધનુષ્‍ય બતાવવા હું એમને મારી સાથે લાવ્યો છું."

જનક રાજાએ વિશ્વામિત્રની સ્તુતિ કરીને ઉદ્યાનમાં એમના નિવાસની વ્યવસ્થા કરાવી.
લક્ષ્‍મણને મિથિલા નગરી જોવાની ઇચ્છા હતી. તેથી રામ વિશ્વામિત્રની રજા લઈને લક્ષ્‍મણ સાથે નગરનું અવલોકન કરવા માટે નીકળ્યા.
મહર્ષિ‍ વિશ્વામિત્ર સાથે આવેલા એ અદ્દભુત રાજકુમારો નગરમાં ફરવા નીકળ્યા છે, એ સમાચાર આખા નગરમાં વાયુવેગે પ્રસરી ગયા. રામ અને લક્ષ્‍મણ નગરમાં ફરવા નીકળ્યા ત્યારે નગરના આબાલવૃદ્ધ સૌ તેમને જોવા માટે પોતાના ઘરના ઝરૂખા કે આંગણામાં અને રસ્તાઓ પર ઊમટી પડ્યા. મિથિલાની નારીઓ આ બંને રાજકુમારોને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ કે એમણે ઠેર ઠેર રાજકુમારો પર ફૂલો વરસાવી તેમનું સ્વાગત કર્યું.

બીજા દિવસે વહેલી સવારે બંને રાજકુમારો પૂજા માટે ફૂલો લેવા જનક રાજાની ફૂલવાડીમાં ગયા.વસંત ઋતુનો સમય હતો. તેથી ફૂલના છોડ, વૃક્ષ અને વેલીઓને નવાં નવાં પાંદડાં ફૂટ્યાં હતાં. બાગની વચ્ચે એક સુંદર સરોવર હતું. તેને રત્નજડિત પગથિયાં હતાં. સરોવરના સ્વચ્છ જળમાં રંગબેરંગી કમળો ખીલી ઊઠ્યાં હતાં અને ઘણાં જળચર પક્ષીઓ પાણીમાં તરતાં તરતાં કલનાદ કરી રહ્યાં હતાં.
ફૂલવાડીની શોભા નીરખીને રામ અને લક્ષ્‍મણનું હૈયું આનંદથી છલકાઈ ગયું. એમણે માળીની રજા લઈ બગીચામાંથી ફૂલો ચૂંટવાની શરૂઆત કરી.

બોલો શ્રી રામચંદ્ર કી જય