Monday, April 5, 2010

રામ નામનો મહિમા અનન્ય છે

રામ નામનો મહિમા અનન્ય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.

આ કળિયુગમાં નામ-સ્મરણનો મહિમા વિશેષ છે. ‘રામનામ’ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે ! શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમનાં નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમનાં નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ કર્યો, રામનામ જીભ પર રાખો તો હ્રદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપૂંજ ઝળહળી ઊઠશે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઇએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું જોઇએ નહિ.

રામ રામેતિ, રામ રામે મનો રામે | સહસ્ત્ર નામ તતુંભ્યમ્‌ રામનામ વરાનને ||

સ્વયં ભગવાન શિવે મહાભારતમાં રામ નામની ભવ્ય પ્રશંસા કરી છે. મહાભારતમાં શિવ અને પાર્વતીનો વિષ્ણુસહસ્ત્ર નામના સંદર્ભમાં એક સંવાદ મુકવામાં આવ્યો છે. શિવ અહીં સમજ આપતાં કહે છે કે શ્રી ભિષ્મે વિષ્ણુના સહસ્ત્ર (હજાર) નામો ૧૦૭ પદોમાં વર્ણવ્યાં છે. તેથી પાર્વતી શિવને પ્રશ્ન પુછે છે કે આ સહસ્ત્ર નામરૂપી માળાનું કોઇ એક રૂપ અસ્તિત્વમાં છે કે જેનો પ્રભાવ હજાર નામ બરાબર હોય. શિવ જવાબમાં કહે છે કે માત્ર રામના નામનો પ્રભાવ જ વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે.

‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી. રામનામનો મહિમા કરતાં તેઓ કહે છે કે, ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે.

મહાશિવરાત્રિ વ્રતનું મહત્વ

નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે - (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) - વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા વગેરે સોળ તિથિઓના અગ્નિ વગેરે દેવતા સ્વામી હોય છે તેથી જે તિથિના જે દેવતા સ્વામી હોય છે, તે દેવતાનું એ તિથિમાં વ્રત અને પૂજન કરવાથી તે દેવતાની વિશેષ કૃપા ઉપાસકને પ્રાપ્ત થાય છે. ચૌદશની તિથિના સ્વામી શિવ છે અથવા શિવની તિથિ ચૌદશ છે તેથી આ તિથિની રાત્રિએ વ્રત કરવાના કારણે આ વ્રતનું નામ 'શિવરાત્રિ' હોવું એ એટલું જ ઉચિત છે. એટલા માટે દરેક માસની વદ પક્ષની ચૌદશે શિવરાત્રિનું વ્રત થાય છે. જેને માસશિવરાત્રિ વ્રત કહે છે. શિવભક્ત તો દરેક વદ ચૌદશની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદશની અર્ધરાત્રિમાં 'શિવલિંગતયોદ્ભૂતઃ કોટિસૂર્ય સમપ્રભઃ ' - ઈશાન સંહિતાના આ વચન અનુસાર જ્યોર્તિલિંગનો પ્રાદુર્ભાવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને પુરુષ તેમજ  આબાલવૃદ્ધ વગેરે સઘળા કરી શકે છે. જે રીતે શ્રીરામ, શ્રીકૃષ્ણ, વામન અને નૃસિંહજયંતી તથા દરેક એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ, એવી જ રીતે મહાશિવરાત્રિનું વ્રત પણ દરેકે કરવું જોઈએ. તે ન કરવાથી દોષ લાગે છે.

વ્રતનું મહત્ત્વ : 
       
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓ એ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે.

રાત્રિ જ શા માટે ?

અન્ય દેવતાઓનું પૂજન, વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને રાત્રિ જ શાને પ્રિય થઈ અને તે પણ મહા વદ પક્ષની ચૌદશ જ શાને ? આ બાબતે વિદ્વાનોએ બતાવ્યું છે કે 'ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ એ સંહારકાળની પ્રતિનિધિ છે, તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર, જીવોના દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિદ્રા દ્વારા ચેતનતાનો સંહાર થઈ સંપૂર્ણ વિશ્વ સંહારિણી રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે. આવી દશામાં પ્રાકૃતિક દૃષ્ટિએ શિવનું રાત્રિપ્રિય હોવું એ એક સાહજિક બાબત છે. આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય) ના સમયમાં જ કરવામાં આવે છે.'

સુદ પક્ષમાં ચંદ્ર પૂર્ણ (સબળ) હોય છે અને વદ પક્ષમાં તે ક્ષીણ હોય છે. તેની વૃદ્ધિની સાથોસાથ સંસારનાં સંપૂર્ણ રસવાન પદાર્થોમાં વૃદ્ધિ અને ક્ષયની સાથોસાથ તેમાં ક્ષીણતા હોવી તે એક સ્વાભાવિક અને પ્રત્યક્ષ છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં તે ચંદ્ર અમાસે બિલકુલ ક્ષીણ થઈ જાય છે. મરામર જગતના યાવન્માત્ર મનના અધિષ્ઠાતા તે ચંદ્ર ક્ષીણ થઈ જવાથી તેનો પ્રભાવ અંડ - પિંડવાદ અનુસાર સંપૂર્ણ ભૂમંડળનાં પ્રાણીઓ પર પણ પડે છે અને  જીવોના અંતઃકરણમાં તામસી શક્તિઓ પ્રબુદ્ધ થઈ અનેક પ્રકારનાં નૈતિક અને સામાજિક અપરાધોનાં કારણ બની જાય છે. આ શક્તિઓનું અમર નામ આધ્યાત્મિક ભાષામાં ભૂત પ્રેતાદિ છે અને શિવને તેમના નિયામક (નિયંત્રક) માનવામાં આવ્યા છે. દિવસમાં જોકે જગદાત્મા સૂર્યની સ્થિતિથી આત્મતત્ત્વની જાગરુકતાના કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ તેના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના ઉપશમનાર્થે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન આશુતોષની આરાધના કરવાનું એક વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદશની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું એક રહસ્ય છુપાયેલું રહેલું છે.

મહા વદ ચૌદશનું રહસ્ય :

જ્યાં સુધી દરેક માસની વદ પક્ષની ચૌદશને શિવરાત્રી કહેવડાવવાની વાત છે તે સઘળી શિવરાત્રિ જ કહેવાય છે અને પંચાગોમાં પણ એ જ નામથી લખવામાં આવે છે, પરંતુ મહા વદ પક્ષની શિવરાત્રિ એ મહાશિવરાત્રિના નામથી ઓળખાય છે. જે રીતે અમાસના ખરાબ પ્રભાવથી બચવાને માટે બરાબર એક દિવસ પહેલાં ચૌદશના દિવસે આ ઉપાસના કરવામાં આવે છે. એ જ રીતે ક્ષય થતો વર્ષનો અંતિમ માસ ચૈત્રથી બરાબર બે માસ પહેલાં મહા માસમાં જ તેનું વિધાન શાસ્ત્રોમાં મળે છે. અલબત્ત આ એક યુક્તિસંગત જ છે. તે સાથે જ રુદ્રોની એકાદશ સંખ્યાત્મક હોવાના કારણે પણ પર્વનો માસ (મહા)માં સંપન્ન થવો તે આ વ્રતોત્સવના રહસ્ય પર પ્રકાશ પાડે છે.

ઉપવાસ અને રાત્રિ જાગરણ શાને ?

ઋષિ-મર્હિષઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યું છે. ગીતા (૨/૫૯)ની આ ઉક્તિ 'વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ' અનુસાર ઉપવાસ એ વિષયની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતા (ર) ૬૯)નું આ કથન ખૂબ જ જાણીતું છે. 'યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી ' આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઈન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ઉપરાંત કયું અન્ય સાધન યોગ્ય હોઈ શકે છે ? રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે ? આ સઘળાં કારણોને લક્ષમાં લઈ આ મહા વ્રતમાં વ્રતીજન ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરી શિવની પૂજા કરે છે.

પૂજાવિધિ :

શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે. રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે.

મહાશિવરાત્રિ પર્વનો સંદેશ : 

ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ - સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે,

ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે, તેથી માનવમાત્રએ ઉપર દર્શાવેલ શિક્ષણને સ્વીકારી આ મહાન મહાશિવરાત્રિ - મહોત્સવની ઉજવણી બરાબર રીતે કરવી જોઈએ.

જીવનમાં દુઃખોથી ગભરાશો નહી

એક વખત એક માણસ પોતાનાં દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વ્રૂદ્દ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનુ નક્કી કરી નાંખ્યું.

આપઘાત કરવાના ઇરાદાથી એક વખત ઘરે કોઇ નહોતું ત્યારે મોકો જોઇ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.

અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો છે. જે તરફથી એ એદૂભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ ક્રુપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, 'દીકરા! મારા વહાલા સંતાન! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઇ આવી છે?'

'હે પ્રભુ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું? હવે એનો ભાર વેંઢારવાની શકતિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યાં નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.' પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.

'પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઇ જતો?' ભગવાન હસ્યા.

'પણ ભગવાન! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઇના ખભે જોયો નથી!' રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.

'મારા દીકરા! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઇક ને કંઇક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓના પોટલાં પડયાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઇ શકે છે. બોલ એવી અદલા-બદલી કરવી છે?' માર્મિક હસતાં ભગવાને કહ્યું.

નવાઇના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાંજ પોટલાંઓનું  કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબજ મોટો ઉધ્યોગપતિ હતો. એના ઘરની સમ્રૂદ્દિની તો રેલંછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ અલગ કાર જ વાપરતાં અને એ પણ પાછી ઇમ્પોર્ટેડ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાંદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લેન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઇ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂકયું પછી ભગવાન સામે જોઇને પૂછયું, 'ભગવાન! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઇએ, તેના બદલે એ આટલું બધું ભારે કેમ? મને આ સમજાયું નહીં!'
'ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઇ લેને!' એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.

પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ ઘરમાં કુટુંબીજનો સાથે ચાલતો કંકાસ દેખાણો. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના બહાને દેશવિદેશમાં રખડતો રહેતો અને કંગાળ જીવન જીવતો હતો. જેના કારણે તે ભયંકર રોગોથી પણ પીડાતો હતો. પેલી સ્ત્રી પણ માનસિક રીતે અત્યંત દુઃખી હતી. બન્ને પતિ-પત્નિ ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગોની સારવાર પાછળ ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. તો એ સ્ત્રીની દીકરી બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી ... બસ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઇ ન શકયો.

એનાથી બોલાઇ જવાયું, 'ભગવાન! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે? હું કલ્પના પણ નથી કરી શકતો!'.

ભગવાન હસી પડયા, કહ્યું, 'મેં તને કહ્યું ને! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. છતાં બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઇનું પોટલું જોઇને એ લેવું હોય તો તને છુટ્ટી છે!'

એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઇ જોઇને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઇ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફાસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા.

ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, 'પ્રભુ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે!'
'એવું છે? તો પછી તને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઇએ તો ખરા કે એમાં શું ભરેલું છે? તારું પોટલું ખોલ જોઉં!' ભગવાને કહ્યું.

એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર કુટુંબીજનોનો પ્રેમ હતો, મિત્રોની લાગણી હતી, થોડા પૈસા હતા અને થોડા ઘરેણાં હતા. તેમજ સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા!

'દીકરા!' અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, 'વરસોથી તું આ પ્રેમ અને લાગણીઓ વચ્ચે તેમજ પૈસા અને ઘરેણા સાથે રહેતો હતો, તો પણ તને આપઘાત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કદાચ તું કુટુંબીઓના પ્રેમનો અનુભવ નથી કરી શક્યો કે મિત્રોની લાગણીને નથી પિછાની શકયો. હવે તું દુનિયામાં પાછો જા, સહુની પ્રેમથી સારસંભાળ લે અને થોડો સમય કાઢી અને મારા એવા સંતાનો કે જેને જિંદગીએ કાંઇ નથી આપ્યું એવા દીનદુખીયાની તારાથી બની શકે તેટલી તન, મન, ધનથી સેવા કર. હું તને ખાતરી આપું છું કે આ સહુનો આનંદ જોઇને તારા આત્માને જે સુખ અને શાતા મળશે તે તને દુન્યવી દોલતથી તથા સુખ સાહ્યબીથી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ઉપરાંત આમ કરવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે તે તો બતાવ?'

પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઇને એ બોલ્યો, 'પ્રભુ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઇજા પહોંચાડવાનું કામ કર્યું છે.'

ભગવાન હસી પડયા. પછી બોલ્યા, 'કંઇ વાંધો નહીં બેટા! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ આ નાના પથ્થરો મને સોંપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઇ લઉં છું!' કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઇ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઇ.

પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી.

ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડયો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઇક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછયું કે, 'પ્રભુ! મારું પોટલું તો હંમેશા મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયં કેમ પડયાં છે?"

હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડયા. પછી બોલ્યા, 'મારા વહાલા દીકરા! એ જ તો વાત છે - જે તને હવે સમજાઇ રહી છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય અનેક ગણો વધારે ભાર છે છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે, કારણકે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઇને ફર્યાં કરે છે!'

હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઇ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડયો! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઇ!

વ્હાલા મિત્રો જીવનમાં દુઃખોથી ક્યારેય ગભરાશો નહી. તમારી બધીજ ચિંતાઓ ઈશ્વરને ચરણે મુકતા જાઓ. ઈશ્વર તમને અવશ્ય મદદ કરશે.

Sunday, April 4, 2010

ગાય માતા + ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાવો વિશ્વસ્ય માતરઃ

વેદોનો નિર્દેશક છે કે જો કોઇને આ સંસારમાં બધા જ પ્રકારના વૈભવો પ્રાપ્ત કરવા હોય તો તે ગૌમાતાની સેવા કરે. મહર્ષિ ચ્યવને રાજા નહુષને કહેલું કે ‘ગોભિસ્તુલ્યં ન પશ્યામિ ધનં કિંચીદા હાચ્યુત’ અર્થાત આ સંસારમાં હું ગાયો સમાન બીજું કોઇ ધન જોતો નથી.

ગાયોના સર્વ અંગો દેવમય છે. ગાયના શીંગડાનાં મુળમાં બ્રહ્માજી અને શીંગડાઓની મધ્યમાં ભગવાન નારાયણ વસે છે. શીંગડાના શીરોભાગમાં શિવજી વસે છે. પ્રજાપતિ અને બધા તીર્થો પણ ગાયના શીંગડામાં વસે છે. લલાટમાં ગૌરી અને અગ્નિ, ગળાની સંધિમાં યમ કે ધર્મરાજા, મસ્તિકમાં ચંદ્રમા, ઉપરના જડબામાં ઘુલોક અને નીચેના જડબામાં પૃથ્વીદેવી વસે છે. ગાયના દાંતમાં મરૂત દેવતા અને પીઠના હાડકાંમાં રૂદ્ર વસે છે ગાયની પીઠમાં દેવાંગનાઓ અને ખભામાં મિત્ર અને વરૂણ નામના દેવતાઓ વસે છે. ગાયની પૂંછમાં વાયુ દેવતા, પાછલા ભાગમાં ઇન્દ્ર પત્ની અને રૂંવાડામાં પવન દેવ વસે છે. ઘુંટણના હાડકાઓમાં વિધાતા અને સવિતા, પીંડીઓમાં ગંધર્વ અને ખરીમાં દેવમાતા અદિતિ વસે છે. આંતરડામાં સરસ્વતી, પેટમાં યક્ષ અને ગુદામાં દેવગણો વસે છે. ગાયના રૂધિરમાં રાક્ષસો વસે છે અને ગાયની મજ્જામાં મૃત્યુ વસે છે. ગાયના નાસિકાના અસ્થિભાગમાં કાર્તિકેય, બન્ને નકોરામાં કમ્બલ અને અશ્વરતર નામના બે નાગો વસે છે. બન્ને કાનોમાં અશ્વિનીકુમાર, નેત્રોમાં સુર્ય ચંદ્ર, દાંતોમાં આઠેય વસુગણ, કંઠમાં સરસ્વતી, ગંડસ્થળોમાં યમ અને યક્ષ, હોઠમાં બન્ને સંધ્યાઓ, ગ્રીવામાં ઇન્દ્ર અને ચારેય ચરણોમાં ધર્મ વસે છે. ખરીઓની મધ્યમાં ગંધર્વ, અગ્રભાગમાં સર્પ અને પશ્ચિમભાગમાં રાક્ષસગણ પ્રતિષ્ઠિત છે. ગાયના પૃષ્ઠ દેશમાં ૧૧ રૂદ્રો, બધા સાંધાઓમાં વરૂણ, કમરમાં પિતૃઓ, ગોમુત્રમાં સાક્ષાત ગંગા અને ગોબરમાં યમુનાજી તથા લક્ષ્મીજી વસે છે. ગાયના રોમ સમુહોમાં અન્ય સર્વ દેવો વસે છે. ગાયના જઠરમાં ગાર્હપત્ય અગ્નિ, હ્ય્દયમાં દક્ષિણાગ્નિ કંઠમાં સાહવનીયાગ્નિ અને તાલુપ્રદેશમાં સભ્યાગ્નિ સ્થિત છે. પદમ પુરાણ મુજબ ગાયના પગોના અગ્રભાગમાં આકાશચારી દેવતાઓ અને ભાંભરવાના અવાજમાં પ્રજાપતિ અને ગો મુત્રમાં પાર્વતીજી પણ વસે છે. ગાયના શીંગડાને સ્નાન કરાવવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્નાન કરાવ્યા બરાબર છે. ગાયની કમર ખજવાળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. મહાભારત મુજબ ગાયના શ્વાસોમાં છ અંગો પદ અને ક્રમ સહિત વેદોનો વાસ છે.

ગાય બેઠી હોય ત્યારે અગ્નિ રૂપ છે અને ઉઠતી વખતે અશ્વિનીકુમારોનું રૂપ છે. ગાય પૂર્વ બાજુ મોઢું રાખીને ઉભી હોય ત્યારે ઇન્દ્ર છે અને દક્ષિણ બાજુ મોં રાખીને ઉભી હોય ત્યારે યમરાજનું સ્વરૂપ છે. સામે જોતી વખતે ગાય મિત્ર દેવતા છે અને પીઠ ફેરવતી વખતે આનંદરૂપ પરમાત્મા છે.

ગાયનું દાન શાસ્ત્રોમાં અતિપુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. તેની સેવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગાયને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. આથી તેની સેવા કરવાથી દેવતાઓ આપણી પર પ્રસન્ન થાય છે. ગાયને ઘાસ ખવડાવનારાની હંમેશા ઉન્નતિ થાય છે. ગાયમાં ભગવતી સરસ્વતીનો નિવાસ છે. આથી તેની પૂજા કરવાથી કષ્ટો દૂર થાય છે. આયુર્વેદમાં પણ ગાયનાં દૂધ અને ઘીને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાયના દૂધમાંથી બનાવેલું દહીં અમૃત સમાન છે. સવારે ઊઠીને ગાયના ઘીમાં પોતાનું મોં જોવામાં આવે તો દુઃખ – દરિદ્રતાનો નાશ થાય છે. ગાયનાં દર્શન માત્રથી આપણને પુણ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે પણ કોઈ સારા કામે જતાં હોઈએ છીએ ત્યારે ગાયના શુકનને ફળદાયી માનીએ છીએ. શુભકાર્યોમાં ગાયનું હંમેશા પૂજન કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી

માતા શક્તિનું મહાપર્વ નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો ચૈત્રી નવરાત્રી માર્ચ-એપ્રિલમાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી વિક્રમ સંવતના આરંભમાં મનાવવામાં આવે છે. જ્યારે આસો માસની નવરાત્રી શારદીય નવરાત્રી અથવા દુર્ગાપૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ ચૈત્ર મહિનાના નવરાત્રમાં આઠમના દિવસે શક્તિ સ્વરૃપા માં ભવાનીનું પ્રાગટય થયું હોવાથી ચૈત્ર નવરાત્રનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૃર કરવી જોઈએ.

ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું. ચૈત્ર નવરાત્ર વસન્ત ઋતુમાં આવતી હોવાથી આ નવરાત્રીને ‘‘વાસન્તી નવરાત્ર’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય. તેમજ નવમીએ શ્રી રામચંન્દ્રનો પ્રાગટય થયું હોવાથી આ નવરાત્રને ‘‘રામ નવરાત્ર’’ પણ કહેવામાં આવે છે.

શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી. નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૃપોની આરાધના કરવામાં આવે છે. રૃપ ગમે તે હોય પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. જે જગતજનની છે. પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૃપ લઇને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ મેળવી, સતકાર્ય માટે શક્તિ વાપરીએ તેવી માઁ જગદંબા દૂર્ગાને પ્રાર્થના કરીએ.

આપણે ત્યાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૃ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઇ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન વગેરે કરે છે. કોઇ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઇ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઇને કોઇ રૃપમાં પૂજા તો દેવીની જ થાય છે.

નવ દુર્ગા

પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી
તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય
સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ
નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના

આ દેવીના નવ રૃપ અને તેમના પૂજનથી શું ફળ મળે છે તે જાણીએ, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ જાતના ફળની ઇચ્છા વગર દેવીની ઉપાસના કરવી જોઇએ.

શૈલપુત્રી

આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૃપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાને કારણે તેમને શૈલ પુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશાં ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે.

બ્રહ્મચારિણી

મા દુર્ગાનું બીજું રૃપ બ્રહ્મચારિણી છે. મા દુર્ગાનું આ રૃપ ભક્તો અને સાધકોને અનંત કોટિ ફળ પ્રદાન કરનારું છે. તેમની ઉપાસના કરવાથી, તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે.

ચંદ્રઘંટા

ચંદ્રઘંટા એ મા દુર્ગાનું ત્રીજું સ્વરૃપ છે. તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે તથા આકર્ષણમાં વધારો થાય છે.

કુષ્માંડા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિધિઓને પ્રાપ્ત કરીને સમસ્ત રોગ-શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે.

સ્કંદમાતા

પાંચમા દિવસ સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષનાં દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયિની છે. મા પોતાના ભક્તોની સમસ્ત ઇચ્છાઓની ર્પૂતિ કરે છે, શત્રુઓનું શમન થાય છે.

કાત્યાયની

માતાનું છઠ્ઠુ રૃપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમના પૂજનથી શક્તિનો સંચાર થાય છે તથા દુશ્મનોનો સંહાર કરવામાં સક્ષમ બનાવે છે.

કાલરાત્રી

નવરાત્રીનો છઠ્ઠો દિવસે માતા કાલરાત્રિની આરાધના કરવાનું વિધાન છે. તેમની પૂજા-અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે તથા દુશ્મનોનો નાશ થાય છે. તેજમાં વૃદ્ધિ થાય છે.

મહાગૌરી

દેવીનું આઠમું રૃપ મા ગૌરીનું છે. આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા સમસ્ત સંસાર કરે છે. પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.

સિદ્ધિદાત્રી

મા સિદ્ધિદાત્રીની આરાધના નવરાત્રીના નવમા દિવસે કરવામાં આવે છે. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવ નિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઇ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શક્તુ નથી, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ, તપ, પૂજા-અર્ચના કરીને માની કૃપા મેળવી શકાય છે.

    * નવરાત્રીમાં નીચે પ્રમાણેની પૂજા કે અનુષ્ઠાન કરી શકાય છે. ૐ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ|
   
    * ૐ દું દુર્ગાયૈ નમ:|
 
    * વિધ્યાવન્તમ્ યશસ્વન્તમ્ લક્ષ્મીવન્તમ્ જનમકુરુ|
      રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગવતી દેહી મે||
 
    * દુર્ગા સપ્તશતી પાઠ
 
    * ચંડીપાઠ
 
    * શ્રી સૂક્ત
 
    * કુળદેવીની પૂજા
 
    * કુમારિકાઓની પૂજા
 
    * અખંડ દીપ

ચૈત્રી નવરાત્રી - દુર્ગાપૂજનનું મહત્ત્વ

ચૈત્ર મહિનો ચિત્રાંગ નક્ષત્ર ઉપરથી આવ્યો છે. જેમનો અર્થ પૃથ્વી ઉપરની કુદરતી પ્રકૃતિ (વૃક્ષોનાં પાન) જાત-જાતનો શણગાર સજે છે. વૃક્ષો જુના પાંદ કાઢી નવા પાંદ આપવાનું શરૃ થાય છે. કેશુડાના વૃક્ષો વિશેષ સુંદર દેખાય આમ ભવ્ય શણગાર કુદરતી પ્રકૃતિનો જોવા મળે છે. જ્યારે મનુષ્યના જીવનની પ્રકૃતિ માટે ચૈત્રિ નવરાત્રી છે.

મનુષ્ય ચૈત્રિનોરતાની માં જગદંબા જે અંતરીક્ષમાં રહી બ્રહ્માંડની રચના કરી અને તેમનું પાલન પોષણ કરે છે તેમાં જગદંબાની પૂજા કરે છે અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રિ નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય.

ભારતીય સમાજમાં ચૈત્રિ નોરતાએ માં શક્તિ સ્વરૃપે નોરતા કરીએ છીએ. કારણ કે મનુષ્ય આસો મહિનાના નોરતા બાદ સામાજીક રીત-રિવાજમાં ખૂંપી જાય છે અને સમાજની અટપટી ચાલથી હેરાન થઈ અને સમગ્ર સમાજ આ જાતની પ્રકૃતિમાં ઓતપ્રોત થાય અને પોતાની શક્તિ સામાજીક ચાલની અંદર ખર્ચી અને મનનાં અસંખ્ય વિકારો ઉત્પન્ન થાય છે કારણ કે શરીરની બુધ્ધી અસંખ્ય વિચાર આપી અને માયા થકી કર્મ કરે છે ત્યારે આ કર્મથી દૂર થવા શક્તિ મેળવવા ચૈત્રિ નોરતાની અંદર શુધ્ધ વિચાર પ્રકૃતિ ઉત્પન્ન કરવા માઁની પૂજા કરીએ છીએ. ભગવાન રામ તથા ભગવાન કૃષ્ણ પણ ચૈત્રિ નવરાત્રી શક્તિ મેળવવા ફરતાં હતાં. કૃષ્ણ ભગવાન દુર્ગા માઁની પ્રતિક તરીકે પૂજા કરતા હતાં.

દૂર્ગા શબ્દનો અર્થ જોઈએ તો દૂ એટલે દુશ્કર અને ગ એટલે ગમન કરવું શરીરમાં બુધ્ધી તત્વનું ઉદ્ભવસ્થાન તથા બુધ્ધિની ઉત્પતી જોવી કઠીન છે. દૂર્ગા સ્વરૃપનું પૂજન કરવાનું કારણ શરીરની પ્રકૃતિને બલ આપનાર નિરંજન-નિરાકાર માઁ જગદંબા સાકાર સ્વરૃપે ફોટો અથવા મૂર્તિ રાખી અનુષ્થાન કરીએ છીએ અને મૂળ આધાર શક્તિ સ્ત્રોત સ્વરૃપે દેવી છે દૂર્ગા એટલે દુર્ગમ સંકટ પાર કરનાર સર્વ લોકો માટે સારૃં વિચારનાર, સર્વ જગતનું કારણ સ્વરૃપ, જગતમાં જે ખ્યાતિ જોવા મળે તેમનું કારણ, કૃષ્ણ એટલે વેદનાં અર્થ મુજબ પ્રકૃતિ બનાવનાર બુધ્ધિનો સ્ત્રોતમાં જગદંબા આપે એટલે કે મન, બુધ્ધિ, અહંકારને વશ કરી શકે તેવી માઁ દૂર્ગાને સર્વ રીતે નમસ્કાર કરું છું.

ઉપરોક્ત સ્તૃતિમાં દૂર્ગાની પૂજનનો હાર્દ સમાયેલ છે. અતિવિકટ સમયે તથા સારા સમયમાં સ્વરૃપે જગદમ્બા શુદ્ધ વિચાર આપી જીવન પાર કરાવે, સંસારની ચાલ દરેક યુગની અંદર ખૂબ જ ગહન તથા દુષ્કર હોય છે. આવી અટપટી ચાલમાં દૂર્ગા શુદ્ધ વિચાર માનવીને આપી અને સર્વ જગતનાં લોકોને પણ શુદ્ધ વિચાર આપી કલ્યાણ કરે છે.

કૃષ્ણાનો અર્થ અહિં પ્રકૃતિ જે મનુષ્યનાં જીવન જીવવાના વિચારથી જે પ્રકૃતિ ઉત્પન્ન થાય તે પ્રકૃતિ છે. તેથી માઁ દૂર્ગાની પૂજા કરતા વિનંતી કરી છીએ. અમને શુધ્ધ વિચાર સ્વરૃપની શક્તિ આપ જેથી જગતની ચાલમાં ફસાઈ અને માયા અને સાયા દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં ન પડી તેથી શુદ્ધ વિચાર સ્વરૃપની શક્તિ જીવનમાં આપ.

સંસારીક મનુષ્ય સંસારી ચાલને લીધે પ્રકૃતિ શરીરમાં ઉત્પન્ન થાય તે સ્થિતિ, બુધ્ધિ, ફલ, ક્ષુધા, પિપાસા, દયા, નિંદ્રા, તૂન્દ્રા, સમા, મતિ, શાન્તિ, લજ્જા, તૃષ્ટિ, પુષ્ટિ, ભ્રાન્તિ, ક્રાન્તિ આ સર્વ વિચાર સ્વરૃપે શરીરમાં બુધ્ધિ સ્વરૃપે આવે છે.

આ પ્રકૃતિનું સ્વરૃપ કોઈને કોઈ કારણ સાથે જોડાયેલ છે જેમ વાયુની સહેલી સ્વતિ છે. ગણેશજીની પત્નિ પુષ્ટિ છે તે સૃષ્ટિ સાથે જોડાયેલ છે. એટલે કે સમાજનો માણસ પોતાના કાર્યથી સંતોષ પામે, મોહનો લગાવ પુણ્ય સાથે છે. જો સાત પુણ્ય કર્યા હોય તો સાંસારીક પ્રતિષ્ઠા મળે છે. સારા કાર્યનો લગાવ કીર્તિ છે જેથી સામાજીક માન મોભો ઉત્પન્ન થાય છે,

શરીરમાં અનાજને તે પચાવે તે એક ઉદ્યોગ સ્વરૃપ છે. અધર્મનો લગાવ હંમેશા મિથ્યા સાથે જોડાયેલ હોય છે. કારણ કે મિથ્યાનો ભાવ કપટ સાથે જોડાયેલ છે. શાન્તિ, લજ્જા આ દ્વારા મનુષ્ય અને સમાજ તથા રાષ્ટ્રનો વિકાસ આપી બુધ્ધિ દ્વારા થાય છે.

મનુષ્યની જીવનની અંદર માઁ દૂર્ગાનું પૂજન કરતા જે ૨૪ પ્રકારની બુધ્ધિ છે તે બુધ્ધિનું મૂળ સ્વરૃપ ગણાય છે. આ ગણ એટલે બુધ્ધિ, મેઘા, ધૃતિ જ્યારે જ્ઞાાન થતા મનુષ્યની તીવ્ર બુદ્ધિ શરીરમાં ઉત્પન્ન થાય. તે બુધ્ધિથી મેઘા એટલે કે અનંત શક્તિ મનના વિચારની અંદર સ્ફુરે આ વિચાર આવતા મન, બુધ્ધિ, અહંકાર જીવનમાં નિવૃત્ત થતાં જીવનમાં માત્ર તિક્ષ્ણ બુધ્ધિ રહે આ બુધ્ધિથી ધૃતિ એટલે મન અને બુધ્ધિનાં વિચાર પૂર્ણ થાય અને જ્ઞાાનપ્રગટે જો સમાજનાં દરેક લોકોની આવી બુધ્ધિ ઉત્પન્ન થાય ત્યારે સમાજ, રાષ્ટ્ર અને દેશનંદનવન બને છે આવા ભાવ ઉત્પન્ન થતા કલ્યાણકારી વિચાર જ આવે છે. માયા નામનું તત્વ જવાથી જીવન આનંદીત થાય છે.

તેથી જ ભગવાન કૃષ્ણ દૂર્ગા દેવીની ઉપાસના માયાવી બુધ્ધિથી દૂર જવા કરતાં માયા જે છે તે વિષ્ણુનું સ્વરૃપ છે. આ દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં પડી છીએ. તેથી સર્વ પ્રકારની શક્તિના સ્વરૃપ તરીકે દૂર્ગા માતાની પૂજા કરી ૨૪ પ્રકારની પ્રકૃતિ જે શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને તે દ્વારા બુધ્ધિ ઉત્પન્ન થાય છે અને અહંકારનો જન્મ જીવનમાં થાય. આ એક પણ ગુણ બહારથી જોઈ શકતો નથી. જ્યારે પ્રકૃતિથી શરીરનાં વિચાર બદલાવા માટે હજારો હાથ વાળી માઁ દૂર્ગાની પૂજન અને ભક્તિ નોરતામાં કરી છીએ. જ્યારે મનુષ્યની આવી પ્રકૃતિ સરસ્વતી સ્વરૃપે જ્ઞાાન માર્ગે વાળવા માટે ચોપડાનું પૂજન દૂર્ગા દેવી પાસે કરીએ છીએ અને જ્ઞાાન દ્વારા વિદ્યા ઉત્પન્ન થાય તેમને જીવનમાં ક્યારેય કોઈ સીમા હોતી નથી જ્ઞાાન શુદ્ધ જ હોય છે.

તેથી દૂર્ગા માતાની પૂજામાં મનુષ્ય એવો ભાવ લાવે કે શરીરની રાક્ષસી પ્રકૃતિ નિવૃત્ત થાય અને બુધ્ધિ, મેઘા, ધૃતિ જીવનમાં રહે જેથી આ દેવી શક્તિથી મનુષ્ય સાકાર સ્વરૃપે જગતના કલ્યાણ માટે પોતાની શક્તિ વાપરી શકીએ. વેદ કર્તા ઋષિ આ માટે ''ઁ કૃષ્ણાય સ્વાહા'' નામના મંત્ર દ્વારા પ્રકૃતિનાં સ્વામી દેવીને શુદ્ધ બુદ્ધિ દેવા માટે કાલાવાલા કરવા આવો સરસ મંત્ર પૃથ્વી ઉપરનાં મનુષ્યને આપ્યો જેથી શરીરની પ્રકૃતિ શુદ્ધ થાય.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરી છીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ નોરતાની અંદર મેળવે સતકાર્ય માટે શક્તિ વાપરે તેવી માઁ જગદંબા સ્વરૃપ દૂર્ગાને પ્રાર્થના માઁ જગદંબાનો બાળક આ શરીર સ્વરૃપે પ્રાર્થના કરે.


''દૂર્ગા માતકી જય'' ''નવદૂર્ગા માતકી જય''

વિદુરનીતિ

વિદુરનીતિ મુજબ આ ૬ વ્યક્તિઓ ને ઘરમાં ઉતારો ના અપાય.

   1. બહુજ આળસુ હોય
   2. બહુ ખાતો હોય
   3. સમાજમાં જેની બહુ નિંદા થતી હોય
   4. બહુ કપટી હોય
   5. જુઠઠો હોય
   6. નાસ્તિક હોય


વિદુરનીતિ મુજબ નિયમિત સ્નાન કરવાથી આ ૧૦ ગુણો આવે છે

   1. પવિત્રતા
   2. સ્વચ્છતા
   3. કોમળતા
   4. શોભા
   5. લાવણ્યતા
   6. મિત્રતા
   7. રૂપ જળવાય રહે
   8. બળ જળવાય રહે
   9. ભાગ્ય તેજ બને
  10. સ્ફૂરતિ બની રહે.


વિદુરનીતિ મુજબ આ માણસો જીવતાં છતાં મરેલા જ છે.

1. અશિષ્યને ઉપદેશ આપે તે.
2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .
3. શત્રુની મદદ લે તે.
4. પોતાની પત્ની પર શંકા રાખે તે.
5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .
6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.
7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .
8. વેવીસાળ માં પૈસા,મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.
9. બીજાના ખેતરમાં જે વાવે તે.
10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.
11. દુર્જન ને સજ્જન માને તે.
12. વચન આપીને ફરી જાય તે.
13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.
14. જે વાતવાત પર ક્રોધ કરે તે.
15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.
16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.


વિદુરનીતિ મુજબ આ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.

   1. ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.
   2. બાળકોના યોગ્ય ઉછેર કરે.
   3. ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.
   4. મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.
   5. પવિત્રપણું રાખે.


વિદુરનીતિ મુજબ આ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો

   1. જેને દારૂનો નશો ચડ્યો હોય
   2. અસાવધ થઈને તંદ્રા માં બેસે.
   3. થાકી ગયેલા માણસને.
   4. ભૂખ્યા માણસને.
   5. ક્રોધે ભરાયેલા .
   6. લોભીયા માણસને
   7. બીકણ ડરેલા માણસને
   8. બહુ ઉતાવળિયા માણસને
   9. અજ્ઞાની માણસને
  10. નાસ્તિક માણસને


વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના છ કારણો

   1. સારુ આરોગ્ય
   2. માથે દેવું ન હોય
   3. પોતાનું ઘર હોય
   4. સારો પડોસી હોય
   5. સારી આજીવીકા હોય
   6. સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય

વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના છ કારણો

   1. ઈર્ષા
   2. અસંતોષ
   3. શંકાશીલ
   4. ક્રોધ
   5. પારકા પાર ભરોસો
   6. વધુ પડતુ દયાળુ

વિદુરનીતિ મુજબ સંપત્તિના ત્રણ રસ્તા હોય છે.

   1. દાન
   2. ભોગ (વાપરવું)
   3. નાશ

સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.

વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો ,કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.

   1. જુગાર
   2. શિકાર
   3. મદ્યપાન
   4. અતિ વિલાસ
   5. ક્રોધ




વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં

   1. પોતાની પ્રિય વ્યક્તિ
   2. પોતાની પ્રિયવાદીની એટલે પત્ની
   3. આગ્યાન્કારી સુપુત્ર

વિદુરનીતિ મુજબ આ પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે

   1. દેવ
   2. પિતૃ
   3. મનુષ્ય
   4. ભિક્ષુક
   5. અતિથી

વિદુરનીતિ મુજબ આ છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે

   1. ઊંઘ
   2. આળસ
   3. ભય
   4. ક્રોધ
   5. દીર્ઘસુત્રીપણુ
   6. પ્રમાદપણુ

વિદુરનીતિ મુજબ

બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે.રોગીઓ ઉપર જ ડોક્ટરોની ,ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.

વિદુરનીતિ મુજબ જીવનમાં આ પાંચ વસ્તુ ,વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ

   1. ભણ્યા પછી શિક્ષક ને
   2. આપણુ કામ કર્યું હોય તેને
   3. મુસાફરી કાર્ય બાદ વાહન ને
   4. રોગ માટી જાય પછી ડોક્ટરને
   5. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને



વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં  સ્વતન્ત્રતા ન આપવી .

   1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
   2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
   3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ

વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય

   1. જેની બુધિ ઓછી હોય.
   2. બહુ હરખ ઘેલો હોય
   3. જેને પોતાની બહુ મોટાઈ હોય
   4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા

વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.

   1. શુભ સંકલ્પ
   2. મહા પુરુષોના તપ
   3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય
   4. પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.

વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ

   1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
   2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.

વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.

   1. સાચા મિત્રો
   2. તમારા ગુરુ
   3. તમારા શત્રુઓ
   4. તમારો સેવક
   5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી